<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

ખરેડીના યુવાનોનો મહાસંકલ્‍પ સફળઃ હરિદ્વારથી એકલિંગજી ૧૪૦૦ થી વધુ કિ.મી.ની ‘રિલે રન ર૦રપ-ર૬ સંપન્‍ન

કેન્‍દ્ર અને રાજય સરકાર આ રિલે રનને સતાવાર માન્‍યતા આપે તેવી યુવાનોની લાગણી

રાજકોટઃ શ્રી નવયુવક ચેરિટેબલ ટ્રસ્‍ટ, ખરેડી (જામનગર) તથા ખરેડીના યુવાનો દ્વારા મહાસંકલ્‍પરૂપે આયોજિત ‘‘હરિદ્વારથી ખરેડી એકલિંગજી રિલે રન ર૦રપ-ર૬'' સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. તા.ર૩ ડિસેમ્‍બર ર૦રપ થી શરૂ થયેલ આ ઐતિહાસિક રિલે રન તા. ૩ જાન્‍યુઆરી ર૦ર૬ ના રોજ ખરેડી (જામનગર) ખાતે સંપન્‍ન થયેલ.

આ રિલે દોડ હરિદ્વારથી શરૂ થઇ રાજસ્‍થાનના પવિત્ર અને ઐતિહાસિક એકલિંગજી મહાદેવ માર્ગે પસાર થઇ ૧૪૦૦ થી વધુ કિ.મી. અંતર કાપી ખરેડી (જામનગર) પહોંચી હતી.સમગ્ર દોડ દરમ્‍યાન નોન-સ્‍ટોપ રિલે રન સ્‍વરૂપે યુવાનો દ્વારા અવિરત દોડ ચાલુ રાખવામાં આવી.

આ પવિત્ર યાત્રા અંતર્ગત હરિદ્વારથી લવાયેલું પવિત્ર ગંગાજળ ખરેડી (જામનગર) ખાતે શ્રી ખરડેશ્વર મહાદેવ મંદિરમાં વિધિવત ગંગાજળાભિષેક કરવામાં આવેલ.

ઉલ્લેખનીય છે કે આ અનોખી અને દીર્ધ અંતરની રિલે દોડની સિદ્ધિ ઇન્‍ડિયા બૂક ઓફ રેકોર્ડસમાં સતાવાર રીતે નોંધાઇ  ચૂકી હોવાનું જણાવાયું છે.

આ રનમાં દેશના વિવિધ રાજયોમાંથી યુવાનો, રમતવીરો, કાર્યકરો તથા સ્‍વયંસેવકો જોડાયા હતા દોડ દરમ્‍યાન સ્‍વચ્‍છતા અભિયાન, નશામુકિત, સ્‍વસ્‍થ જીવનશૈલી,  ફિટ ઇન્‍ડિયા તથા ‘‘ એકભારત-શ્રેષ્‍ઠ ભારત'' જેવા સામાજિક અને રાષ્‍ટ્રીય સેંશાઓ જનમાનસ સુધી પહોંચાડવામાં આવ્‍યા.

આ કાર્યક્રમના મુખ્‍ય આયોજક તરીકે કલ્‍પેશભાઇ વઢવાણા (૯૭૨૩૩ ૦૭૫૦૪) તથા હરેશભાઇ ગૌસ્‍વામી (૮૧૪૦૪ ૦૮૩૫૧) સેવા આપી હતી.

આ સિદ્ધિ અનુસંધાને ગુજરાત સરકાર તથા ભારત સરકાર સમક્ષ આ ઐતિહાસિક રિલે રનને સતાવાર માન્‍યતા આપી યુવાનોના આ પ્રયાસને પ્રોત્‍સાહિત આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાત રાજયના રમત ગમત વિભાગ તથા સાંસ્‍કૃતિક વિભાગ દ્વારા પણ  આ મહાસંકલ્‍પને યોગ્‍ય માન સન્‍માન અને પ્રેરણા આપવામાં આવે તેવી અપેક્ષા વ્‍યકત કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીર અભિજીત બગથરીયા)

(3:13 PM IST)