<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

પડકાર-સંવેદના અને કોમેડીઃ યુવા સપનાઓની ઊંચી ઉડાનઃ૧૬મીએ આવે છે ગુજરાતી ફિલ્‍મ ‘મોજે દરિયા'

સુપર ડુપર હિટ ફિલ્‍મ ‘ધુરંધર'માં નઇમ બલોચનું પાત્ર ભજવી જાણીતા બનેલા રાજકોટના યુવા કલાકાર હિતુલ પૂજારા, તક્ષ શાહે પત્રકાર પરિષદમાં જણાવી ફિલ્‍મ વિશેની રોચક-રસપ્રદ વાતો આ ફિલ્‍મ ‘ઝેન-જી' કલ્‍ચર અને સંઘર્ષને રજુ કરશેઃ ગુજરાત-મુંબઇના ૯૦ સિનેમાઘરોમાં થશે પ્રસારીતઃ સુભાષ ધઇ એક્‍ટીંગ સ્‍કૂલમાં સાથે ભણેલા મિત્રોએ બનાવી છે ફિલ્‍મઃ ડીલીવરી બોય મિત્રો પૈસાદાર થવા શરૂ કરે છે શેમ્‍પેઇનની બોટલોની ડીલીવરીઃ પછી મચે છે અફડા-તફડી ને સર્જાય છે ભરપુર કોમેડી બાળપણથી જ મને અભિયનમાં રસ પડવા માંડયો હતોઃ ૧૦મું ધોરણ પુરૂ કર્યા પછી વર્કશોપમાં જોડાયો અને અભિનયના પાઠ ભણ્‍યાઃ હિતુલ પુજારા અભિનય સ્‍કૂલમાં અમે સાથે ભણ્‍યા, હવે ફિલ્‍મ પણ સાથે મળીને બનાવીઃ તક્ષ શાહ રાજકોટનો યુવા અભિનેતા હિતુલ પુજારા

રાજકોટ તા. ૭: હાલના સમયમાં અન્‍ય ભાષાની ફિલ્‍મોની જેમ જ ગુજરાતી સિનેમા વૈશ્વિક ફલક પર પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થઇ રહ્યું  છે. અનેક ગુજરાતી ફિલ્‍મો સુપરડુપર હીટ થઇ રહી છે. આ વચ્‍ચે વધુ એક ગુજરાતી ફિલ્‍મ આગામી ૧૬મીએ સિનેમાઘરોમાં આવી રહી છે.  યુવાનોના સપના, મિત્રતા અને જીવનના વળાંકોને વણી લેતી ફિલ્‍મ ‘મોજે દરિયા' ગુજરાત-મુંબઇ સહિતના ૯૦ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રાજકોટ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ફિલ્‍મના ડિરેક્‍ટર પેરી મજુમદાર અને કલાકારો રાજકોટના હિતુલ પુજારા, તક્ષ શાહ સહિતે ફિલ્‍મના પ્રમોશન દરમિયાન ફિલ્‍મના નિર્માણ સહિતની અનેક રસપ્રદ રોચક વાતો જણાવી હતી.

ફિલ્‍મની વાર્તા એવા યુવાનોની આસપાસ ફરે છે જેઓ રોજીંદા જીવનમાં બોક્‍સ ક્રિકેટ રમીને મોજમસ્‍તી કરે છે, પરંતુ અચાનક તેમના મનમાં કંઈક ‘મોટુ' કરવાનું સપનુ જન્‍મે છે. પછી એક દિવસ તેમના મનમાં સપનાના વાવેતર થાય છે. કોઇને એમ થાય કે આ મોટીવેશનલ ફિલ્‍મ છે, પરંતુ વાર્તા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ તેમાં હાસ્‍યરસ ઉમેરાતો જશે અને ભરપુર કોમેડીની મજા દર્શકો માણી શકશે. આ ફિલ્‍મમાં પડકાર, સંવેદના અને કોમેડીનો ત્રિવેણી સંગમ છે. અલગ જ કહાની ધરાવતી આ ફિલ્‍મ દર્શકોને ચોક્કસ ગમશે તેવો વિશ્વાસ નિર્દેશક-નિર્માતા અને કલાકારોએ વ્‍યકત કર્યો છે.

