તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
તને દેખાતું નથી?... માધાપર ચોકડીએ સ્કૂલ બસમાં ચડી ચાલકની ધોલધપાટ
છાત્રોને ઉતારવા જતી વખતે અચાનક સ્કૂટર આડે નાંખી ઝઘડો કર્યો મારી નાખવાની ધમકી પણ દીધીઃ રેલનગરના દેવાંગ ધામનકરની ફરિયાદ પરથી મોહિતરાજસિંહ સોલંકી વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૦: રેલનગરમાં રહેતાં યુવાન સ્કૂલ બસમાં છાત્રોને ઘરે ઉતારવા જઇ રહ્યા હતાં ત્યારે માધાપર ચોકડી વિનાયક વાટીકા નજીક એક શખ્સ અચાનક ટુવ્હીલર સાથે શેરી વચ્ચે આવી જતાં ચાલકે બસને બ્રેક મારી દેતાં બાઇકચાલકની પાછળ બેઠેલા શખ્સે ગાળો દઇ લાફા મારી તેમજ ઢીકો મારી મુંઢ ઇજા કરતાં અને ખૂનની ધમકી પણ આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રેલનગર સંતોષીનગર પાસે ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપ એ-૭૨માં રહેતાં દેવાંગભાઈ યશવંતભાઈ ધામનકર(ઉ.વ.૩૧)ની ફરિયાદ પરથી મોહીતરાજસિંહ હઠીસિંહ સોલંકી સામે ગુનો નોંધ્યો છે. દેવાંગભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું વેસ્ટ વૂડ નામની શાળાની બસ ચલાવી ગુજરાન ચલાવુ છું. તા.૦૭/૦૧ના રોજ બપોરે બે વાગ્યા આસપાસ હું અમારી શાળાની બસ લઈ શાળાના વિદ્યાર્થીઓને વિનાયક વાટીકા વિસ્તારમાં આવેલ તેમના ઘરે મુકવા જતો હતો તે દરમ્યાન વિનાયક વાટીકામાં શેરી નં.૩ પાસે મારી બસની સ્પીડ ૧૨-૧૫ પ્રતિ કી.મી./કલાકની હતી તે દરમ્યાન શેરીની ચોકડી પાસે બે વ્યક્તિઓ સ્કૂટર લઇ ઉભા હતાં. જેવી મારી બસ તેમની પાસેથી પસાર થવા જતી હતી કે તરત સ્કૂટર ચાલકે સ્કૂટર શેરી વચ્ચે લીધુ હતું.
જેથી મે બસને એકદમ બ્રેક મારી ઉભી રાખી દીધેલ જેથી અકસ્માત થયો નહોતો. આમ છતાં સ્કૂટરની પાછળ કાળા કલરનુ જેકેટ પહેરી બેસેલ વ્યક્તિએ મને ગાળ આપી હતી બસમાં ચડી વધુ ગાળો દઇ તને દેખાતું નથી? તેમ કહી ઝઘડો કર્યો હતો. મેં એ શખ્સને બસમાં નાના છોકરાઓ છે, તમે ઝઘડો ન કરો, ચાલો હું નીચે ઉતરીને વાત કરું છું તેમ કહેતાં અને હું નીચે ઉતરતા જ આ શખ્સ મારામારી ચાલુ કરી મને છ-સાત લાફા મારી દીધા હતાં અને ઢીકા પણ મારી હવે જો આરી રીતે બસ ચલાવીશ તો જાનથી મારી નાંખીશ, તું મારો ચહેરો યાદ રાખજે તેમ કહી તે જતો રહ્યો હતો. બાદમાં હું છાત્રોને ઉતારી અમારી શાળા ખાતે ગયો હતો અને ટ્રાન્સપોર્ટ મેનેજરને ઘટનાની જાણ કરી હતી.
આ વખતે મેનેજર જયેશભાઇએ મને કહ્યું હતું કે-શાળા ખાતે કોઇ મોહિતરાજસિંહ સોલંકીએ ફોન કરીને તમારી ફરિયાદ કરી છે કે તમે બસ બરાબર ચલાવતાં નથી અને મોહિતરાજસિંહ સાથે ઝઘડો કર્યો છે. આથી મેં મેનેજરને સાચી વાત કરી હતી અને મારી સાથે કારણવગર મારામારી કરી ધમકી અપાયાનું કહેતાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં દેવાંગભાઇએ કહેતાં પીએસઆઇ બી. એસ. ચોૈહાણે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:47 PM IST)










