તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
કલેકટર તંત્ર દ્વારા એક વર્ષમાં રર૧ કરોડની ૧ લાખ ૧ર હજાર ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇઃ ઝુંબેશ ચાલુ રહેશે
સરકારી જમીન પરનુ કોઇપણ પ્રકારનું દબાણ સાંખી નહિં લેવાયઃ ડો. ઓમપ્રકાશ

રાજકોટ તા. ૧પઃ રાજકોટ જીલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશે પત્રકારોને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત છેલ્લા એક વર્ષમાં કરોડોની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં તંત્રને મોટી સફળતા મળી છે.
કલેકટરશ્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં અંદાજે ૧૩ લાખ ૧ર હજાર ચો. મીટર જેટલા વિશાળ વિસ્તાર પરથી ગેરકાદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનની બજાર કિંમત આશરે રર૧ કરોડ રૂપિયા જેટલી થાય છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, સરકારી જમીન પરના દબાણોને કારણે સરકારના વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટ્સ અને જમીન ફાળવણી (Land Allotment) જેવી પ્રક્રિયાઓમાં અવરોધ ઉભો થતો હોય છે. જાહેર જનતાના હિતમાં કરવામાં આવતા કાર્યોમાં કોઇ વિક્ષેપ ન પડે તે હેતુથી દબાણ હટાવવાની આ કામગીરી તંત્ર માટે એક આવશ્યક મેન્ડેટ બની ગઇ છે.
તેમણે ઉમેર્યું હતું કે, સરકારી જમીન પર કોઇપણ પ્રકારનું દબાણ સાંખી લેવામાં આવશે નહીં. દબાણ મુકત કરવાની આ પ્રવૃત્તિ સતત ચાલતી પ્રક્રિયા છે અને આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવામાં આવશે. (૭.૧૯)
(2:40 PM IST)










