<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

ભાડાની કાર ભટકાડતાં ખર્ચ માંગતા ડખ્‍ખોઃ ક્રાઇસ્‍ટ કોલેજના વિદ્યાર્થી હર્ષદિપસિંહ પર ટોળકી રચી હુમલો

પુનિતનગરના ગેઇટ પાસે ડખ્‍ખોઃ લીંબડીના સેમલા ગામના વતની છાત્રની ફરિયાદ : તાલુકા પોલીસે કેવલ સરપદડીયા, શાન બાબર, જયદ્રજ ઉર્ફ મેગી, પુષ્‍પરાજસિંહ, પ્રહલાદસિંહ, હરેન સામે રાયોટીંગનો ગુનો નોંધ્‍યોઃ વચ્‍ચે પડેલા મિત્રો તુષાર, કૃણાલ અને ધ્રુમિલને પણ ઇજા

 

રાજકોટ તા. ૫: શહેરના વાવડી વિસ્‍તારમાં આવેલ પુનીતનગર ગેઇટ પાસે ગાડીના રિપેરિંગના ખર્ચ મામલે થયેલી બોલાચાલીએ હિંસક સ્‍વરૂપ ધારણ કરતાં મુળ લીંબડીના સમલા ગામના અને હાલ રાજકોટ રહી કોલેજમાં ભણતાં યુવાન અને તેના મિત્રો પર છ શખ્‍સોએ ટોળકી રચી હુમલો કરી માર મારી માથે જતાં ખૂનની ધમકી દીધી હતી. ભાડે રાખેલી ગાડી ભટકાડ્‍યા બાદ તેનો ખર્ચ આપવાને બદલે ઢીકાપાટુનો માર મારી, ચાવી વડે હુમલો કરાયો હતો. તેમજ ઝાપટો પણ મારવામાં આવી હતી. આ બનાવમાં તાલુકા પોલીસે મુળ લીંબડીના સમલા ગામના વતની અને હાલ વાવડી પુનીતનગર-૯માં રહી ક્રાઇસ્‍ટ કોલેજમાં અભ્‍યાસ કરતાં હર્ષદીપસિંહ અજયસિંહ રાણા (ઉ.વ.૨૧)ની ફરિયાદ પરથી કેવલ સરપદડીયા, શાન આરીફભાઇ બાબર, જયદ્રથ જાડેજા ઉર્ફ મેગી, પુષ્‍પરાજસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ઝાલા ઉર્ફ બબુ અને હરેન સરપદડીયા વિરૂધ્‍ધ ગેરકાયદે મંડળી રચી હુમલો કરી હર્ષદિપસિંહ અને સાહેદ...ને ઢીકાપાટુનો અને ઝાપટોનો માર મારી ઇજાઓ કરી મારી નાખવાની ધમકી આપ્‍યાનો ગુનો દાખલ કર્યો છે.

ફરિયાદી હર્ષદિપસિંહ અજયસિંહ રાણા (ઉ.વ. ૨૧) જે ક્રાઈસ્‍ટ કોલેજમાં અભ્‍યાસ કરે છે, તેણે પોલીસમાં જણાવ્‍યા મુજબ તેના મિત્ર ધ્રુમીલ ખુંટ ફોરવ્‍હીલ ગાડી ભાડે આપવાનો વ્‍યવસાય કરે છે. આરોપી કેવલ સરપદડીયાએ ધ્રુમીલ પાસેથી ગાડી ભાડે લીધી હતી, જે કયાંક ભટકાડી દીધી હતી. આ ગાડીના ખર્ચ અંગે વાત કરવા માટે કેવલે ધ્રુમીલને પુનીતનગર ગેઇટ પાસે બોલાવ્‍યો હતો. તા. ૨ના રોજ રાત્રે સાડા આઠ વાગ્‍યાના અરસામાં હર્ષદિપસિંહ તેના મિત્રો ધ્રુમીલ, તુષાર અને કુણાલ સાથે ત્‍યાં પહોંચ્‍યા હતા. ત્‍યાં હાજર કેવલ સરપદડીયા અને તેના મિત્રોએ ગાડીનો ખર્ચ આપવાની ના પાડી દીધી હતી.

આ વખતે વાતચીત દરમિયાન મામલો બિચકતા આરોપીઓએ ઉશ્‍કેરાઈને ગાળો આપી હતી અને ‘આજે તમને જાનથી મારી નાખવા છે' તેમ કહી હુમલો કર્યો હતો. આ દરમિયાન આરોપી શાન આરીફ બાબરે હર્ષદિપસિંહના કપાળના ભાગે ચાવી મારી દેતા લોહીલુહાણ ઈજા થઈ હતી. હુમલામાં હર્ષદીપસિંહને આંખ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થતા કુલ ૬ ટાંકા લેવા પડ્‍યા હતા, જ્‍યારે તેના અન્‍ય મિત્રોને મુંઢ માર લાગ્‍યો હતો. તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં હેડકોન્‍સ. કિશનભાઇ અજાગીયાએ ગુનો દાખલ કરતાં પીએસઆઇ મોહમ્‍મદઇશાક ઇબ્રાહીમભાઇ શેખ વધુ તપાસ ચલાવી રહ્યા છે

(1:26 PM IST)