તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 21st January 2026
અવેશની ‘ઓડીયા ગેંગ'ને ‘ગુજસીટોક'નો ગાળીયો
થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારોમાં ૧૦ વર્ષમાં આચર્યા હતાં લાગલગાટ ૩૪ ગુનાઃ જેમાં ૧૫ ગંભીર પ્રકારના હતાં: હત્યા, હત્યાની કોશિષ, ધાકધમકી, લૂંટ, અપહરણ, રાયોટીંગ, ફરજમાં રૂકાવટ, દારૂ સહિતની ગુનાખોરીથી બીજા લોકો માટે બની ગયા હતાં ત્રાસરૂપ ૯ની ધરપકડઃ ગેંગની આવકનો મુળસ્ત્રોત ગેરકાયદે દારૂનો વેપાર હતોઃ તેની મિલ્કતો ટાંચમાં લેવાશેઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવી વિગતો મુરગા ગેંગ, પેંડા ગેંગ, બાટલી ગેંગ પછી હવે ઓડીયા ગેંગઃ શહેર પોલીસે સંગઠીત ગુના આચરતી ચાર ગેંગની બે મહિનામાં ગુજસીટોકની કાર્યવાહી કરી હવા કાઢી

નવા થોરાળાની ઓડીયા ગેંગ સામે ગુજસીટોક દાખલ કરી ૯ને પકડી લેવાયા છે. આ નવેય શખ્સો તથા વિગતો જણાવતાં ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને મહત્વની કામગીરી કરનારા એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા જોઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૧: શહેર પોલીસ દ્વારા શહેરમાં સતત સંગઠીત ગુનાખોરી આચરી લોકો માટે ત્રાસરૂપ બનેલી અલગ અલગ ગેંગોની કમ્મર તોડી નાખવાની કામગીરી બે મહિનાથી શરૂ થઇ છે. તે અંતર્ગત બે મહિનામાં ગુજસીટોક હેઠળ સતત ચોથી ગેંગને કાયદાના ગાળીયામાં લઇ કડક કાર્યવાહી કરી છે. નવા થોરાળા વિસ્તારમાં ૧૦ વર્ષમાં ૩૪ ગુના આચરી ચુકેલી ૧૦ શખ્સોની આ ગેંગ સામે ૩૪માંથી ૧૫ ગંભીર ગુનાઓ હતાં. હત્યા, હત્યાની કોશિષ, ધાકધમકી આપવી, લૂંટ કરવી, અપહરણ, ફરજમાં રૂકાવટ, ચોરી, રાયોટીંગ સહિતના ગુનાઓમાં સામેલ આ ટોળકીની આવકનો મુખ્યસ્ત્રોત ગેરકાયદેસર દારૂનો વેપલો હતો. નવા થોરાળા શેરી નં. ૧માં રહેતો અવેશ અયુબભાઇ ઓડીયા આ ગેંગનો સુત્રધાર છે, તેની અટક ઉપરથી ગેંગનું નામ ‘ઓડીયા ગેંગ' પડયું છે.
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ ઓડીયા ગેંગ સામે થયેલી ગુજસીટોકની કાર્યવાહીની વિગતો આપતાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી નવા થોરાળાના અવેશે પોતાની ઓડીયા ગેંગ મારફત અલગ અલગ ૩૪ ગુના નવા થોરાળા વિસ્તારમાં આચર્યા હતાં. જેમાં પંદર ગુના ગંભીર પ્રકારના હતાં. આ ગેંગના સાગ્રીતો પોતાની ધાક જમાવવા ખૂન, ખૂનની કોશીષ, ધમકીઓ, અપહરણ, લુંટ કરવી, ગેરકાયદેસર મંડળી રચી હુમલા કરવા, ધરફોડ ચોરીઓ, ફરજમાં રૂકાવટ, તેમજ દારૂ જેવા ગંભીર ગુનાઓ આચરી આમ નાગરીકોમાં ભયનું વાતાવરણ ઉભુ કરી પોતાના બદઇરાદા પાર પાડતા હોઇ જેથી આ સંગઠીત ગુના આચરતી ટોળકીને નિયંત્રણમાં લેવા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી હાલ ૯ આરોપીઓને પકડી લેવાયા છે. સુત્રધાર અવેશ ઓડીયા પાસા તળે જેલમાં હોઇ તેનો જેલમાંથી કબ્જો મેળવવામાં આવશે.
જે આરોપી પકડાયા તેમાં અરબાઝ રફીકભાઈ રાઉમા (નવા થોરાળા-૨, શાળા નં. ૨૯ પાછળ), શબ્બીર ઉર્ફે બોદુ સતારભાઇ ઓડિયા (નવા થોરાળા-૧૦), ઇમ્તિયાઝ આદબીદભાઇ ઓડીયા (નવા થોરાળા, શાળા નં. ૨૯ સામે), નયન જયોતીષભાઇ દાફડા (નવા થોરાળા-૨, સ્વામિનારાયણ મંદિર પાછળ), આબીદ ગનીભાઇ ઓડિયા (નવા થોરાળા-૧), અનીશ આબીદભાઇ ઓડિયા (નવા થોરાળા-૧), અબ્દુલ અનવરભાઇ દલ (નવા થોરાળા-૧૫, મચ્છો ડેરી સામે), શાહિદ અશરફભાઇ ઓડિયા (નવા થોરાળા-૨) અને મીત કિશોરભાઇ પરમાર (નવા થોરાળા વણકરવાસ-૧)નો સમાવેશ થાય છે.
આ ગેંગની આવકનો મુખ્યસ્ત્રોત ગેરકાયદેસર દારૂનું વેંચાણ હતું. ગેરકાયદે ધંધાઓ થકી ઉભી કરેલી આ ગેંગના સુત્રધાર, સાગ્રીતોની મિલ્કતો પણ ટાંચમાં લેવામાં આવશે તેમ વધુમાં ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ-ક્રાઇમ બ્રાંચ દ્વારા છેલ્લા બે મહિનામાં ચાર-ચાર ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવતાં સંગઠીત ગુનાખોરી આચરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મુરગા ગેંગ, પેંડા ગેંગ, બાટલીગેંગ પછી હવે ઓડીયા ગેંગને પણ ગુજસીટોકના ગાળીયામાં લઇ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની રાહબરીમાં આ કામગીરી એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ તથા પીએસઆઈ સી.બી. જાડેજા, વી.ડી. ડોડીયા, એ.એન. પરમાર, આર.કે.ગોહિલ, ડી.પી.ઝાલા, એસ.વી.ચુડાસમા તથા એએસઆઇ જનકભાઇ કુગશીયા, હેડકોન્સ. પ્રતીકસિંહ રાઠોડ તથા ટીમના સ્ટાફે કરી હતી. આ તમામે દરખાસ્ત તૈયાર કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. આગળની તપાસ એસીપી પુર્વ બી. વી. જાધવ ચલાવી રહ્યા છે.
(2:45 PM IST)










