<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

યુવતિના નામે ઇન્‍સ્‍ટાગ્રામ આઇડીથી વાત કરી ન્‍યારાના સગીરને રાજકોટ બોલાવી મારકુટઃ ફોન પડાવી લીધો!

રેલનગર પાસે સગીર પહોંચ્‍યો ત્‍યારે યુવતિને બદલે અજાણ્‍યા શખ્‍સો મળ્‍યાઃ દસ હજાર માંગ્‍યા, ન દેતાં બાઇકમાં બેસાડી મૈસુર ભગત ચોક પાસે લઇ જઇ મારકુટ કરાઇઃ છએક કલાક હેરાન કરી પછી છોડી મુકતાં સારવાર હેઠળ અજાણ્‍યા શખ્‍સોએ માદક પદાર્થ જેવું કંઇક પીવડાવી ડીસ્‍કો પણ કરાવડાવ્‍યાનો આક્ષેપ

રાજકોટ તા. ૮: યુવતિના નામે ખોટુ ઇન્‍સ્‍ટાગ્રામ આઇડી બનાવી તેના પરથી પડધરીના ન્‍યારા ગામના ૧૭ વર્ષના સગીરને મેસેજ કરી, વાતો કરી બાદમાં માધાપર ચોકડીએ મળવા બોલાવી તેની પાસે પૈસા માંગતાં તેણે ન આપતાં બાઇકમાં અપહરણ કરી જુદી જુદી જગ્‍યાએ ફેરવી ઢીકા-પાટુનો માર મારી તેમજ મોબાઇલ ફોન અને ૧૦ હજારની રોકડ પડાવી લીધાના આક્ષેપ સાથે સગીર સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે. માદક પદાર્થ પીવડાવી અજાણ્‍યા શખ્‍સોએ આ સગીર પાસે ડાન્‍સ પણ કરાવડાવ્‍યો હોવાનું જણાવાયું હતું! ખરેખર શું બન્‍યું તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ ન્‍યારા ગામે રહેતો અને પાણીના કેરબાનું કામ કરતો ૧૭ વર્ષનો સગીર  રાજકોટમાં માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્‍ચે મૈસુર ભગત ચોકમાં હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. રાતે દોઢ વાગ્‍યે આ સગીર દાખલ થયા બાદ  હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી. જો કે પોલીસ નિવેદન નોંધે એ પહેલા તે રજા લઇ જતો રહ્યો હતો. બાદમાં આજે બપોરે ફરીથી તે સારવાર માટે દાખલ થયો હતો અને ચોંકાવનારા આક્ષેપો સાથે વિગતો જણાવી હતી.

સગીરે કહ્યું હતું કે તે ઇન્‍સ્‍ટાગ્રામનો ઉપયોગ કરે છે. તેને એક યુવતિના નામથી ફ્રેન્‍ડ રીક્‍વેસ્‍ટ આવતાં પોતે તેમાં કેટલાક દિવસથી વાતો કરતો હતો. આ પછી બુધવારે બપોરે તેને મેસેજ કરી રાજકોટ મળવા બોલાવાયો હતો. પોતે નક્કી થયેલા સ્‍થળે રેલનગર પાસે ગયો હતો. પરંતુ ત્‍યાં પહોંચ્‍યો ત્‍યારે ત્‍યાં કોઇ યુવતિ નહોતી પણ અજાણ્‍યા શખ્‍સો તેની પાસે આવ્‍યા હતાં અને અહિ શું કરે છે? કોને મળવા આવ્‍યો છે? કહી ડરાવી ધમકાવી પૈસા માંગ્‍યા હતાં. તેણે પૈસા નથી તેમ કહેતાં તેને બાઇકમાં પરાણે બેસાડીને માધાપર ચોકડી મૈસુર ભગત ચોક નજીકમાં કોઇ સ્‍થળે લઇ ગયા હતાં. જ્‍યાં આઠેક શખ્‍સો પણ હતાં. આ બધાએ તેને કંઇક માદક પદાર્થ જેવુ પીવડાવી દીધા બાદ તેને પરાણે ડીસ્‍કો કરવા કહ્યું હતું.

બપોરથી માંડી રાત સુધી એટલે કે છ સાત કલાક સુધી તેને આ રીતે હેરાન પરેશાન કરાયો હતો અને મારકુટ કરવામાં આવી હતી. બાદમાં તેનો મોબાઇલ ફોન પડાવી લીધો હતો. એ પછી મૈસુર ભગત ચોક નજીક મારકુટ કરી ઉતારીને બધા ભાગી ગયા હતાં. આ પછી આ સગીરે કોઇની મદદ લઇ હોસ્‍પિટલે પહોંચી તબિબને મારકુટ થયાની જાણ કરતાં પોલીસ કેસ જાહેર કરાયો હતો. જો કે રાતે પ્રાથમિક સારવાર લઇ આ સગીર નીકળી ગયો હતો. આજે બપોરે ફરીવાર સારવાર માટે દાખલ થયો હતો અને અપહરણ, મારકુટ, મોબાઇલ પડાવી લેવાયા સહિતની વિગતો જણાવી હતી. ખરેખર શું બન્‍યું? અજાણ્‍યા શખ્‍સો કોણ હતાં? યુવતિના નામની આઇડી કોણે બનાવી હતી? તેની તપાસ થઇ રહી છે.

(4:08 PM IST)