તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
તને પતાવી દેવાની પ્રકાશે સોપારી દીધી છે...કહી ગીરધર સોલંકી પર ગોૈરવ ઉર્ફે ગવાનો છરીથી હુમલોઃ ખૂનની ધમકી
આજી વસાહત આંબેડકરનગરનો યુવાન મિત્ર ધવલની ફરિયાદમાં સાક્ષી બનતાં ડખ્ખો :યુવાન પોલીસ સ્ટેશને જતાં સોપારી આપનાર પ્રકાશે ત્યાં જઇને પણ ધમકાવ્યોઃ ગીરધર સિવિલ હોસ્પિટલે જતાં ત્યાં પણ પ્રકાશ, તેની પત્નિ, તેના ભાઇની પત્નિ, હિતેષ ઉર્ફ ટકાએ મારામારી કરીઃ ઘટનાનું શુટીંગ કરી રહેલા ગીરધરના ભાઇનો મોબાઇલ ભીંતમાં પછાડી તોડી નાંખ્યોઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૮: આજી વસાહતમાં રહેતો યુવાન મિત્રએ નોંધાવેલી ફરિયાદમાં સાક્ષી રહ્યો હોઇ ખાર રાખી તેના પર હુમલો કરવાની સોપારી અપાતાં એક શખ્સે આ યુવાનને આંતરી માર મારી ધમકી અપાવી હતી. આ પછી યુવાન પોલીસ સ્ટેશનમાં જતાં ત્યાં પણ સોપારી આપનારે પાછળ જઇ ધમકાવ્યો હતો. એ પછી યુવાન સારવાર માટે સિવિલ હોસ્પિટલે જતાં ત્યાં પણ ચાર જણાએ પાછળ જઇ બઘડાટી બોલાવી હતી અને છરી કાઢી હતી. તેમજ આ ઘટનાનું વિડીયો શુટીંગ કરી રહેલા યુવાનના ભાઇનો ફોન ઝુંટવી ભીંતમાં પછાડી તોડી નાંખ્યો હતો.
આ બનાવમાં થોરાળા પોલીસે આજી વસાહત આંબેડકરનગર-૧૦, એંસી ફુટ રોડ પર રહેતાં અને છુટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં ગીરધરભાઇ પુંજાભાઇ સોલંકી (ઉ.વ.૩૭) નામના યુવાનની ફરિયાદ પરથી ગોૈરવ ઉર્ફ ગયો શક્તિભાઇ રાઠોડ, પ્રકાશ, તેની પત્નિ, પ્રકાશના ભાઇ દિપકની પત્િ ન અને હિતેષ ઉર્ફ ટકો વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ગીરધરભાઇ સોલંકીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. ૨૪/૧૧ના હું રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં તે આજી વસાહત પાસે કમાણી ફાઉન્ડ્રી શીવ શક્તિ કિચન વેર પાસ મારુ મોટરસાયકલ ઉભુ રાખી ઘોડી ચડાવી તેના પર બેસી ફોન પર વાત કરી રહ્યો હતો તે સમયે ગૌરવ ઉર્ફે ગવો શક્તિભાઈ રાઠોડ નામના શખ્સે અચાનક આવી છરી વડે હુમલો કર્યો હતો. હું ખસી જતાં બચાવ થયો હતો, પરંતુ બીજી વારના હુમલામાંજમણા હાથના પંજામાં ઇજા થઈ હતી. આથી મેં ગોૈરવને તું શું કામ મારા પર હુમલો કરે છે? તેમ પુછતાં તેણે કહ્યું હતું કે-તને મારી નાખવાની મને પ્રકાશે સોપારી આપી છે. આથી મેં તેને પ્રકાશ વિશે પુછતાં તેણે પ્રકાશ બાજુની શેરીમાં ઉભો છે તેમ કહ્યું હતું. આથી હું ગોૈરવને લઇ બાજુની શેરીમાં જતાં ત્યાં પ્રકાશ હાજર હતો. બાદમાં આ બંનેએ ભેગા મળી આજે તો તને જાનથી મારી જ નાખવો છે કહી ધમકી આપી હતી. તેમજ મારી સાથે ઝપાઝપી અને ગાળાગાળી કરતાં મેં બુમો પાડતાં લોકો ભેગા થઇ ગયા હતાં. આ વખતે પ્રકાશે છરી કાઢી હોઇ તે નેફામાં મુકી દીધી હતી.
