News of Wednesday, 7th January 2026
આયુર્વેદ ડોકટરોના જ્ઞાનવર્ધન માટે પોડકાસ્ટ કાર્યક્રમો અને સીએમઇ વર્કશોપ હાથ ધરાશે
ગુજરાત આયુર્વેદ કાઉન્સિલના પ્રમુખપદે સફળતમ ર વર્ષ પૂર્ણ કરનાર ડો. સંજય જીવરાજાનીએ આપ્યા નવા નિર્દેશો : આયુર્વેદ ડોકટરો અને તેમના પરિવારજનોને આવરી લેતી સોશિયલ સિકયુરીટી સ્કીમ અમલી બનાવાશે : જિલ્લા સ્તરે ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનો પણ વિચારણા હેઠળ : રાજયની આયુર્વેદ કોલેજોની મુલાકાત લઇ દીશા દર્શન-માર્ગદર્શન

રાજકોટ તા. ૭ : ગુજરાત આયુર્વેદ કાઉન્સીલના પ્રમુખપદે સફળ રીતે ર વર્ષ પૂર્ણ કરનાર ડો. સંજીવ જીવરાજા (મો.૮૨૦૦૫ ૬૨૫૭૯)ની અને તેમની ટીમે ‘અકિલા'ની શુભેચ્છા મુલાકાત દરમિયાન આયુર્વેદ ક્ષેત્રએ સાધેલ નવી ગતિવિધિઓનો નિચોડ વ્યકત કરતા જણાવ્યુ છે કે કોરોના કાળ જેવા કપરા સમયમાં આયુર્વેદ કાઉન્સિલ દ્વારા ઉકાળા, રોગપ્રતિકારક દવાઓ અને જનજાગૃતિની મહત્વની ભુમિકા ભજવવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૪માં નવી કાઉન્સિલ રચાયા બાદ આજદિન સુધી વિકાસલક્ષી અને પાદર્શક કામગીરી હાથ ધરવામાં આવી છે.
કાઉન્સિલ ગુજરાત રાજયમાં આયુર્વેદ ડોકટરોને રજીસ્ટ્રેશન અને લાયસન્સ આપતી એક માત્ર સત્તાવાર સંસ્થા છે અને અત્યાર સુધીમાં રાજયમાં અંદાજે ૩૦ હજારથી વધુ આયુર્વેદ ડોકટરો કાર્યરત કરવામાં આવ્યા છે.
છેલ્લા બે વર્ષમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન બનાવવામાં આવી છે. દરેક આયુર્વેદ ડોકટરો પોતાનું રજીસ્ટ્રેશન અને આઇકાર્ડ એક કિલક સાથે જોઇ શકે અને વેરીફાઇ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ઉપરાંત સ્નાતકોની સગવડતા માટે ખાસ મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેમાં તમામ સ્નાતકોને ફ્રી સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. જેથી મહત્વના દસ્તાવેજો સુરક્ષિત રીતે સાચવી શકાય. સ્નાતકોના જ્ઞાન વર્ધન અને સેન્ટ્રલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન માટે રાજકોટ, અમદાવાદ, ગાંધીધામ, ગાંધીનગર ખાતે ‘વંદે આયુ કોન' સીએમ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા.
આયુર્વેદ ડોકટરોને પ્રેકટીસ દરમિયાન પડતી મુશ્કેલીઓ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડાજી, ભારત સરકારના આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સમક્ષ રજુઆતો કરવામાં આવી છે.
રાજયની ૪૫ પૈકી મહત્વની આયુર્વેદ કોલેજોની મુલાકાત લઇ આયુર્વેદના પ્રચાર/-પ્રસાર તથા કાયદાકીય માર્ગદર્શન અપાયુ. યોગ ડે, આયુર્વેદ ડે જેવી રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમા આયુર્વેદના ડોકટરોને જોડવામાં આવ્યા.
હજુ આગામી દિવસોમાં શું નવુ કરાશે તેની વિગતો વર્ણવતા ડો. સંજીવ જીવરાજાનીએ જણાવેલ કે ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ દ્વારા આગામી દિવસોમાં રાજયના દરેક જિલ્લાઓમાં આયુર્વેદ ડોકટરોના જ્ઞાન વર્ધન માટે પોડકાસ્ટ કાર્યક્રમો યોજવામાં આવશે.
આયુર્વેદ ડોકટરો અને તેમના પરિવારજનોને આવરી લેતી સોશિયલ સિકયુરીટી સ્કીમ અમલમાં મુકાશે. સુરત-સાઉથ ખાતે આયુર્વેદ ડોકટરો માટે ભવ્ય સીએમઅઇ વર્કશોપનું આયોજન પણ વિચારણા હેઠળ છે. સ્નાતકો માટે જિલ્લા સ્તરે ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ રજીસ્ટ્રેશન અને રીન્યુઅલ પ્રક્રિયા સરળ બનાવવા વિશેષ કેમ્પો ગોઠવવામાં આવશે.
અંતમાં સમગ્ર રાજયના ૩૦,૦૦૦ થી વધુ આયુર્વેદ ડોકટરો નો આયુર્વેદ કાઉન્સિીલની સમગ્ર ટીમ વતી પ્રમુખ ડો. સંજીવ જીવરાજાનીએએ આભાર વ્યકત કર્યો હતો.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયુર્વેદ કાઉન્સિીલની સમગ્ર ટીમ વતી પ્રમુખ ડો. સંજીવ જીવરાજાની અને સાથે ડો. મુસ્તાક કાદરી, ડો. યતીન વૈદ્ય, ડો. સંજય વખારીયા, ડો. રમેશ શાપરા, ડો. વિશાલ ભીમજીયાણી, ડો. પ્રશાંત ગણાત્રા, ડો. સમીર ખુંટ, ડો. ભરત ઢોલરીયા, ડો. આનંદ ચૌહાણ નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:46 PM IST)










