<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

મવડીની માટેલ સોસાયટીમાં દસ જ વર્ષની માહીનું હૃદય બેસી જતાં મોત!

મવડીની શાળામાં ચોથા ધોરણમાં અભ્‍યાસ કરતી હતીઃ બે દિવસથી તાવ હતોઃ એક ઉલ્‍ટી થઇ અને બેભાન થઇ ગઇઃ હોસ્‍પિટલમાં મૃત જાહેર કરવામાં આવીઃ સબાડ પરિવારે લાડકવાયી ગુમાવતાં શોકની કાલીમાઃ મુળ વતન પડધરીના રોજીયા ગામે અંતિમવિધી

રાજકોટ તા. ૩૧: હૃદય એકાએક બંધ પડી જવાથી મૃત્‍યુની ઘટનાઓ સતત વધી ગઇ છે. વયોવૃધ્‍ધ તો ઠીક આધેડ, યુવાન વયના અને બાળકોના હૃદય પણ ઓચીંતા બંધ પડી જતાં મૃત્‍યુ થઇ રહ્યા છે. આ વચ્‍ચે મવડી વિસ્‍તારમાં રહેતાં પરિવારની ૧૦ જ વર્ષની દિકરીનું હૃદય બંધ પડી જવાથી મોત થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ મવડીની માટેલ સોસાયટી-૬માં રહેતાં મનોજભાઇ દાનાભાઇ સબાડ અને રંજનબેન મનોજભાઇ સબાડની દિકરી માહી (ઉ.વ.૧૦)ને ગઇકાલે ઘરે રમતી હતી ત્‍યારે એક ઉલ્‍ટી થઇ હતી. આ પછી તરત તે બેભાન જેવી થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. પરંતુ તબિબે તેણીને મૃત જાહેર કરતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હાર્ટએટેક આવી ગયાનું તારણ નીકળ્‍યું હતું.

મૃત્‍યુ પામના માહીના મોટા બાપુ મેરામભાઇ દાનાભાઇ સબાડે જણાવ્‍યું હતું કે માહી એક ભાઇથી નાની હતી અને મવડીમાં આવેલી એસકેપી સ્‍કૂલમાં ધોરણ-૪માં અભ્‍યાસ કરતી હતી. માહીના પિતા મનોજભાઇ સબાડ ખેતીવાડી કરે છે. મેરામભાઇએ વધુમાં કહ્યું હતું કે બે દિવસથી માહીને થોડો તાવ હોઇ દવા ચાલુ હતી. ગઇકાલે એક જ ઉલ્‍ટી થઇ હતી અને તેણીનું મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું તબિબે અમને  જણાવ્‍યું હતું. સ્‍વ. માહીના મૃતદેહની અંતિમવિધી મુળ વતન પડધરીના રોજીયા ગામે કરવામાં આવી હોવાનું પણ મેરામભાઇએ કહ્યું હતું. આ ઘટનાથી માટેલ સોસાયટીમાં પણ અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

(4:30 PM IST)