તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th January 2026
પેડક રોડની ગુજરાત સોસાયટીના વૃધ્ધનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
૬૫ વર્ષના અરવિંદભાઇ રૈયાણી બિમારીથી કંટાળી ગયા હતાં

રાજકોટ તા.૧૨: કુવાડવા રોડ પર માલીયાસણ બ્રીજ નીચે ટ્રેન હેઠળ પડતું મુકી સામા કાંઠે રહેતાં વૃધ્ધે આપઘાત કરી લીધો છે. ગઇકાલે અજાણ્યા વૃધ્ધના મૃત્યુ અંગે બી-ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે તેમની ઓળખ થઇ હતી. બિમારીથી કંટાળીને પગલુ ભરી લીધાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ માલીયાસણ બ્રીજ નીચે એક વૃધ્ધ ટ્રેનની ઠોકરે આવી જતાં મોત થતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન આજે આ વૃધ્ધની ઓળખ થઇ હતી. આ વૃધ્ધ પેડક રોડ ગુજરાત સોસાયટી-૩માં રહેતાં અરવિંદભાઇ રવજીભાઇ રૈયાણી (ઉ.વ.૬૫) હોવાનું ખુલ્યું હતું. આ વૃધ્ધ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. અગાઉ ચાંદી કામ કરતાં હતાં અને હાલ નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં બે દિકરા છે. બ્લડપ્રેશર, ડાયાબીટીસ સહિતની બિમારી લાગુ પડી હોઇ રવિવારે સવારે ઘરેથી નીકળી જતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. દરમિયાન પરિવારજનોને આજે તેઓ મૃતદેહ સ્વરૂપે મળ્યા હતાં. બિમારીથી કંટાળી આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.
(3:43 PM IST)










