તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
પાડાને વાંકે પખાલીને ડામઃ ૭૫ કરોડના ખર્ચે તૈયાર થતા સાંઢિયા પૂલની કામગીરીમાં વિલંબ
રેલવે ટ્રેક ઉપર સ્ટીલ ગડર લોંચ કરવાની મંજૂરી નહીં મળતા કામ ખોરવાયું: બજરંગવાડી, વાંકાનેર સોસાયટી સહીતના લાખો લોકો ત્રાહિમામઃકોંગ્રેસ

શહેરના જામનગર રોડ પર થયેલ રેલ નવનિર્મિ ત સાઢિંયા પુલની કામગીરીની તસ્વીર (તસ્વીર અભીજીત બગથરીયા)
રાજકોટઃ શહેર જામનગર રોડ ઉપર આવેલ વર્ષો જૂનો સાંઢિયા પુલ ૭૫ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્માણ પામી રહ્યો છે પરંતુ રેલવે ટ્રેક ઉપર જે સ્ટીલ ગડર લોન્ચ કરવાના છે તેની મંજૂરી નહિ મળતા કામમાં વિલંબ થઇ રહ્યો છે તંત્ર દ્વારા વહીવટી પ્રક્રિયા પહેલા પૂર્ણ કરવાની હોય છે પરંતુ તે સમયસર પૂર્ણ નહીં થતા જામનગર રોડને જોડતા વિસ્તારો જેવા કે બજરંગવાડી, વોરા સોસાયટી, વાંકાનેર સોસાયટી, રેલનગર, લોકો કોલોની સહિતના વિસ્તારોમાં રહેતા લાખો લોકો હેરાન પરેશાન થઇ રહ્યા હોય ત્વરિત કામગીરી પૂર્ણ કરવા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડલીયા અને અશોકસિંહ વાદ્યેલાએ તંત્રને રજુઆત કરી છે.
રાજકોટ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડલીયા અને કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાદ્યેલાએ મહાનગરપાલિકામાં બિરાજમાન ભાજપ પક્ષના સતાધીસો અને અધિકારીઓના કાન આંબળી કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકા ના વોર્ડ નં.૨ અને ૩ની સરહદને વિભાજિત કરતા જામનગર રોડ ઉપર ૭૫ કરોડના ખર્ચે નિર્માણાધીન સાંઢિયા પુલનો પ્રોજેક્ટ નિયત સમય મર્યાદામાં એટલે કે માર્ચ-૨૦૨૬માં પૂરો થાય તેમ નથી કારણકે તંત્રના પાપે એક પછી એક વિક્ષેપ આવતા હોવાથી આ કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે સાંઢિયા પુલના કામે સેન્ટ્રલ પોર્શનમાં એટલે કે રેલવે ટ્રેકની બરોબર ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા રાજકોટ મહાનગરપાલિકાએ અગાઉ રેલવે તંત્ર પાસે મંજૂરી માગી હતી જે ન મળતા ડિસેમ્બરમાં પુલનું લોકાર્પણ કરવાનું સત્તાધીશોનું સપનું રોળાયું છે જો કે આ પ્રકારની વહીવટી મંજૂરી સમય મર્યાદામાં તંત્રના સત્તાધીશોએ અથવા અધિકારીઓએ લઇ લેવી જોઈએ જેથી પુલની કામગીરી અટકે નહિ પરંતુ આળસુ તંત્રને લીધે રેલવે તંત્ર પાસેથી એક મંજૂરી નહિ મળતા હાલ આ પુલની કામગીરી ખોરંભે ચડી ગઈ છે સાંઢિયા પુલનું કામ માર્ચ-૨૦૨૬ સુધીમાં પૂરું કરવાની મુદત છે ત્યારે હવે કામ અટકી ગયું છે અને જયાં સુધી રેલવે તંત્રની મંજૂરી ન મળે ત્યાં સુધી આ કામ આગળ ધપી શકે તેમ નથી. આ કામ એ પુલ પ્રોજેક્ટના મહત્ત્વના હિસ્સાનું કામ છે જે અટકી ગયું હોવાથી હવે આ પુલ માર્ચ મહિનામાં પૂર્ણ નહિ જ થાય.
વધુમાં જણાવ્યું હતું કે જામનગર રોડ ઉપર નિર્માણ પામતા સાંઢિયા પુલ સાથે અનેક સોસાયટી, વિસ્તારોમાં વસવાટ કરતા લાખો લોકોને અસર કરતા છે સાંઢિયા પુલને જોડતા વિસ્તારોની વાત કરીએ તો બજરંગવાડી, પુનિતનગર, વોરા સોસાયટી, મોચીનગર, વાંકાનેર સોસાયટી, લોકો લોકોની તેમજ મુખ્ય એવા રેલનગર વિસ્તારના લાખો લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે ભોમેશ્વરમાંથી નીકળે તો ટ્રાફિકજામમાં ફસાઈ જાય છે અને પોપટપરામાંથી નીકળે તો ત્યાં પણ આ જ ટ્રાફિકજામનો સામનો કરવો પડે છે હાલ આ પુલની કામગીરી ચાલતી હોવાથી તમામ વાહનો ભોમેશ્વરમાંથી પસાર થાય છે તેમાં પણ જો ભોમેશ્વરનું રેલવે ફાટક બંધ થાય ત્યારે તો વાહનોના થપ્પાં લાગી જાય છે વાહનોના હોર્ન અને પ્રદુષણથી ભોમેશ્વર વિસ્તારમાં રહેતા લોકો પણ પરેશાન થઇ ગયા છે ત્યારે અટકેલી વહીવટી પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરી લોકોને થતી હેરાનગતિ દૂર કરવામાં આવે તેવી માંગ કલ્પેશ કુંડલીયા અને અશોકસિંહ વાદ્યેલા દ્વારા ઉચ્ચારવામા આવી છે
(3:23 PM IST)










