તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th January 2026
શાંતિગ્રામ ગુરૂકુલમાં શાકોત્સવઃ CBSE શાળા અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે અકાદમી પ્રારંભ
રાજકોટ ગુરૂકુળની શાખામાં કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સેવાયજ્ઞ

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલ સંલગ્ન શાંતિગ્રામ ગુરૂકુલ (અમદાવાદ) ખાતે ગયા શનિવારે શાકોત્સવ અને સ્કુલ તથા એકેડેમી શુભારંભ કાર્યક્રમ યોજાયેલ જેમાં શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી અને દાતાઓ, હરિભકતો ઉપસ્થિત રહયા હતા
રાજકોટ, તા. ૧૩: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ અમદાવાદને આંગણે ભવ્ય શાકોત્સવનું આયોજન સંપન્ન થયું. સંસ્થાના સંચાલક પુરાણી શ્રી કળષ્ણપ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ લીલાની મધુર કથાનું રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે આનંદનિકેતન સ્કૂલના વિઝનરી ફાઉન્ડર શ્રી કમલ મંગલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીએ અહીં શરૂ થનાર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ CBSE ધો. ૧ થી ૮ માટે વિનામૂલ્યે સેવા આપવાની ઘોષણા કરી હતી.
સ્કૂલના ડાયરેક્ટર શ્રી અંકિતભાઈ માહેશ્વરીએ પણ સ્કૂલના મહત્વના મુદ્દાઓ ઓછામાં ઓછી ફીમાં શ્રેષ્ઠ સુવિધાઓ, સંસ્કાર સાથેનું શિક્ષણ, ૧૦ એકરમાં તમામ પ્રકારના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડો સાથેનું નૈસર્ગિક કેમ્પસ વગેરે રજૂ કરી સંસ્થાના હેતુને પ્રદર્શિત કર્યો હતો. ઉપરાંત સંસ્થાના નૂતન સોપાન તરીકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એકેડેમી દ્વારા માર્ચ ૨૦૨૬ થી શરૂ થનાર UPSC GPSCના કોચિંગની રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના શૈક્ષણિક સેવાકાર્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રી રમેશભાઈ મેશિયા, શ્રી બાબુભાઈ શેલડિયા, શ્રી કાંતિભાઈ ગઢિયા, શ્રી હસમુખભાઈ ગઢિયા, શ્રી પ્રવિણભાઈ દેસાઈ, શ્રી ભદ્રેશભાઈ લાખાણી વગેરે મોટી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા. ૧૪૦૦ ભક્તોએ શાકોત્સવ પ્રસાદ અને કથાવાર્તાનો લાભ લીધો હતો.
(3:09 PM IST)










