News of Friday, 16th January 2026
મિલ્કત વેરો બાકી છે ? આવતા અઠવાડીયાથી વધુ કડક કાર્યવાહી
મનપા દ્વારા શહેરભરના પ હજારથી વધુના બાકી દારો ઉપર ઘોંસ : વેરા શાખા દ્વારા ગઇકાલે ૩૭૮ મિલ્કતો સીલ : કુલ ૪.૯ર કરોડની વસુલાત

રાજકોટ, તા. ૧૬ : મનપા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડમાં બાકી મિલકત વેરા સામે મેગા રિકવરી ડ્રાઈવ યોજવામાં આવેલ. જેમાં એક દિવસની મેગા ડ્રાઈવમાં કુલ ૩૭૮ મિલકત સીલ કરવામાં આવેલ, કુલ ૪૮૫ મિલકતો સામે રિકવરી કરવામાં આવેલ અને મેગા ડ્રાઈવમાં કુલ રૂ.૪.૯૨ કરોડ રિકવરી કરવામાં આવેલ છે.
મહાનગરપાલિકાની હદ્દમાં આવેલ અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકળત રેકર્ડ પર નોંધાયેલ રહેણાંક, વ્યાવસાયિક, ઔદ્યોગિક તેમજ અન્ય કેટેગરીની મિલ્કત ધરાવતા તમામ મિલ્કતધારકો દ્વારા મિલકત વેરા તથા પાણી ચાર્જીસ પેટે રૂ. ૫ હજાર કે તેથી વધુ રકમ બાકી છે, તેવા બાકીદાર મિલ્કતધારકોની યાદી તથા તેમની સામે ભરપાઇ કરવા પાત્ર બાકી રકમની વિગત રાજકોટ મહાનગરપાલિકાની અધિકળત વેબસાઇટ www.rmc.gov.in પર જાહેર કરવામાં આવેલ છે.
આ યાદીમાં સમાવિષ્ટ બાકીદાર મિલ્કતધારકોએ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી પોતાની મિલ્કત સંબંધિત બાકી રકમની ચોક્કસ વિગતો મેળવી, મિલકત વેરા તથા પાણી ચાર્જીસની બાકી રહેતી તમામ રકમ સત્વરે અને તાત્કાલિક ભરપાઇ કરે તેવો મનપા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. જો બાકીદાર મિલ્કતધારકો દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં બાકી રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો, રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ૧૯૪૯ (GPMC Act, ૧૯૪૯) ની કલમ ૧૨૮ હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી અંતર્ગત સંબંધિત મિલ્કતોને સીલ કરવી, પાણીનું નળ કનેકશન કપાત કરવું, તેમજ બાકી રકમની વસુલાત અર્થે મિલ્કતની હરરાજી કરવા સુધીની કડક કાર્યવાહી આગામી સપ્તાહથી હાથ ધરવામાં આવશે.
જુદી-જુદી મિલકત વેરા તથા પાણી ચાર્જીસની બાકી રકમની ભરપાઇ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ છે. બાકીદાર મિલ્કતધારકો ઓનલાઈન માધ્યમ, નજીકની વોર્ડ ઓફિસ, સિટી સિવિક સેન્ટર તેમજ સંબંધિત ઝોન ઓફિસ ખાતે જઈને સહેલાઇપૂર્વક બાકી રકમ ભરપાઇ કરી શકે છે.
મહાનગરપાલિકા તમામ નાગરિકોને શહેરના સર્વાંગી વિકાસ, સુવ્યવસ્થિત નાગરિક સેવાઓ અને આવનારા વિકાસકાર્યોમાં સહયોગ આપવા માટે મિલકત વેરા તથા પાણી ચાર્જીસની સમયસર ચુકવણી કરવા અનુરોધ કરે છે અને બાકીદાર મિલ્કતધારકોને આ જાહેર સૂચનાને ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક બાકી મિલકત વેરો તથા પાણી ચાર્જીસ ભરપાઈ કરવા સુચના આપવામાં આવે છે. (૯.૧૮)
(3:09 PM IST)










