તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th January 2026
મેટોડામાંથી ૪ દિ' પહેલા ગૂમ થયેલા બિહારી મજૂરની કૂવામાંથી કોહવાયેલી લાશ મળી
આઠેક મહિનાથી મેટોડામાં રહેતો હતોઃ રૂમમાં કોઇ સાથે બોલાચાલી બાદ નીકળી ગયો હતોઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું

રાજકોટ તા.૧૯: મેટોડામાં રહેતો મુળ બિહારનો યુવાન ચાર દિવસ પહેલા ગૂમ થઇ જતાં પોલીસને જાણ કરાઇ હતી. દરમિયાન આ યુવાનની લાશ મેટોડામાં કારખાના પાછળ આવેલી વાડીના કૂવામાંથી કોહવાયેલી, ફુલાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઇ છે. કોઇ સાથે રૂમમાં બોલાચાલી થયા બાદ તે રૂમેથી નીકળી ગયો હતો. આ પછી તેની લાશ મળી હતી. બનાવ આાપઘાતનો છે કે અન્ય કંઈ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ મેટોડા ગેઇટ નં. ૩ પાસે કંપનીના ક્વાર્ટરમાં રહેતો મોહમ્મદ ઇમરાન મોહમ્મદમોઇન બિહારી (ઉ.વ.૨૦) નામનો યુવાન છ દિવસ પહેલા પોતે જ્યાં રહેતો તે રૂમમાં કોઇ સાથે બોલાચાલી થયા બાદ ત્યાંથી નીકળી ગયો હતો. ચાર દિવસ પહેલા ગૂમ થયાની જાણ મેટોડા પોલીસને કરવામાં આવી હતી.
દરમિયાન ગત સાંજે મેટોડા જીઆઇડીસી સિલ્વર કારખાના પાછળ વાડી વિસ્તારમાં કૂવામાંથી દૂર્ગંધ આવતી હોઇ પોલીસને જાણ થતાં તપાસ કરતાં એક યુવાનની ફુલાયેલી, કોહવાયેલી લાશ મળી હતી. આ લાશ ગૂમ થયેલા મોહમ્મદઇમરાન બિહારીની હોવાનું ખુલ્યું હતું. તે છ ભાઇ અને એક બહેનમાં પાંચમો અને કુંવારો હતો. અહિ આઠેક મહિનાથી રહીને કંપનીમાં કામ કરતો હતો. તેણે આપઘાત કર્યો કે અન્ય કંઇ બન્યું? તેની તપાસ થઇ રહી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ ફોરેન્સિક નિષ્ણાંતો દ્વારા કરાવવામાં આવ્યું છે. મેટોડા પોલીસ વધુ તપાસ કરે છે.
(3:16 PM IST)










