<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th January 2026

એક દસકામાં ૫૭ ગુનાઃ ‘બાટલી ગેંગ'ને ગુજસીટોકનો ગાળીયો

હત્‍યા, હત્‍યાનો પ્રયાસ, ચોરી, લૂંટ, માદક દ્રવ્‍યોના વેંચાણ, અપહરણ, મારામારી, ફરજમાં રૂકાવટ સહિતની ગુનાખોરીમાં સંડોવણી રાજકોટ પોલીસની વધુ એક ગેંગને કાયદાના કડક પાઠ ભણાવવાની કામગીરીઃ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયા, પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ સહિતની ટીમોની કાર્યવાહીઃ આગળની તપાસ કરશે એસીપી વી. બી. જાડેજા ૯ને પકડી લેવાયાઃ સુત્રધાર સાવન ઉર્ફ લાલીનો જેલમાંથી લેવાશે કબ્‍જોઃ બાકીના આરોપીઓની શોધખોળ

રાજકોટ તા. ૫: શહેરમાં વધુ એક ગેંગની હવા પોલીસે કાઢી નાંખી છે. મોટે ભાગે રણછોડનગર અને રેલનગર વિસ્‍તારમાં આતંક મચાવતી ‘બાટલી ગેંગ'ના ૧૪ શખ્‍સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી આ ગેંગના ૯ શખસોને પકડી લેવાયા છે. આ ગેંગના સાગ્રીતો એક દસકાથી શહેરમાં ગુનાખોરી આચરી રહ્યા હતાં. ૨૦૧૬થી ૨૦૨૫ સુધીમાં  આ ટોળકીએ ખૂનની કોશિષ, લૂંટ, મારામારી, ચોરી, ફરજમાં રૂકાવટ, ધાકધમકી, માદક પદાર્થનું વેંચાણ કરવું, ઘરફોડ ચોરીઓ કરવી સહિત ૫૭ ગુનાઓ આચર્યા છે. આ ગેંગ જ્‍યારે પણ માથાકુટ થાય ત્‍યારે બાટલીના છુટા ઘા કરવા માટે જાણીતી હોઇ તેનું નામ બાટલી ગેંગ પડયું છે.

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે આ ગેંગના શખ્‍સોછેલ્લા ૧૦ વર્ષથી શહેરમાં સંગઠિત રીતે ગુનાખોરી કરી રહ્યા હતા. તેમની સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદે મંડળી રચવી, પોલીસ ઉપર હુમલા અને એનડીપીએસ-નશાકારક દ્રવ્‍યોના વેચાણ સહિત કુલ ૫૭થી વધુ ગંભીર ગુનાઓ આચરી ચુક્‍યા છે. કુલ ૧૪ શખ્‍સો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયો છે. જેમાંથી ૯ને પકડી લવાયા છે.

ઝડપી લેવાયેલઆ આ ૯ શખ્‍સોમાં સરફરાજ ઉર્ફે ઇડો આરીફભાઇ આરીફભાઈ કાદરી રહે.રૂખડીયાપરા નળલંગ પરા શેરી નં ૦૪ સેન્‍ટ્રલ જેલની પાછળ, કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઈ પરમાર રહે.વાલ્‍મીકીવાડી શેરી નં ૨ કીરીટીભાઈ વાઘેલાના મકાનમા ભાડેથી જામનગર રોડ, સમીર ઉર્ફે ધમો બસીરભાઇ ઇસ્‍માઇલભાઇ શેખ રહે.સેન્‍ટ્રલ જેલની પાછળ રૂખડીયાપરા શેરી નં.૦૫, ઇશોભા રીજવાન દલ રહે. હુડકો ક્‍વાર્ટર ક્‍વાર્ટર નંબર ૭૧ જામનગર રોડ, મીરખાન રહીશભાઇ દલ રહે. હુડકો કવાર્ટર શેરી નંબર ૬ જામનગર રોડ, અસલમ ઉર્ફે સર્કીટ બસીરભાઇ ઇસ્‍માઇલભાઇ શેખ રહે. સેન્‍ટ્રલ જેલની પાછળ, રૂખડીયાપરા શેરી નં.૦૫, સુલેમાન નિઝામભાઇ દલ રહે. જંગલેશ્વર હુશેની ચોક શેરી નંબર ૬ હુશેની ડેરી પાસે, ઇરફાન ખમીશભાઇ ભાણુ રહે. સેન્‍ટ્રલજેલ પાછળ રૂખડીયાપરા શેરી નં. ૩, અને સાહીલ ઉર્ફે ભુરો મુકેશભાઈ પાટડીયા ઝાલા રહે. સંજરી મસ્‍જીદની સામે વાલ્‍મીકી વાડી વસંતબેનના મકાનમાં સામેલ છે. જ્‍યારે હાલ પાસા હેઠળનો આરોપીમાં સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા રહે. વાલ્‍મીકી વાડી શેરી નં ૦૩ કનૈયા હોટલ વાળી જામનગર રોડનો વડોદરા જેલમાંથી કબ્‍જો મેળવી કાર્યવાહી થશે.

