તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th January 2026
ફાંસીની સજા પામેલ આરોપી સામે પોલીસે ઝડપી તપાસ કરી માત્ર ૧૧ દિ'માં ચાર્જશીટ કર્યુ'તું : એસ.પી. ગુર્જર
એ.એસ.પી. સીમરન ભારદ્વાજની ટીમે એકત્ર કરેલ ફોરેન્સીક અને મેડીકલ પુરાવા અને ભોગ બનનાર બાળા તથા તેની સાથે રમતા બાળકોના સ્ટેટમેન્ટ આરોપીની ફાંસીની સજા માટે નિમિત બન્યા : ડિસ્કવરી પંચનામા દરમિયાન આરોપી રામસીંગએ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પર ફાયરીંગ કર્યુ'તું: ભોગ બનનાર બાળા હાલમાં સ્વસ્થ છે અને પોલીસ દ્વારા વિવિધ ડોકટરો સાથે કાઉન્સલીંગ કરાવાઇ રહયું છે

તસ્વીરમાં રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા નજરે પડે છે. બાજુમાં એએસપી સીમરન ભારદ્વાજ અને મુખ્ય સરકારી વકીલ એસ.કે.વોરા દ્રશ્યમાન થાય છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ, તા., ૧૭: આટકોટ પંથકમાં ૭ વર્ષની બાળા પર દુષ્કર્મનો પ્રયાસ કરી તેના ગુપ્તાંગમાં લોખંડનો સળીયો ખુંપી દેવાયાની ચકચારી ઘટનામાં કોર્ટે આરોપી રામસિંહ ઉર્ફે રામસીંગ ડુડવાને તકસીરવાન ઠરાવી ફાંસીની સજા ફરમાવતા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે આ ચકચારી ઘટનામાં બાળા તથા તેના પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે પોલીસે ઝડપી તપાસ કરી માત્ર ૧૧ દિવસમાં જ આરોપી સામે કોર્ટમાં વિવિધ પુરાવાઓ સાથે ચાર્જશીટ રજુ કર્યુ હતું.
એસપી વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું હતું કે, આટકોટની દુષ્કર્મની ઘટનામાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજયના પોલીસ વડાની સુચનાથી ઝડપી તપાસ કરાઇ હતી. એએસપી સીમરન ભારદ્વાજની ટીમે દુષ્કર્મની ઘટના બન્યા બાદ આરોપી સામે ફોરેન્સીક અને મેડીકલ પુરાવા એકત્ર કર્યા હતા. એફઆઇઆર રજીસ્ટર્ડ થયા બાદ ભોગ બનનાર બાળાની હાલત સારી ન હતી. તેમજ નજરે જોનાર સાહેદો પણ હતા નહી. પોલીસે ઘટના સ્થળેથી કબ્જે કરેલ સળીયો કે જે બાળાના ગુપ્તાંગમાં ખોંપી દેવાયો હતો. તે સળીયા ઉપરથી મળી આવેલ લોહી અને બાળાનું લોહી મેડીકલ ટેસ્ટ માટે મોકલાયું હતું અને આ ટેસ્ટમાં બંને લોહી બાળાનું હોવાનું પુરવાર થયું હતું. તેમજ ઘટના સ્થળેથી આરોપીના માથાના વાળ મળ્યા હતા. જે વાળ આરોપીના હોવાનું પુરવાર થયું હતું. તેમજ ઘટના સમયે ભોગ બનનાર બાળકી સાથે રમતા બાળકો અને ભોગ બનનાર બાળાનું બીએનએસની કલમ ૧૮૩ મુજબનું સ્ટેટમેન્ટ મુખ્ય પુરાવા રૂપે સાબીત થયા હતા અને આ પુરાવાઓ આરોપી રામસીંગને ફાંસીની સજા આપવામાં નિમિત બન્યા હતા. એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે પોલીસ તપાસમાં પોલીસ સમક્ષ આરોપીએ એવી કબુલાત આપી હતી કે દુષ્કર્મની ઘટના અગાઉ પણ બાળા સાથે આરોપીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પણ ત્યારે અન્ય બાળકો સાથે હોય આરોપી દુષ્કર્મ કરવામાં નિષ્ફળ રહયો હતો અને બાદમાં ફરી પોત પ્રકાશ્યું હતું. દુષ્કર્મની ઘટના બાદ આરોપીને લઇ પોલીસ ડિસ્કવરી પંચનામા માટે આટકોટ ગઇ હતી ત્યારે આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે આરોપી ઉપર ફાયરીંગ કર્યુ હતું અને આરોપીની ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ભોગ બનનાર બાળાની તબીયત હાલ સ્વસ્થ હોવાનું અને તેને વિવિધ ડોકટરો સાથે રૂરલ પોલીસ કાઉન્સલીંગ કરાવી રહી છે. ભોગ બનનાર બાળા તથા તેના પરિવાર સાથે પોલીસ સતત સંપર્કમાં રહી તેને મદદ કરી રહી હોવાનું એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું.
આ ચકચારી ઘટનાની તપાસ એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજીના રીડર પીએસઆઇ બી.ડી.જોશી, આટકોટના પીઆઇ આર.એસ.સાકળીયા તથા આટકોટ પોલીસ ટીમ, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ પી.એન.ભરવાડ તથા ટીમ, એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહીલ, પીએસઆઇ આર.વી.ભીમાણી તથા એલસીબી સ્ટાફ , એસઓજીના પીએસઆઇ કે.એમ.ચાવડા તથા ટીમે કરી હતી.
(3:24 PM IST)










