તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd January 2026
ઉલ્ટી કરતી વખતે ચોથા માળેથી પડી જતાં રફીકભાઇ દલનું મોત
બાલાજી હોલ પાસે આવાસ ક્વાર્ટરમાં બનાવથી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨: શહેરના ૧૫૦ રીંગ રોડ બાલાજી હોલ પાસે સાગર ચોકમાં આવેલા આવાસ યોજના ક્વાર્ટરમાં ચોથા માળે ભાડેથી રહેતાં રફીકભાઇ અબ્દુલભાઇ દલ (ઉ.વ.૪૦) રાતે સાડા દસેક વાગ્યે ચોથા માળે બાલ્કનીમાંથી ઉલ્ટી કરતી વખતે બેલેન્સ ગુમાવતાં પડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને કરી હતી. ગંભીર ઇજા પામનારા રફીકભાઇ સારવાર હેઠળ હોઇ સવારે તેણે દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર રફીકભાઇ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક દિકરી છે. પોતે નમકીન કંપનીમાં ટ્રક ડ્રાઇવર તરીકે નોકરી કરતાં હતાં. સગાએ જણાવ્યું હતું કે રાતે ઘરે આવ્યા હોઇ ઉલ્ટી થતાં ક્વાર્ટરના ચોથા માળે બાલ્કનીમાં જઇ ઉલ્ટી કરતાં હતાં ત્યારે બેલેન્સ ગુમાવતાં નીચે પડી ગયા હતાં.
(3:01 PM IST)










