તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st January 2026
આ મકાન મારું છે જેમ તોડવું હશે તેમ તોડીશ...ભાડાનું મકાન તોડવાનો પ્રયાસ
ભોમેશ્વરમાં રહેતાં શિક્ષીકા કેરોલબેનની ફરિયાદ પરથી વિજય અગ્રાવત, ગોપાલ અગ્રાવત અને કરણ અગ્રાવત સામે ગુનો

રાજકોટ તા. ૧: શહેરના ભોમેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખાનગી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મહિલાના મકાન પર જેસીબી ફેરવી દઈ, ઘરવખરીનો સામાન બહાર ફેંકી નુકસાન પહોંચાડવા અંગે ત્રણ શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ૭૦ વર્ષથી ભાડે રહેતા પરિવારને મકાન ખાલી કરાવવા માટે આ હુમલો કરાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ભોમેશ્વર પ્લોટ શેરી નં. ૧૩ માં રહેતા કેરોલબેન ઇગ્નેશભાઈ ડીસોઝાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ છેલ્લા ૭૦ વર્ષથી રૂ. ૧૩ ના ભાડાથી આ મકાનમાં રહે છે. ગત તા. ૨૯/૧૨ના રોજ બપોરે જ્યારે તેઓ કામ સબબ ગ્રીનલેન્ડ ચોકડી ગયા હતા, ત્યારે પાડોશમાં રહેતા વિજયભાઈ અગ્રાવત, ગોપાલભાઈ અગ્રાવત અને કરણભાઈ અગ્રાવત જેસીબી મશીન લઈને તેમના ઘરે પહોંચ્યા હતા. આ શખ્સોએ ઘરનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલી ઘરવખરી તથા સામાન બહાર ફેંકી દીધો હતો. એટલું જ નહીં, જેસીબી વડે રસોડા અને બાથરૂમની દીવાલ તેમજ મકાનની છત તોડી પાડી નુકસાન પહોંચાડ્યું હતું. જ્યારે કેરોલબેન ઘટનાસ્થળે પહોંચ્યા અને પૂછપરછ કરી, ત્યારે આરોપીઓએ આ મકાન મારું છે, મારે જેમ તોડવું હોય તેમ તોડીશ તેમ કહી ધાકધમકી આપી હતી.
ફરિયાદીએ વધુમાં જણાવ્યા મુજબ ત્રણેક મહિના પહેલા આરોપીઓએ મકાન ખાલી કરવા માટે દબાણ કર્યું હતું. જો કે મકાન માલિકી અંગેના કોઈ પુરાવા માંગતા તેઓ આપી શકયા ન હતા. કેરોલબેન હાલમાં પણ મકાનનું ભાડું પોસ્ટ મારફતે મૂળ માલિક નંદુબેન વેકરીયાને મોકલે છે. કોઈ પણ પ્રકારની કાયદેસરની નોટિસ આપ્યા વગર જ આ પ્રકારે મકાન તોડવાની કોશિશ કરવામાં આવી હતી. ગાંધીગ્રામ પોલીસે આ મામલે વિજયભાઈ, ગોપાલભાઈ અને કરણભાઈ અગ્રાવત વિરૂધ્ધ ગેરકાયદેસર પ્રવેશ, મિલકતને નુકસાન અને મદદગારી કરવા અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4:30 PM IST)










