તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
જે વિદ્યાર્થી પરિશ્રમને મિત્ર બનાવે છે, એ સફળતાને ગુલામ બનાવે છેઃ ઉદય કાનગડ
અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે ધો. ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે ‘પરિશ્રમ એ જ પારસમણિ' સેમિનાર યોજાયોઃ શૈલેષ સગપરિયાએ માર્ગદર્શન આપ્યું

રાજકોટઃ આગામી માર્ચ-૨૦૨૬માં યોજાનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે રાજકોટના અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે પરિશ્રમ એ જ પારસમણિ મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિધાનસભા-૬૮ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા દ્વારા આયોજિત આ સેમિનારનું ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયાએ કર્યું હતું.
જીવનમાં ગુણાંક કરતા ગુણો મહત્વનાઃ ઉદય કાનગડ
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ધારાસભ્ય શ્રી ઉદય કાનગડએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો હેતુ માત્ર પરીક્ષામાં સફળતા અપાવવાનો નહીં પણ જીવનના પડકારો સામે અડગ રહેવાનો આત્મવિશ્વાસ કેળવવાનો છે. તેમણે કહ્યું કે, જે વિદ્યાર્થી પરિશ્રમને મિત્ર બનાવે છે, એ સફળતાને ગુલામ બનાવે છે. જીવનમાં આગળ વધવા માટે માર્કશીટના ગુણાંકથી વધુ મહત્વપૂર્ણ ગુણો, સંઘર્ષ, સહનશીલતા અને આત્મવિશ્વાસ છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, માતા-પિતાની આશા અને શિક્ષકોની મહેનત એ વિદ્યાર્થીઓના ખભા પરનો ભાર નથી, પરંતુ 'માનનો તાજ' છે. પરીક્ષા એ જીવનના ગ્રંથનો માત્ર પ્રથમ અધ્યાય છે, અંત નથી. પીએમ મોદીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનો સંદર્ભ આપતા તેમણે કહ્યું કે વિદ્યાર્થીનું માનસિક સ્વાસ્થ્ય શૈક્ષણિક સફળતા જેટલું જ મહત્વનું છે.
યુવા ઉર્જાને દિશા મળે તો ચમત્કાર સર્જાયઃ શૈલેષ સગપરિયા
જાણીતા વક્તા શૈલેષ સગપરિયાએ વિદ્યાર્થીઓને ભયમુક્ત બની પરીક્ષા આપવાની શીખ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થીકાળમાં યુવાનોની ઉર્જાને યોગ્ય સમયે સાચું માર્ગદર્શન મળે તો જ્ઞાન અને કૌશલ્યના સમન્વયથી ચમત્કારિક પરિણામો મેળવી શકાય છે. તેમણે વિદ્યાર્થીઓને માર્કશીટ કરતા જીવનમૂલ્યોને વધુ મહત્વ આપવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પરીમલભાઈ પરડવા, પ્રજાપતિ સમાજના અગ્રણી ગોરધનભાઈ કાપડીયા, ઉદ્યોગપતિ રાજુભાઈ ગોસ્વામી, મનિષભાઈ વસોયા અને વિશાલભાઈ હિરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડો. માધવ દવે, મેયર નયનાબેન અને ટપુભાઈ લીંબાશીયાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ સેમિનારનો લાભ લીધો હોવાનું એક યાદીમાં જણાવાયું છે.(૩૮.૩૮)
(3:34 PM IST)










