તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th January 2026
હડાળા કાગદડી વચ્ચે સંક્રાંતિની સાંજે હિટ ઍન્ડ રનઃ ૧૪ વર્ષના વિદ્યાર્થીનું મોત
દિવ્યેશ બારૈયા ચાલીને જતો હતો ત્યારે અજાણ્યો કારચાલક ઠોકરે લઇ ભાગી ગયોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૫ઃ મોરબી રોડ પર આવેલા હડાળા અને કાગદડી વચ્ચે ઉતરાયણના દિવસે હિટ ઍન્ડ રનની ઘટના બની હતી. જેમાં ઍક પરિવારના ૧૪ વર્ષના દિકરાનું મોત થતાં કલ્પાંત સર્જાયો હતો.
જાણવા મળ્યા મુજબ હડાળા ગામે રહેતો દિવ્યેશ ભરતભાઇ બારૈયા (ઉ.વ.૧૪) સંક્રાંતિની સાંજે હડાળા-કાગદડી નજીક ચાલીને જતો હતો ત્યારે કોઇ કારનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર દિવ્યેશ બે ભાઇમાં મોટો હતો અને ધોરણ-૫માં ભણતો હતો. તેના પિતા સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. દિવ્યેશ સાંજે ઘરેથી આટો મારવા નીકળ્યો અને ચાલીને જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
અકસ્માતમાં ઘવાયેલા ચુનારાવાડના વૃધ્ધનું મોત
બીજા બનાવમાં ભાવનગર રોડ પર ચુનારાવાડ-૭માં રહેતાં પ્રવિણભાઇ મનજીભાઇ મકવાણા (ઉ.વ.૬૫) તા. ૧૦/૧ના રોજ સવારે સાડા ચારેક વાગ્યે ઘર પાસે જતાં હતાં ત્યારે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર હેઠળ હતાં. તેમનું સંક્રાંતિના દિવસે સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
શિવપરામાં પડી જતાં બેઠકમાં ઇજા થવાથી વૃધ્ધનું મોત
રૈયા રોડ શીવપરા-૫માં રહેતાં મનજીભાઇ છનાભાઇ ભટ્ટી (ઉ.વ.૮૦) ગત ૪/૧ના રોજ ઘરે પડી જતાં બેઠકના ભાગે ઇજા થઇ હતી. બાદમાં તેમાં ગેîગરીંગ જેવું થઇ જતાં બિમાર થઇ ગયા હતાં. સંક્રાંતિની સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામના હેડકોન્સ. મિહીરસિંહ બારડે જરૂરી કાર્યવાહી કરી હતી.
સોલવન્ટના સતિષભાઇનું બેભાન હાલતમાં મોત
કોઠારીયા સોલવન્ટ હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં સતિષભાઇ લક્ષ્મીદાસ મેસવાણીયા (ઉ.વ.૪૧) નામના યુવાન સંક્રાંતિની બપોરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. બિમારીથી મૃત્યુ થયાનું ખુલ્યું હતું. (૧૪.૧૦)
(2:19 PM IST)










