તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
પોતાના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહેલી અભિનેત્રી સારિકા ઠાકુર
સારિકા એક અભિનેત્રીની સાથે કોસ્ચ્યુમ ડિઝાઇનર પણ છે : કમલ હસન સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા અને પુત્રી શ્રુતિના જન્મ પછી સાથે લગ્ન કર્યા : પિતાએ પરિવાર છોડી દીધો હતો પરિવારનું ગુજરાન ચલાવવા ૫ વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી : ફિલ્મ ‘‘ગીત ગાતા ચાલ'' થી મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરી : માતાના ત્રાસથી ૨૧ વર્ષે ઘરેથી ભાગી ગયા : આજે સારિકા ઠાકુર મુંબઈમાં એકલા રહી જીવન વિતાવી રહ્યા છે : પતિના વિશ્વાસઘાતથી કંટાળીને સારિકાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને છત પરથી કૂદી પડ્યા. તે ગંભીર રીતે ઘાયલ થયા અને ઘણા દિવસો હોસ્પિટલમાં રહ્યા

બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સારિકા ઠાકુરે બાળ કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તે એક અભિનેત્રી અને કોસ્ચ્યુમ ડિઝાઇનર બંને છે. તે તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ સમાચારમાં રહ્યા છે. તે કમલ હસન સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી અને તેમની પુત્રી શ્રુતિના જન્મ પછી કમલ હસન સાથે લગ્ન કર્યા. ત્યારબાદ તેણીએ તેની કારકિર્દીની ટોચ પર ગ્લેમરની દુનિયા છોડી દીધી. તેનું બાળપણ પણ મુશ્કેલીઓથી ભરેલું હતું. બોલિવૂડ અભિનેતા સચિનની અભિનેત્રી સારિકા ઠાકુરે ભલે ઓછી ફિલ્મો કરી હોય પરંતુ તે પોતાના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહી. તાજેતરમાં ૫ ડિસેમ્બરે તેણીએ ૬૫ મો જન્મદિવસ ઉજવ્યો. આજે વિતેલા જમાનાની અભિનેત્રી સારિકા વિશે વાત કરવી છે.
સારિકા ઠાકુરનો જન્મ ૫ ડિસેમ્બર ૧૯૬૦ ના રોજ નવી દિલ્હીમાં મરાઠી અને રાજપૂત વંશના પરિવારમાં થયો હતો. તેણી ખૂબ નાની હતી ત્યારે તેના પિતાએ પરિવાર છોડી દીધો હતો. ત્યારથી તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે કમાનાર બની ગઈ. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેણીને કામ કરવું પડતું હોવાથી તે શાળાએ જઈ શકી નહતી. સારિકાએ ૫ વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્મોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૬૦ના દાયકા દરમિયાન હિન્દી ભાષાની ફિલ્મોમાં એક છોકરાના અભિનયમાં માસ્ટર સૂરજની ભૂમિકા ભજવી હતી. બાળ કલાકાર તરીકેની તેમની સૌથી પ્રખ્યાત ફિલ્મ ‘‘હમરાઝ'' (૧૯૬૭) હતી જ્યાં તે વિમીની પુત્રી તરીકે જોવા મળી હતી જેનું નામ બેબી સારિકા હતું. તેણીએ અનેક બાળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. બાદમાં સારિકાએ રાજશ્રી પ્રોડક્શન્સ માટે સચિન પિલગાંવકર સાથે ફિલ્મ ‘‘ગીત ગાતા ચાલ''માં અભિનય કર્યો હતો. જેમાં તેણીએ મુખ્ય અભિનેત્રી તરીકે શરૂઆત કરી હતી. એ પછી સારિકાએ સચિન સાથે ઘણી હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારિકા ઠાકુર તેના ઘરેથી ભાગી ગઈ હતી કારણ કે તેની માતા તેને માર મારતી હતી અને નાની ભૂલ માટે પણ દુર્વ્યવહાર કરતી હતી. તેની માતાએ તેના જીવનના મોટાભાગના નિર્ણયો લીધા હતા. તેથી ૨૧ વર્ષની ઉંમરે સારિકાએ નક્કી કર્યું કે તે જીવનમાં વધુ હાંસલ કરી શકે છે અને માટે ઘર છોડી ભાગી ગઈ. મુંબઇ ગયા બાદ તેણીએ ફિલ્મોમાં કામ કરવું શરૂ કર્યું. આ પછી સારિકાએ ‘રઝિયા સુલતાન', ‘બડે દિલ વાલે', ‘કૈસે કૈસે લોગ', ‘નાસ્તિક', ‘મેં કાતિલ હૂં' અને ‘ઉંચાઈ' જેવી ઘણી ફિલ્મો કરી અને પોતાના સમયની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ. સારિકા ખૂબ પૈસા કમાતી હતી અને તેની માતા બધો હિસાબ સંભાળતી હતી. આ સમય દરમિયાન સારિકાને ખબર પડી કે તેની માતાએ ફિલ્માંકનના પૈસાનો ઉપયોગ કરીને તેની જાણ વગર પાંચ ફ્લેટ ખરીદ્યા હતા અને તેમાંથી એક પણ સારિકાના નામે નહોતો. તેની માતા દ્વારા દગો આપવામાં આવ્યા બાદ અભિનેત્રી ઘર છોડીને ચાલી ગઈ.
