તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
સોૈ પ્રથમ એમ.ઓ.યુ. ત્યારબાદ ‘હુ આર યુ'(?) નહી થાય ?
વાઇબ્રન્ટ મહોત્સવ ઇન રાજકોટઃ સચ્ચાઇ VS સ્વપ્ન વિહારની પરાકાષ્ઠા

આપણા રાજકોટમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટીત વાઇબ્રન્ટ મહોત્સવ મિડીયામાં સરકારી મશીનરી માટે પોતાનો ખભો થાબડવાનો ચર્ચીત અવસર બનીને પુર્ણ થઇ ચુકયો છે ત્યારે....
લોકલાડીલા આપણા નરેન્દ્રભાઇએ શરૂ કરેલા આ ઉમદા અભિયાનમાં કાળક્રમે ફેરફારો થતા કોઇપણ બોૈધિકને નરી આંખે દેખાય તેવો માહોલ છે. આ બધુ જોવા માટે તારક મહેતાના ઉંધા ચશ્માની પણ કોઇ જ જરૂર નથી. ‘‘વાદા તેરા વાદા, વાદે પે તેરે મારા ગયા બંદા મેં સિધાસાદા'' આ ગીતના શબ્દો સુપરસ્ટાર રાજેશ ખન્નાની ‘‘દુશ્મન'' ફિલ્મના છે જેને કિશોરકુમારે પોતાની ગાયકીના જાદુથી યાદગાર બનાવી દીધા છે.
આ ગીત તદન પરફેકટ રીતે આ પ્રકારના આયોજન અને તેના લાભાર્થી (!) માટે તદન ફીટ બેસે તેવો માહોલ જમાવવામાં આવ્યો હતો. હજારો, લાખો કરોડોના રોકાણના વાયદા જ વાયદા. તે પણ આવતા પાંચ વર્ષના લાંબા સમયગાળા માટે!!! અત્યારે હાજરમાં કંઇ જ નહી? વાયદાઓની ભરમાર, સરકારી મહેમાનગતી. વ્યાપક પબ્લીસીટી, વત્તા સરકારી બાબુઓની જીહજુરી સિવાય રાજકોટ અને આમજનતા માટે આ ઇવેન્ટ વધારે ઉકાળી શકી નથી તે માનનારો બહુમોટો વર્ગ રાજકોટમાં છે (પોઇન્ટ ટુ બી નોટેડ યોર ઓનર).
કહેવાનુ તાત્પર્ય એ પણ છે કે ફેકટ અને ફીકશન વચ્ચેનો તફાવત આ પ્રચારમાં દબાઇ ગયો છે કે ઇરાદાપૂર્વક દબાવી દેવામાં આવ્યો છે તે પણ જોવુ રહયુ. કારણ કે આવા નહી આ જ શ્રેણીના ભૂતકાળના વાઇબ્રન્ટ સમિટ પછી સેંકડો ઉદ્યોગગૃહો કે કોર્પોરેટ વલ્ડના જુના અને તૈયાર ખેલાડીઓ ઉદાસીન થઇ ગયા હોય કે પછી આવા એમ.ઓ.યુ.માંથી છટકી જઇ પુરેપુરા સરકારી રાહતોના લાભાલાભ લઇને નિષ્ક્રીય બની ગયાના સેંકડો બનાવો બની ચુકયાનું લોકમુખે ચર્ચાઇ રહયુ છે.
આ કરશુ, તે કરશુ, ફલાણું, ઢીંકણુ કરશુ? પણ કયારે? પાંચ વર્ષની મુદત તો બહુ લાંબી થઇ જાય. અત્યારે તો કંઇ નહી ને(!) થાય તો ઠીક અને થાય ત્યારે તેવા સંજોગો વચ્ચે સફળતાના બણગા ફુંકવા તે વધારે વહેલુ અને કસમયનું ન ગણાય?
કારણ કે સ્વદેશી ઉદ્યોગો સ્થપાય અને વિકાસ પામે, સ્થાનીક સ્તરે રોજગારી પુરી પાડે તેવો આવા કાર્યક્રમોનો ઉમદા હેતુ રહયો છે. યોગ્ય જ છે. તેમાં કોઇને પણ વિવાદ ન હોઇ શકે તે દેખીતુ છે. પણ આ બધુ પુરેપુરી ઇમાનદારી અને નિષ્ઠાથી કાર્યાન્વિત કરવાનુ આવે ત્યારે આમાંના ઘણા પ્રતિષ્ઠીતો (?!) આબાદ છટકી જાય છે. પણ સરકારી જમીનો, સબસીડી, સહાયો સહિતના લાભો લઇને જ માત્ર. (પોઇન્ટ ટુ બી નોટેડ યોર ઓનર).
