તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd January 2026
તમે વાહનચાલકોને ખોટી રીતે હેરાન કરો છો કહી ‘પ્રેસ'ના નામે મહિલા હેડકોન્સ્ટેબલ સાથે ધમાલ
આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોઇ એક વાહનચાલકને ચલણ આપવા કાર્યવાહી થતી હતી ત્યારે આવી ચડી ડખ્ખો કર્યો ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરીઃ પોલીસે તપાસ કરતાં સંજય ધામેચા કોઇ પ્રેસમાં નહિ હોવાનું અને અગાઉ ચેકીંગમાં રોકાયો હોઇ ખાર રાખીને ટ્રાકિફ પોલીસ સાથે માથાકુટ કર્યાનું ખુલ્યુ

રાજકોટ તા. ૩: શહેરમાં ટ્રાફિક પોલીસના સ્ટાફ અને વાહનચાલકો વચ્ચે અવાર-નવાર માથાકુટ થતી રહે છે. દરમિયાન શહેરના કોઠારીયા ચોકડી બ્રિજ પાસે ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહેલા મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમ સાથે બોલાચાલી કરી, ઝપાઝપી કરી બે શખ્સે ફરજમાં રૂકાવટ કરતાં પોલીસે ગુનો દાખલ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. આ બેંમાથી એક શખ્સે પોતે પ્રેસમાં પત્રકાર હોવાની પણ ઓળખ આપી હતી. જો કે તેની પાસે કોઇપણ પ્રકારનું આઇકાર્ડ નહોતું.
શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ સેજલબેન અમળતલાલ પરમાર કોઠારીયા ચોકડી બ્રિજ પર આજીડેમ તરફ ચડતા હાઈવે રોડ પર ટ્રાફિક નિયમનની ફરજમાં હતા. તેમની સાથે ટીઆરબી જવાન મહેન્દ્રભાઈ પરમાર અને રજનીભાઈ મેણીયા પણ હતાં. ચેકિંગ દરમિયાન જીજે૧૦ઇડી-૭૬૧૩ નંબરનું એક મોટરસાઇકલ નીકળ્યું હતું. જેમાં આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોઇ નિયમ મુજબ દંડ ભરાવી ચલણ બનાવવાની પ્રક્રિયા ચાલુ કરાઇ હતી. ત્યારે ત્યાં સંજય ધામેચા નામનો અન્ય એક વાહન ચાલક આવી પહોંચ્યો હતો. આ શખ્સે પોલીસ કર્મચારીઓ પર આક્ષેપ કરી તમો બધા વાહન ચાલકોને ખોટી રીતે હેરાન કરો છો તેમ કહી વિડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહિલા પોલીસકર્મીએ તેની ઓળખ પુછી ત્યારે તેણે પ્રેસમાંથી હોવાનું જણાવ્યું હતું. સંજય ધામેચાએ જીજે૧૦ઇડી- ૭૬૧૩ નંબરના વાહનચાલકને પોલીસ વિરૂધ્ધ ઉશ્કેરી બોલાચાલી શરૂ કરી હતી.
જોતજોતામાં મામલો બિચકયો હતો અને સંજય ધામેચાએ મહિલા પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી, જેમાં સેજલબેનને કાંડાના ભાગે મુંઢ ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન તેનો મોબાઈલ ફોન નીચે પડી જતા તેણે ફોન તુટી ગયાનો આક્ષેપ કરી વળતરની માંગણી સાથે વધુ હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ ટ્રાફિક કંટ્રોલ રૂમને કરવામાં આવતા ઇન્ચાર્જ પીએસઆઇ ડી.પી.ગોહીલ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે જ્યારે સંજય ધામેચા પાસે પ્રેસનું આઈ કાર્ડ માંગ્યું ત્યારે તેની પાસે કોઈ ઓળખપત્ર નહોતું અને તે કોઈ પ્રેસનું નામ પણ આપી શકયો નહોતો. બનાવને કારણે ટ્રાફિક પણ જામ થઇ ગયો હોઇ તે ક્લીયર કરાવાયો હતો.
ફરિયાદી હેડકોન્સ. સેજલબેને જણાવ્યું હતું કે અગાઉ વાહન ચેકિંગમાં આ સંજયને રોકાયો હોઇ જેથી ખાર રાખી હોવાનો ખાર પ્રેસની ખોટી ઓળખ આપી, પોલીસ સાથે ઝપાઝપી કરી, ઈજા પહોંચાડી અને સરકારી ફરજમાં રૂકાવટ કરી હતી. સંજય તેમજ અજાણ્યા વાહનચાલક સામે પણ ગુનો નોંધાયો હતો. આજીડેમના હેડકોન્સ. બી. જે. વાઘેલાએ કાર્યવાહી કરી હતી.
(2:45 PM IST)