આ સમય દરમિયાન સારિકા કમલ હાસનને મળી જે પહેલાથી જ પરિણીત હતા. તેઓ વાતચીત કરવા લાગ્યા પછી મળવા લાગ્યા અને આગળ જતા તેઓ પ્રેમમાં પડ્યા. આ સમય દરમિયાન કમલ તેની પત્ની વાણી સાથે છૂટાછેડા લેવાની પ્રક્રિયામાં હતા અને સારિકા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. લગ્ન પહેલા જ સારિકા બે પુત્રીઓ શ્રુતિ અને અક્ષરાની માતા બની ચૂકી હતી અને પછી ૧૯૮૮ માં સુપરસ્ટાર કમલ હાસન સાથે લગ્ન કર્યા. કારકિર્દીની ટોચ પર તેણી કમલ હસન સાથે ચેન્નાઈ ગઈ અને ત્યાં સ્થાયી થઈ.
કમલ હસન સાથે લગ્ન કર્યા પછી સારિકાએ ફિલ્મોથી અંતર બનાવી લીધુ. જોકે તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શકયા નહીં. કમલ હસનનો તેની સહ-અભિનેત્રી ગૌતમી સાથે લગ્નેત્તર સંબંધ હતો. ત્યારબાદ તે ગૌતમી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા ગયો. પતિના વિશ્વાસઘાતથી કંટાળીને સારિકાએ તેના મકાન પરથી કૂદી પડી. તે ગંભીર રીતે ઘાયલ થઈ અને ઘણા દિવસો હોસ્પિટલમાં રહી. હોસ્પિટલમાંથી પાછા ફર્યા પછી તેણીએ કમલ હાસન સાથે ન રહેવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ ૧૭ વર્ષ સાથે રહ્યા બાદ સારિકા અને કમલ હાસનના ૨૦૦૪ માં છૂટાછેડા થઈ ગયા.
કમલ હસન સાથે છૂટાછેડા પછી સારિકાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક મુલાકાતમાં, સારિકાએ કહેલું કે, ‘‘મારા છૂટાછેડા પછી મારી પાસે ફક્ત સાઠ રૂપિયા હતા. હું મિત્રોના ઘરે નહાવા અને ખાવા જતી અને મારી કારમાં રાત વિતાવતી.'' જ્યારે સારિકાએ તેના પતિને છૂટાછેડા આપ્યા, ત્યારે તેની પુત્રીઓએ પણ તેને ટેકો આપ્યો નહીં. બંને પુત્રીઓએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ તેમના પિતા સાથે રહેવા માંગે છે. પતિ દ્વારા દગો અને પુત્રીઓ દ્વારા ટેકો ન મળતાં સારિકા મુંબઈ રહેવા ચાલ્યા ગયા. ત્યારબાદ તેણીએ તેની માતાએ પોતાના પૈસાથી ખરીદેલા પાંચ ફ્લેટ વિશે વિચાર્યું કે તેણે એ ફ્લેટ પોતાના નામે ટ્રાન્સફર કરી દેવા જોઈએ. અહીં પણ તેનું નસીબ પલટાયું. હકીકતમાં તેની માતાએ ફ્લેટ તેના નોકરને નામે કરી દીધા હતા. સારિકાએ પોતાની મિલકત પાછી મેળવવા માટે કોર્ટ કેસ પણ લડ્યો, પરંતુ તે હારી ગયા અને મિલકત તેની માતાના નોકરને તે વારસામાં મળ્યા.
એક શ્રેષ્ઠ અભિનેત્રી સાથે તેણી એક સારી કોસ્ચ્યુમ ડિઝાઇનર પણ છે. કમલ હાસનની ફિલ્મ ‘‘હે રામ'' માટે સારિકાએ કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ૨૦૦૫ માં તેમને ‘‘પરઝાનિયા'' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. ફિલ્મ શારદા (૧૯૮૨) માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનું નામાંકન, ક્લબ ૬૦ માટે સામાજિક ભૂમિકામાં સૌથી મનોરંજક અભિનેતા -સ્ત્રી તરીકેનો બિગ સ્ટાર એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ્સ વર્ષ ૨૦૧૩માં જીત્યો જ્યારે મોર્ડન લવ મુંબઇ માટે વર્ષ ૨૦૨૩ માં ભારતીય ટેલિવિઝન એકેડેમી એવોર્ડ્સ માટે નામાંકિત થયા હતા. ૨૦૨૨ માં તેણીએ બીજો બ્રેક લીધો હતો. તે ગયા વર્ષે ‘ઉંચાઈ'માં જોવા મળ્યા હતા. ઉપરાંત ‘બાર બાર દેખો,' ‘પુરાણી જીન્સ,' ‘જબ તક હૈ જાન,' અને ‘હરિ પુત્તર' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. આજે સારિકા ઠાકુર મુંબઈમાં એકલા રહી જીવન વિતાવી રહ્યા છે.