પછી ચાલુ થાય છે સરકારી, ખાનગી મીલીભગત, ભ્રષ્ટાચારની નવી સીઝન. એક પછી એક આયોજનો પછી પણ આમજનતા, મધ્યમવર્ગ ત્યાં ને ત્યાં જ રહી જાય છે (અલબત આવા કાર્યક્રમોની પાછળની યર્થાથતા ઉપર શંકા સેવતો.) રાજકોટની જ વાત કરીએ તો રાજકોટને શુ મળ્યુ ? થોડા ડામરના થથેડા, થોડા રંગરોગાન અને ઢગલાબંધ વિલંબીત વાયદાઓની વણઝાર જેનુ વજુદ હજુ પુરવાર થવાનું બાકી છે.
માનીતા ઉદ્યોગગૃહોની તૈનાતીના બંદોબસ્ત અંગે છાતી ફુલાવતા અધિકારીઓ રાજકોટના આમ ઇન્સાન કે સામાન્ય જનતાની સાચી રજુઆતો સાંભળવા સુધ્ધાની તસ્દી નથી લેતા તે કયાં કોઇ નથી જાણતુ. ભાજપના નેતાઓ માટે આ સામુહિક પબ્લીસીટીનો ઉમદા અવસર બની રહયો હોવાનું લોકમુખે ખુલ્લેઆમ ચર્ચાઇ રહયુ છે.
સૌથી વધારે અફસોસની વાત એ રહી કે આ વખતે માન.નરેન્દ્રભાઇએ થોડી જ મીનીટોના રોકાણથી પુરેપુરો સંતોષ માની લીધો!!! વધારે રોકાણ હોત અને રાજકોટની સળગતી જનસમસ્યાઓ અંગે ધ્યાન કેન્દ્રીત કર્યુ હોત તો? માન. નરેન્દ્રભાઇએ સમજવુ રહયુ કે રાજકોટ બહાર આવેલી ખાનગી પ્રીમાઇસીસનુ કેમ્પસ તે રાજકોટ નથી જ નથી. એ રાજકોટ જેને નરેન્દ્રભાઇ પોતાની કર્મભુમીના પ્રારંભબિંદુ તરીકે વાંરવાર બીરદાવે છે તે રાજકોટમાં નરેન્દ્રભાઇના આગમનથી થયેલો થોડો આભાસી, છેતરામણો સુધારો થોડા સમયમાં એટલે કે માત્ર ૪૮ કલાકની અંદર પુરેપુરો અલોપ થઇ ગયો, રાજકોટવાસીઓને શુ મળ્યુ? પારાવાર ટ્રાફીકની હેરાનગતી, તકલીફો બસ? ખુદ કલેકટર સહિતના અધિકારીઓ ટ્રાફિકજામમાં પગે ચાલીને નિકળવાની મથામણ કરતા હોય તેવા સચિત્ર સમાચારોથી રાજકોટનું મીડીયા ભરાઇ ગયુ હતુ.
ટુંકમાં ‘‘પાડાને વાંકે પખાલીને ડામ'' અને જમવામાં જગલો અને કુટવામાં ભગલો'' જેવા ઉદાહરણ વધારે મળ્યા આ સમિટમાં આ સીવાય તો માનીતા અને પેધેલા ઉદ્યોગગૃહો અને તેમની ડાયલોગબાજી, ભવિષ્યના વાયદા, ઇરાદા આ બધા સીવાય તો સમય ઉપર જ છોડી દેવાની રમત જ ગણવાની થાય તેવુ કોઇને પણ લાગે તો ખોટુ નથી.
ખેર, આ બધુ તો થશે તો!! અને થશે ત્યારે થશે!! નહી થાય તો બીજુ કંઇ નહી થાય પણ રાજકોટવાસીઓની મુશ્કેલીઓ, સમસ્યાઓ, તકલીફો, હેરાનગતી નોનસ્ટોપ થશે જ? ખાત્રી છે. કંઇ જ બદલાવાનુ નથી. ‘‘રાત ગઇ બાત ગઇ'' માનનીય નરેન્દ્રભાઇ સાંભળો છો? અમારા માટે કંઇ સારૂ છે? કે પછી વાદા તેરા વાદા....? રાજકોટ યાદ કરે છે!! તમને!! અલવિદા.(૨.૧૨)
આશિષ યોગેન્દ્ર દવે, રાજકોટ
(3:59 PM IST)