યશ્વી શાહ, રાકેશ ડોલી અને અક્ષયકુમાર હેડા દ્વારા નિર્મિત આ ફિલ્‍મ માત્ર મનોરંજન જ નહીં, પણ આજના યુગમાં શોર્ટકટથી સફળતા મેળવવા જતા આવતા જોખમોને પણ દર્શાવે છે. ફિલ્‍મનું ટ્રેલર દર્શાવે છે કે પૈસા કમાવવાની લ્‍હાયમાં યુવાનો કાફે ખોલે છે અને ડિલિવરી બોય બને છે. પરિવારની આર્થિક કટોકટી તેમને જોખમી રસ્‍તે લઈ જાય છે. ગુજરાતમાં પ્રતિબંધિત એવી શેમ્‍પેઈનની બોટલોની ડિલિવરી કરતી વખતે સર્જાતી પોલીસની અફડાતફડી અને કોમેડી પ્રેક્ષકોને પેટ પકડીને હસાવશે, તો બીજી તરફ આ મુસીબતમાંથી બહાર નીકળવાનો સંઘર્ષ પ્રક્ષકોમાં કુતુહલ જગાવશે.

આ ફિલ્‍મમાં રાજકોટના પ્રતિભાશાળી કલાકાર હિતુલ પૂજારાએ ફિલ્‍મમાં રોહન નામના ડિલીવરીબોયનું પાત્ર ભજવ્‍યું છે. હિતુલ તાજેતરમાં ધમાકેદાર સફળતા મેળવનારી ફિલ્‍મ ‘ધુરંધર'માં અક્ષય ખન્‍નાના પુત્ર નઇમ બલોચનું પાત્ર ભજવી ચુક્‍યો છે. તેણે ટીવી પરદે પુષ્‍પા નામની સીરીઝમાં બાદશાહના પાત્રથી લોકપ્રિયતા મેળવી છે. છે. વ્‍હીસલિંગ વુડઝ ઈન્‍ટરનેશનલ જેવી સંસ્‍થામાં તાલીમ પામેલા હિતુલે આ ફિલ્‍મ માટે ખાસ મહેનત કરી છે.

આ ફિલ્‍મમાં માનવ ગોહિલ, કમલેશ ઓઝા અને પ્રશાંત બારોટ જેવા અનુભવી કલાકારોના સાથથી ફિલ્‍મને એક મજબૂત પીઠબળ મળ્‍યું છે. આ ઉપરાંત હિતુલ પૂજારા, ધાર્મિક બારોટ, સિદ્ધાર્થ ડોલી, દર્શન લશ્‍કરી, સુરજ નાયક, કમલેશ ઓઝા, પ્રફુલ પંડીતા, વર્શીલ પારેખ, ખુશી પટેલ, તક્ષ શાહ, ભાવેશ શ્રીમાળી, ધ્રુવરાજસિંહ સોલંકી, નીરમા સોની, હિતેષ ઠક્કર, હેમીન ત્રિવેદી, સુનિલ વીસરાની સહિતના યુવા કલાકારોએ પણ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે.

ડિરેક્‍ટર પેરી મજુમદારે જણાવ્‍યું હતું કે આ ફિલ્‍મ આજની પેઢીની ભાષા અને તેમની સમસ્‍યાઓને વાંચા આપે છે. ભલે તે કોમેડી હોય, પણ તેની પાછળ એક ઊંડી સંવેદના છુપાયેલી છે જે દરેક પરિવારને સ્‍પર્શી જશે.ૅ

રાજકોટમાં જ જન્‍મેલા અને જેના પરિવારજનો પણ અહિ રહે છે તેવા હિતુલ પૂજારાએ જણાવ્‍યું હતું કે મને સ્‍કૂલના સમયથી જ અભિનયનો શોખ હતો. ૧૦મું ધોરણ પુરૂ કર્યા પછી હું એક્‍ટીંગના વર્કશોપમાં જોડાઇ ગયો હતો એ અભિનયના પાઠ ભણ્‍યો હતો.  મોજે દરિયા ફિલ્‍મ અમે મિત્રોએ બનાવી છે. આ એ મિત્રો છે જે મારી સાથે જ અભિયન સ્‍કૂલમાં ભણતાં હતાં. ફિલ્‍મના જ કલાકાર તક્ષ શાહે કહ્યું કે મેં અભિનય શાળામાં ભણતી વખતે જ આ ફિલ્‍મની કહાની વિચારી હતી. સમય જતાં કહાની લખી હતી અને આ કહાનીના પાત્રોમાં હિતુલ, સિધ્‍ધાર્થ, પ્રફુલ જ ફીટ થશે એવું નક્કી કર્યુ અને હવે ફિલ્‍મ બની ગઇ છે. જે ૧૬મીએ સિનેમાઘરોમાં આવશે.

(3:09 PM IST)