સારિકાની માનસિક અને નાણાકીય મુશ્કેલીઓ હોવા છતાં કોઇ જ મદદ લીધી ન હતી!
એક માધ્યમને ઇન્ટરવ્યુમાં તેમના અંગત જીવન વિશે ખુલાસો કરતા કમલ હસને જણાવેલ કે, જ્યારે તેમને ખબર પડી કે સારિકા પોતાનું ઘર છોડીને ચાલી ગઈ છે અને આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહી છે ત્યારે તેમને આઘાત લાગ્યો હતો. તેમની અને સારિકાની પહેલી મુલાકાત ૧૯૮૪માં ફિલ્મ ‘રાજ તિલક'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. તેઓ પહેલા મિત્ર બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં પરિણમી. ત્યારબાદ તેઓએ ૧૯૮૮માં લગ્ન કર્યા હતા. કમલ હાસને કહેલું, ‘મને ખબર નહોતી કે સારિકા પોતાનું ઘર છોડીને એકલી માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. જ્યારે હું તેને મળ્યો ત્યારે તે સ્ટાર હતી પરંતુ તેમ છતાં બહુ ઓછા લોકો જાણતા હતા કે તે કયાં રહે છે. જેમ જેમ સારિકાની મિત્રતા ગાઢ થતી ગઈ તેમ તેમ મને તેનો સાચો સ્વભાવ ખબર પડી અને મને આઘાત લાગ્યો. મને તે ખૂબ ગમતી હતી પણ મને તેના પ્રત્યે સહાનુભૂતિ પણ હતી. કમલ અને સારિકાના ૨૦૦૪ માં છૂટાછેડા થયા. તેમને બે પુત્રીઓ છે શ્રુતિ અને અક્ષરા હાસન. છૂટાછેડા પછી સારિકાએ ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો. થોડા સમય પહેલા સારિકા અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘ઊંચાઈ' માં પણ જોવા મળી હતી.
૮૦ ના દાયકાની સુંદર અભિનેત્રી જેના પર કપિલ દેવ દિવાના હતા..!
ભારતીય ક્રિકેટરોનો ફિલ્મ જગત સાથે ઘણો જૂનો સંબંધ છે. ઘણા ખેલાડીઓ અભિનેત્રીઓ સાથે જોડાયેલા છે અને કેટલાક તો ઘર પણ વસાવી ચૂકયા છે. અહેવાલો અનુસાર, કપિલ દેવ ૧૯૮૦ ના દાયકામાં રોમી દેવ સાથેના સંબંધમાં હતા. જોકે કેટલાક મુદ્દાઓને કારણે તેઓ અલગ થઈ ગયા. પછી તેઓ મનોજ કુમારની પત્ની દ્વારા અભિનેત્રી સારિકાને મળ્યા હતા. તે સમયે બંને સિંગલ હતા અને પછી નજીક આવ્યા. સારિકા અને કપિલ દેવ એકબીજાને પસંદ કરતા હતા. જોકે થોડા સમય પછી કપિલ દેવે આ સંબંધ તોડી નાખવાનો અને તેની તત્કાલીન ગર્લફ્રેન્ડ અને હાલ પત્ની રોમી ભાટિયા સાથે રહેવાનું નક્કી કર્યું. કપિલ દેવ અને સારિકા વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું હતું. પછી અચાનક કપિલ દેવે સંબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો. તેમના બ્રેકઅપના અહેવાલો આવ્યા હતા પરંતુ બંનેમાંથી કોઈએ કારણ જાહેર કર્યું નહીં. ત્યારબાદ કપિલ દેવે તેમની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રોમી ભાટિયા સાથે ફરી મળવાનું નક્કી કર્યું. આ દરમિયાન સારિકાએ કમલ હાસન સાથે લગ્ન કર્યા અને બે પુત્રીઓ શ્રુતિ હસન અને અક્ષરા હસન ની માતા બની હતી. (૪૦.૩)
પ્રશાંત બક્ષી
મો. ૭૯૯૦૫ ૫૮૪૬૯

(3:30 PM IST)










