તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
વેજાગામમાં ૪૬ વર્ષ જુના જમીન વિવાદમાં કલેકટર આકરા પાણીએઃ ૧ાા એકર જમીન શ્રીસરકાર દાખલ કરવા હુકમ
કલેકટરે ચૂકાદામાં નોંધ્યુ પ્રાંત અધીકારીએ સતા મર્યાદા બહાર જઇને પણ ખાનગી નામે જમીન દાખલ કરી છે!!

રાજકોટ તા.૭: રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા વેજાગામની સર્વે નંબર ૫૭/૪ વાળી જમીન બાબતે એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં ૪૬ વર્ષના લાંબા વિલંબ બાદ કરવામાં આવેલી અપીલને ગેરકાયદે ઠેરવીને આશરે ૦-૪૫-૫૩ ચો.મી. જમીન ફરીથી સરકાર હસ્તક દાખલ કરવાનો હુકમ કરાયો છે.
ઘટનાની વિગત મુજબ આ કેસની વિગત મુજબ, વર્ષ ૧૯૬૮માં પ્રમોલગેશન વખતે આ જમીન સરકારી પડતર તરીકે નોંધાઈ હતી. જેની સામે તે સમયે કોઈ વાંધો લેવામાં આવ્યો ન હતો. જોકે, ૪૬ વર્ષના લાંબા સમયગાળા બાદ સોમાભાઈ મેરૂભાઈ દ્વારા નાયબ કલેકટર સમક્ષ અપીલ કરવામાં આવી હતી. તત્કાલિન નાયબ કલેકટરે કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર આ સરકારી જમીન ખાનગી માલિકીની ઠેરવી હતી.
જ્યારે આ હુકમમાં અનિયમિતતા જણાઈ, ત્યારે કલેકટર દ્વારા રીવીઝન કેસ હાથ ધરવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે આ અતિ કિંમતી જમીન કોઈપણ પદ્ધતિસરની ઈન્કવાયરી વગર ખાનગી પક્ષકારોને સોંપી દેવામાં આવી હતી. વધુમાં, જમીન ખરીદનારાઓએ પણ ‘બાયર બેવેર' ના સિદ્ધાંત મુજબ રેકર્ડની ચકાસણી કરી ન હતી.
કલેકટર કોર્ટે અવલોકન કર્યું કે વિલંબ માફીની અરજી વગર અને કાયદાકીય મર્યાદા બહાર જઈને અપાયેલ અગાઉનો હુકમ સત્તા બહારનો છે. આથી, નાયબ કલેકટરનો જૂનો હુકમ રદ કરી આ જમીન સંપૂર્ણ બોજારહિત કરી સરકાર હસ્તક લેવાનો આદેશ કરવામાં આવ્યો છે. પક્ષકારો જો આ નિર્ણયથી નારાજ હોય તો ૯૦ દિવસમાં મહેસુલ વિભાગમાં અપીલ કરી શકશે.
ઉપરોકત વિગતોનુસારની ગંભીર બાબત રેકર્ડ પર હોવા છતાં અને રેકર્ડ આધારીત એ બાબત પણ સ્પષ્ટ રીતે પ્રસ્થાપિત હોય કે, પ્રાંત અધિકારીશ્રી, રાજકોટ શહેર-૨ દ્વારા નોંધ નં.૧૪૧ ની વિગતે સરકારી હેડે ચાલતી જમીન તેઓના તા.૨૦-૮-૨૦૧૬ ના હુકમથી વિપરીતે રીતે નોંધ નં.૨૦૫ ની વિગતે ખાનગી માલીકના નામે તેઓના અધિકારક્ષેત્રમાં ન હોવા છતાં યોગ્ય પ્રક્રિયા હાથ ધર્યા સિવાય લે.રે.રૂ.-૧૦૮(૫) ની કાર્યવાહીમાં ખાનગી માલીકના નામે દાખલ કરી દેવામાં આવેલ છે. તેમ છતાં વાદગ્રસ્ત સરકારી જમીનનું જે તે ખાનગી પક્ષકારો દવારા ઉતરોતર વેચાણ કરવાની ગેરકાયદેસર પ્રવળતી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ખરીદનાર દ્વારા પણ BUYER BEWARE ના સિધ્ધાંત મુજબ વાદગ્રસ્ત જમીન ખરીદતી વખતે ગામ દફતરે દાખલ તમામ રેકર્ડની ચકાસણી કરીને જમીન ખરીદવી જોઈએ. પરંતુ હાલના ખરીદનારાઓ ધ્વારા ઉકત તમામ બાબતો રેકર્ડ પર હોવા છતા પણ તે સધળી હકિકતોને નજર અંદાજ કરીને પ્રાંત અધિકારીશ્રી, રાજકોટ શહેર-ર ધ્વારા તેઓના તા.૨૦-૮-૨૦૧૬ ના હુકમથી સરકારી જમીન સતામર્યાદા બહાર જઈને પણ ખાનગી માલીકના નામે દાખલ કરેલ હોવાની વિગતો પણ રેકર્ડ પર હોવા છતા પણ સદરહુ જમીનનું હસ્તાંતરણ કરેલ છે.
IGNORANCE HAS NO LAW ના સિંધ્ધાંત મુજબ જે તે સમયે જમીન ખરીદતી વખતે ખરીદનારે વાદગ્રસ્ત જમીન અંગેની તમામ બાબતોથી માહિતગાર હોવુ જોઈએ. પરંતુ હાલના સામાવાળા દ્વારા સુંદરહુ બાબત નજરઅંદાજ કરવામાં આવેલ છે. જેથી તેઓને પણ બોનોફાઈડ પરચેઝર ગણી શકાય નહિ. આમ, ઉકત સઘળી અગાઉ ચાલેલ રેકર્ડ આધારીત હકિકતોથી વિપરીત રીતે હાલના સામાવાળાઓ દ્વારા વર્ષોથી સરકારી હેડે ચાલતી જમીનનું ગેરકાયેદસર, અનિયમીતતાપૂર્ણ તથા નિયમોથી વિપરીત રીતે રેકર્ડથી વિરૂધ્ધ નિર્ણય મેળવીને બાદમાં વેચાણ દ્વારા હસ્તાંતરણ કરવામાં આવેલ છે.
ઉપરોકત તમામ વિગતો ધ્યાને લેતા નાયબ કલેકટરશ્રી, રાજકોટ શહેર-ર દ્વારા કરવામાં આવેલ વાદગ્રસ્ત હુકમ રદ થવાને પાત્ર હોય, સબબ, આ કેસમાં હુકમ કરવામાં આવે છે
(4:25 PM IST)










