<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

૩૧મીની ઉજવણીમાં કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે પોલીસ એલર્ટ

રાતે દારૂ ઢીંચી, નશીલા દ્રવ્‍યોનું સેવન કરી નીકળનારાઓનું આવી બનશે આગલી રાતથી જ બ્રેથ એનલાઇઝરની મદદથી નશાખોરોને શોધવા પોલીસની કવાયતઃ ડીસીપી હેતલ પટેલે ટીમો સાથે રહી ચેકીંગ કર્યુઃ ૧૧ સ્‍થળે ડાન્‍સ-ડીનરના આયોજનઃ ૧૦૬૭ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓનો કાફલો સતત પેટ્રોલીંગમાં રહેશે

રાજકોટઃ આજે શહેરમાં વીતી રહેલા વર્ષને બાય-બાય કરી નવા વર્ષ-૨૦૨૬ને આવકારવા માટે ઠેકઠેકાણે ડાન્‍સ-ડીનર પાર્ટીના આયોજનો થયા છે. શહેરમાં ૧૧ સ્‍થળે કોમર્શીયલ આયોજનો થયા છે. તો અનેક લોકો પોતાની રીતે પરિવારજનો, મિત્રો સાથે ખાનગીમાં પણ ઉજવણી કરશે. થર્ટી ફર્સ્‍ટની ઉજવણી શાંતિપુર્વક થાય અને કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે પોલીસે પહેલેથી જ આયોજન કરી લીધું છે. ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૦ પીઆઇ, ૬૦ પીએસઆઇ, ૪૯૩ પોલીસ કર્મચારીઓ, ૮૯ મહિલા પોલીસ તેમજ હોમગાર્ડ-ટીઆરબી મળી ૧૦૬૭નો સ્‍ટાફ શહેરભરમાં પેટ્રોલીંગ કરી કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટેની કાર્યવાહી કરશે. દારૂ પીને નીકળનારા, છાકટાવેડા કરનારા, માદક પદાર્થનો નશો કરનારાઓને શોધીને કાયદાનું ભાન કરાવાશે. ઉજવણીના કોમર્શીયલ આયોજનોમાં પણ પોલીસની ટીમો ઓચીંતા ચેકીંગ કરી ગેરકાયદે પ્રવૃતિ નજરે પડશે તો કાર્યવાહી કરશે. નશાખોરોનો નશો ઉતારવા પોલીસ શહેરના મુખ્‍ય માર્ગો, નાકાઓ, ચેકપોસ્‍ટો પર ખાસ બ્રેથએનલાઇઝરથી ચેકીંગ કરશે. માદક દ્રવ્‍યોનો નશો કરનારાઓને પકડવા એસઓજીની ટીમો એફએસએલ અધિકારીઓ અને ખાસ કીટ સાથે મેદાને ઉતરશે. પોલીસ કમિશનર, જોઇન્‍ટ પોલીસ કમિશનરની સીધી દેખરેખ હેઠળ બંદોબસ્‍ત જાળવવામાં આવશે. ૩૧મીની આગલી રાતે જ ઝોન-૧ ડીસીપી હેતલ પટેલ અને આ ઝોન હેઠળના પોલીસ સ્‍ટેશનોના અધિકારીઓ, ટીમોએ ચેકીંગની શરૂઆત કરી દીધી હતી જે તસ્‍વીરોમાં જોઇ શકાય છે. આજે પણ રાતથી સવાર સુધી પોલીસ શહેરભરમાં પેટ્રોલીંગ કરશે. લોકો શાંતિથી ઉજવણી કરે અને માદક દ્રવ્‍યો-કેફી દ્રવ્‍યોના સેવનથી દુર રહે તેવો પોલીસે વધુ એક વખત અનુરોધ કર્યો છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:21 PM IST)