તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th January 2026
રાજકોટ જીલ્લાના તમામ ગામોમાં વિતરણ થતા પાણીના ટેસ્ટિંગ માટે કલેકટરના આદેશોઃ ૧૮ લાખના ખર્ચે કામોને મંજુરી

રાજકોટ, તા.ર૦: કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદની ઉપસ્થિતિમાં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન(વાસ્મો) ની જિલ્લા કક્ષાની અમલીકરણ સમિતિની બેઠક યોજાઇ હતી.
કલેક્ટરે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા રજુ કરાયેલા કામોની સમીક્ષા હાથ ધરી હતી. જેમાં જરૂરી ટેન્ડર પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા જણાવ્યું હતું. ગ્રાન્ટના અભાવે કોઈ કામગીરીમાં વિલંબ ન આવે તે માટે પણ ખાસ સૂચના આપી હતી. વધુમાં સંપ દ્વારા ગામમાં વિતરણ કરવામાં આવતા પાણીનું સમયાંતરે ટેસ્ટિંગ થાય તે માટે અધિકારીઓને તાકીદ કરી હતી.
કલેક્ટરે રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત કુલ રૂ. ૧૭,૯૯,૮૩૧ના ખર્ચે વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જેમાં હયાત કુવા પર પંપીગ મશીનરીનું કામ, પાવર કનેક્શન, પાઇપલાઇનની કામગીરી, નવીન સંપ માટે પાવર કનેક્શન આપવાની કામગીરી સહિત વિવિધ કામગીરી કરવામાં આવશે.
(11:09 AM IST)