હું મારી દિકરીને ટયુશનમાં લેવા જવા નીકળી ગયો હતો. એ પછી દિકરીને તેડી પોણા નવેક વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે શેરીમાં રેહતાં ધવલનો ફોન આવ્યો હતો અને કહેલુ કે પ્રકાશ મારી પાછળ છરી લઇ હુમલો કરવા દોડયો છે. આથી હું ધવલને મળવા રેન બસેરા પાસે ગયો હતો. જ્યાં ધવલ નહોતો. પણ પ્રકાશ અને બીજા ત્રણ શખ્સો ઉભા હતાં. થોડીવારમાં પ્રકાશની પત્િ ન, તેના ભાઇ દિપકની પત્નિ અને હિતેષ ઉર્ફ ટકો આવી ગયા હતાં. આ પછી પ્રકાશ, તેની પત્નિ, હિતેષ ઉર્ફ ટકો અને દિપકની પત્નિએ મને બેફામ ઢીકાપાટુ માર્યા હતાં અને પ્રકાશે છરીની મુઠથી ડાબી આંખ ઉપર ઘા મારતાં અને ટકાએ ફડાકા મારતાં ઇજા થઇ હતી.
હું ભાગીને થોરાળા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ત્યાં પણ પ્રકાશે આવીને ધમકી આપી હતી. જેથી મેં ૧૦૮ બોલાવી હતી અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. આ વખતે ધવલ ઉર્ફ ધર્મેશ મારી સાથે હતો. રાતે બે વાગ્યે પ્રકાશ, તેની પત્નિ અને હિતેષ ઉર્ફ ટકો તથા બે અજાણ્યા શખ્સો હોસ્પિટલે પણ પાછળ આવ્યા હતાં અને અહિ પણ ગાળાગાળી કરી પ્રકાશે ફડાકા મારી દીધા હતાં. આ વખતે મારા ભાઇ રમેશભાઇ સોલંકી હાજર હોઇ તે ફોનમાં વિડીયો ઉતારતાં હોઇ પ્રકાશની પત્નિએ મારા ભાઇનો મોબાઇલ ફોન ઝુંટવી લીધો હતો અને દિવાલમાં ઘા કરી તોડી નાંખ્યો હતો. તેમજ મારી સાથે ઝપાઝપી કરી જેકેટ ફાડી નાંખ્યું હતું. આ વખતે પણ પ્રકાશે છરી કાઢી હુમલો કરતાં મારા માસાના દિકરા પ્રવિણભાઇ મકવાણાએ પકડી લેતાં તેને હાથમાં ઇજા થઇ હતી. ધવલે ૧૧૨માં ફોન કરતાં પોલીસ હોસ્પિટલ ખાતે આવી હતી અને ધર્મેશ ઉર્ફ ધવલહમીરભાઇ મકવાણાએ ત્યારે પ્ર.નગરમાં ફરિયાદ કરી હતી.
આ માથાકુટનું કારણ એ છે કે મારા મિત્ર ધવલ ઉર્ફ ધર્મેશે ૨૪મીએ જ થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હોઇ તેમાં હું સાક્ષી તરીકે હતો. આ બાબતનો ખાર રાખી મારા પર હુમલો કરવાની પ્રકાશે સોપારી આપતાં ગોૈરવ ઉર્ફે ગવાએ મને આંતરી ઝઘડો કર્યો હતો. એ પછી હોસ્પિટલમાં પ્રકાશ સહિતનાએ આવી મારામારી કરી છરીથી હુમલો કર્યો હતો. તેમ વધુમાં ગીરધરભાઇએ કહેતાં થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(4:13 PM IST)










