તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th January 2026
પડધરીના ખોખરી ગામે ગૂમ થયેલા બાપ-દિકરાની વોંકળામાંથી ફુલાયેલી લાશ મળી
૬ વર્ષનો અરૂણ ન્હાવા જતાં ડૂબી જવાથી ૨૭ વર્ષિય પિતા રાજેશ ડાવર પણ ડૂબી ગયાની શક્યતાઃ ૧૬મીએ રાજેશને પત્નિ સાથે ચડભડ થયા બાદ તે ૬ વર્ષના દિકરાને લઇ ઘરેથી નીકળી ગયો હતોઃ પતિ જાતે આવી જશે એવું ન માનતી પત્નિએ પોલીસને જાણ કરી નહોતીઃ ઘટના આકસ્મિક કે આપઘાતની કે અન્ય કંઈ? તેની તપાસઃ બંનેના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયા : મુળ એમપીનો રાજેશ અગાઉ પરિવાર સાથે મોરબી રહેતો હતોઃ બે મહિનાથી ખોખરીમાં વાડીમાં રહી મજૂરી કરતો હતો

રાજકોટ તા. ૨૦: પડધરીના ખોખરી ગામે ખેતરમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના ૨૭ વર્ષના યુવાન અને તેના ૬ વર્ષના દિકરાની લાશ ખોખરીના ઉંડ ડેમ પાસેના વોંકળામાંથી મળી આવતાં ચકચાર મચી ગઇ છે. ગત ૧૬મીએ આ યુવાન દિકરાને લઇને વાડીએથી નીકળી ગયો હતો. પત્નિ સાથે ચડભડ થઇ હોઇ પત્નિને એમ હતું કે સાંજ સુધીમાં તે પરત આવી જશે. પણ ત્રણ દિવસ વીતી ગયા છતાં પતિ કે પુત્ર પરત ન આવતાં તે ચિંતામાં મુકાઇ ગઇ હતી. આમ છતાં કોઇને જાણ કરી નહોતી. આ દરમિયાન ખોખરીના ઉંડ ડેમ પાછળના વોંકળામાંથી આ પિતા-પુત્રના કોહવાયેલા, ફુલાયેલા મૃતદેહ મળતાં ચકચાર મચી ગઇ છે. બનાવ આકસ્મિક છે, આપઘાતનો છે કે પછી અન્ય કંઇ બન્યું? તેની તપાસ પડધરી પોલીસ કરી રહી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયા છે. જાણવા મળ્યા મુજબ પડધરીના ખોખરી ગામે આવેલા ઉંડ ડેમ પાછળના વોંકળામાં એક છોકરા અને યુવાનના મૃતદેહ પડયા હોવાની જાણ થતાં પડધરી પોલીસ મથકના એએસઆઇ પુનીતભાઇ અગ્રાવત, રાઇટર મહિપાલસિંહ જાડેજા સહિતે પહોંચીને કાર્યવાહી કરી હતી. મૃતદેહ બહાર કઢાવીને ઓળખ મેળવવા તપાસ શરૂ કરતાં આ મૃતદેહો ખોખરી ગામે અનિરૂધ્ધસિંહ જાડેજાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના રાજેશ જુવાનસિંગ ડાવર (ઉ.વ.૨૭) અને તેના દિકરા અરૂણ રાજેશ ડાવર (ઉ.વ.૬)ના હોવાનું રાજેશની પત્નિ રેનુબેન ડાવરે ઓળખી બતાવ્યું હતું.
મૃત્યુ પામનાર રાજેશને સંતાનમાં બે દિકરા છે. જેમાં તેની સાથે મૃત્યુ પામનાર અરૂણ મોટો હતો. તેનાથી નાનો દિકરો ૪ વર્ષનો છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રાજેશ અગાઉ મોરબી પંથકમાં પત્નિ, બે બાળકો સાથે રહી મજૂરી કરતો હતો. હાલ છેલ્લા બે મહિનાથી તે પડધરીના ખોખરી ગામે અનિરૂધ્ધસિંહ જાડેજાની વાડીમાં રહી મજૂરી કરતો હતો. તેની પત્નિ અનુબેને પોલીસ પુછતાછમાં કહ્યું હતું કે-પતિ રાજેશને નશાની આદત હતી. તે આ કારણે ઘરમાં બોલાચાલી કરતો હતો. ૧૬/૧ના બપોરે બે વાગ્યા આસપાસ બોલાચાલી બાદ પતિ રાજેશ ઘરેથી ૬ વર્ષના દિકરા અરૂણને લઇને નીકળી ગયો હતો.
સાંજ સુધી પતિ કે દિકરો ઘરે ન આવતાં તેણીને એમ હતું કે ક્યાંક રિસાઇને રોકાઇ ગયો હતો અને બાદમાં તેની મેળે આવી જશે. જો કે આ રીતે ત્રણ દિવસ વીતી જવા છતાં પતિ-પુત્રની ભાળ ન મળતાં તે ચિંતામાં મુકાઇ ગઇ હતી. પોલીસને જાણ કરવા જાય એ પહેલા જ ગઇકાલે ઉંડ ડેમની પાછળ આવેલા વોંકળામાંથી પતિ-પુત્રના ફુલાઇ ગયેલા, કોહવાઇ ગયેલા મૃતદેહ મળી આવ્યા હતાં.
પોલીસનું પ્રાથમિક તારણ છે કે ૬ વર્ષનો પુત્ર અરૂણ ન્હાવા જતાં ડૂબી ગયા બાદ તેને બચાવવા જતાં પિતા રાજેશ પણ ડૂબી ગયો હોઇ શકે છે. મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયા છે. ઘટના આકસ્મિક છે કે પછી આપઘાતની? કે પછી અન્ય કંઇ બન્યું? તે અંગે તપાસ થઇ રહી છે. (૧૪.૫)
(11:24 AM IST)










