તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th January 2026
સાધના-ઉપાસનાનું ફળ મધુર સ્મિત છેઃ પૂ. મોરારીબાપુ
બિહારમાં આયોજીત ‘‘માનસ સૃંગીરિષી'' શ્રીરામ કથાનો આજે છઠ્ઠો દિવસઃ કથા શ્રવણનો લાભ લેતા ભાવિકો

રાજકોટ તા. ૮: બિહાર રાજયના લખીસરાઇની ભૂમિ અને શ્રૃંગિઋષિના વાયુ મંડળમાં પ્રવાહિત થઇ રહેલી ‘માનસ સૃંગિરિષી'' રામકથાના પાંચમા દિવસે-ગઇકાલે-કથાના પ્રેમ સંવાદને આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે-શ્રૃંગિરિષ મુનિને કેન્દ્રમાં રાખીને, માનસના આધારે આપણે સંવાદ કરીએ છીએ ત્યારે શ્રૃંગનો સામાન્ય અર્થ શીંગ-શીંગડા થાય છે પણ અહીં શ્રૃંગ એટલે શિખર, ટોય, શિખરથી ઉપર કશું જ ન હોય. ગામડાઓમાં કરણના શીંગ (શિંગડા) અને સાપની ચામડી-કાંચળી સુકન મનાય છે. તલગાજરડા, જયાં માટીના ઘરમાં મારો જન્મ થયો ત્યાં ઉપર ખપેડામાં કરણના શીંગ હતા, હું દાદા (ગુરૂ) ને પૂછતો કે દાદા, આ શું છે? ત્યારે દાદા એમ કહેતા કે એ કરણના શીશ્રંગડા છે, તું મોટો થઇશ ત્યારે તને એનું મહત્વ સમજાશે. દાદા રામાયણનો પાઠ કરતાં એ છુટ્ટા પાનાઓની વચ્ચે સાપની કાંચળી પણ હતી...તો કરણના શીંગ અને સાપની કાંચળી એ સુકન મનાય છે અને સાપ તો મહાદેવનું પ્રતિક ગણાય છે.
અભાવનું પણ એક ઐશ્વર્ય હોય છે. તમારા મોરારિબાપુએ રોટલી/રોટલા સાથે માત્ર મીઠું ખાયને દિવસો પસાર કર્યા છે એ અભાવનું ઐશ્વર્ય છે. તમે સૌ મારા છો તો એક વાત કહું? મને મારો સ્વભા બહુ ગમે છે. સાચું કહું છું. સ્વભાવનું પણ એક ઐશ્વર્ય હોય છે. અને સત્સંગથી ધીમે-ધીમે સ્વભાવ સુધરે છે.રામકથા સ્વભાવ યાત્રા પર કામ કરે છે. તુલસીજી માનસમાં કહે છેઃ
સરલ સ્વભાવ ન મન કુટિ લાઇ
જાથા લાભ સંતોષ સદાઇ
તો કથા સાંભળવાથી ચોકકસ સ્વભાવ સુધરશે. કોઇ ગમ્મે તે કહે, તમારી ટીકા કરે, નિંદા કરે, ઇર્ષા કરે ત્યારે એને કોઇ જવાબ ન આપશો ત્યારે મારો એક મંત્ર યાદ કરવો...ૐ ઇગ્નોરાય નમઃ ૐ ઇગ્નોરાય નમઃ ૐ ઇગ્નોરાય નમ... ઘણા લોકો કહે કે કથામાં હું નથી માનતો, ભગવાનમાં નથી માનતો. તમે ભગવાનમાં ન માનો ભે કૈં નહિં પણ જે ભગવાનને માને છે, કથાને માને છે એની કયારેય નિંદા ન કરશો. તમે ન માનો તો ન માનો, પણ જે ભગવાનમાં માને છે એની કોઇ દી' ટીકા કે નિંદા ન કરવી એ પણ ધર્મ છે. જે સુખી છે એને કોઇપણ દુઃખ ન કહી શકે અને જેને દુઃખી જ થવું છે એને કોઇપણ સુખી નથી કહી શકતું. એક સરસ પ્રસંગ છે, સાચી ઘટના છેઃ એક યુવક કોલેજમાં જાય છે તો એના પ્રોફેસર એમ કહે છે કે, તમે માત્ર તમારા ગૃપમાં ન રહો, બીજા મિત્રો પણ બનાવો, મૈત્રીનો વિસ્તાર કરવો જોઇએ વગેરે..હવે એ કોલેજમાં એક રોઝી નામની વૃધ્ધા-પંચ્યાસી વર્ષની વૃધ્ધા આવે છે. પે'લા યુવકને કહે છે કે, આ કોલેજમાં પ્રવેશ મેળવવો છે, મારે આગળ ભણવું છે. નાની વયે મારા લગ્ન થઇ ગયેલા, ભણવાનું છુટી ગયેલું ને સંસારમાં પડી ગઇ. મારા પતિનું અવસાન થયું, બે બાળકોને ભણાવ્યા, એ બન્ને પણ જીવનમાં સેટ થઇ ગયા છે. તો મારે હવે ભણવું છે. યુવાને તેના પ્રોફેસરને રોઝીની ભલામણ કરી. પ્રોફેસરે કોલેજના પ્રિન્સીપાલને વાત કરી અને રોઝીને એ કોલેજમાં પ્રવેશ મળે છે. પછી યુનિવર્સિટીમાં દિક્ષાંત પ્રવચન માટે રોઝીને બોલાવવામાં આવે છે ત્યારે રોઝી કહે છે એ વાત આપણે સૌ એ યાદ રાખવા જેવી અને સમજવા જેવી છે. રોઝ દિક્ષાંત પ્રવચનમાં કહે છે કે-મિત્રો, જીવનમાં કશું મેળવવું હોય તો ઉંમરનો કોઇ બાધ નથી. બીજું: જીવનમાં દિવસની પ્રવૃત્તિઓ દરમ્યાન અડધો કલાક હસતા રહેવું અને કયારેક કયારેક રડવું પણ ખરૂં, આંસુ સારવા. અને ત્રીજું: તમે જીવનમાં દરેક વાતમાં સહમત ન થાઓ. હંમેશા Yes, Men...(યસ મેન) ન બની રહો. જરૂર પડે ત્યાં તમે તમારી અસંમતિ પણ પ્રગટ કરતા રહો...આ અમેરિકાની સત્ય ઘટના છે.
ગુરૂ આપણને સાફ કહે છે, માફ કરે છે, ગુરૂ પાસે આપણો ગ્રાફ હોય છે અને ગુરૂ પાસે આપણો ડ્રાફટ એટલે કે હૂંડી હોય છે. મેં ઘણા ઉપાસકો-સાધકોને જોયા છે જે હંમેશા ગંભીર જ હોય છે. કયારેય હસતા જ નથી. સાધના-ઉપાસનાનું ફળ મધુર મુસ્કુરાહટ-સ્મિત છે. તમારૂં સ્મિત છીનવી લે તેવું વ્રત ન કરવું. ‘મુસ્કુરાતે રહો, ગુનગુનાતે રહો, જીવન સંગીન હૈ સ્વર સજાતે રહો...મુસ્કુરાતે રહો...
(-મનોજ જોષી ‘‘મજો''-રાજકોટ)
(3:35 PM IST)