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વધુમાં જણાવ્‍યું કે આ ટોળકીમાં કુલ ૧૪ સભ્‍યો સામેલ છે. ગેંગનો લીડર સાવન ઉર્ફે લાલી હાલ જેલમાં છે. આ ઉપરાંત સમીર ઈસ્‍માઈલ શેખ, ઈશુબ આરિઝવાન દલ, મીરખાન દલ અને અસલમ શેખ સહિતના ૧૧ સભ્‍યો પોલીસ કસ્‍ટડીમાં છે. જ્‍યારે અન્‍ય ૩ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે. બાટલી ગેંગના સાગરીતો પોતાની આજીવીકા માટે ઘરફોડ ચોરી, લૂંટ, ડ્રગ્‍સ-માદક પદાર્થના વેંચાણ કરવાની પ્રવૃતિઓ કરે છે. સાથે સાથે આ ગેંગ ગમે તેની સાથે મારામારી કરી લેવાની આદત ધરાવે છે. તેની સામે ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ઘરફોડ ચોરી, અપહરણ સહિત ૩૦ ગંભીર ગુનાઓ પણ કુલ ગુનાઓમાં સામેલ છે. દારૂ-જુગારના મળી કુલ ૫૭ ગુનાઓ થાય છે.

ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાની સુચના હેઠળ એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયા તથા ડી.સી.બી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તથા પીએસઆઇ સી.બી.જાડેજા, વી.ડી.ડોડીયા, એ.એન.પરમાર, આર.કે.ગોહિલ, ડી.પી.ઝાલા, એસ.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ જનકભાઇ કુગશીયા, હેડકોન્‍સ. પ્રતિકસિંહ રાઠોડ તથા ટીમના સ્‍ટાફ દ્વારા દરખાસ્‍ત તૈયાર કરવામાં મહત્‍વની કામગીરી કરવામાં આવી હતી. આ કેસની આગળની તપાસ એસીપી વી. બી. જાડેજા કરે છે. (૧૪.૫)

 

શહેરમાં ૭ ગેંગો સામે ગુજસીટોક થઇ તેમાં પાંચ ગુના ક્રાઇમ બ્રાંચે દાખલ કર્યા

રાજકોટઃ શહેર પોલીસે અત્‍યાર સુધીમાં ૭ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટમાં સૌપ્રથમ વખત ૨૦૨૦ની સાલમાં થોરાળા પોલીસે  ઈમ્‍તિયાઝ ઉર્ફે લાલાની ગેંગ સામે ગુજસીટોક કરી હતી. આ ગેંગના ૧૧ સભ્‍યો સામે ગુનો નોંધાયો હતો. ત્‍યારબાદ પ્ર.નગર પોલીસે ભીસ્‍તીવાડની કુખ્‍યાત ગેંગના ૧૩ સભ્‍યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્‍યો હતો. ક્રાઈમ બ્રાંચે કુલ પાંચ ગુજસીટોક કરી છે. જેમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીના ૧૧ સભ્‍યો, રમેશ રાણા ગેંગના ૩ સભ્‍યો, પેંડા ગેંગના ૨૧ સભ્‍યો, મુરગા ગેંગના ૧૭સભ્‍યો અને બાટલી ગેંગના ૧૪ સભ્‍યો સામે ગુનો નોંધ્‍યો હતો. શહેરમાં હજૂ પણ બે થી ત્રણ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી થવાની પુરી શક્‍યતા છે.

(3:03 PM IST)