<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th December 2025

માધાપર બ્રીજ નીચે ફૂટપાથ પર રહેતાં પરિવારની ૧૬ વર્ષની દિકરીનું અપહરણ

મનમોહન મારબલ સામે ઝૂપડામાં રહેતો દિલીપ પરમાર ભગાડી ગયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ કણકોટ રોડ પર ઝૂપડામાં રહેતી ૧૨ વર્ષની બાળા ભંગાર વીણવા નીકળ્‍યા બાદ ગાયબઃ તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૩૦: શહેરના જામનગર રોડ પર મનમોહન મારબલ સામે ઝૂપડામાં પરિવાર સાથે રહેતો દિલીપ કાનાભાઇ પરમાર નામનો શખ્‍સ માધાપર ચોકડી ઓવર બ્રીજ નીચે ફૂટપાથ પર રહેતાં પરિવારની ૧૬ વર્ષની દિકરીને ભગાડી જતાં આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી પાસે ઓવર બ્રીજ નીચે ફૂટપાથ પર દસેક વર્ષથી રહેતાં અને છુટક મજૂરી કરતાં આધેડની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદીએ જણાવ્‍યું છે કે હું પત્‍નિ અને બે દિકરા, બે દિકરી સાથે અહિ રહુ છું. તા. ૨૨/૧૧ના રોજ અમે બધા ફૂટપાથ પાસે સુતા હતાં. રાતે અઢી વાગ્‍યે મારી ઉંઘ ઉડી જતાં ત્રીજા નંબરની દિકરી કે જે ૧૬ વર્ષની છે તે જોવા મળી નહોતી. જેથી મારા પત્‍નિને જગાડીને વાત કરી હતી. અમે બધે શોધખોળ કરી હતી અને સગા સંબંધીને ત્‍યાં તપાસ કરી હતી પણ દિકરીનો પત્તો મળ્‍યો નહોતો.

બાદમાં થોડા દિવસ પછી ખબર પડી હતી કે અમારી જ જ્ઞાતિના કાનાભાઇ પરમારનો દિકરો દિલીપ પણ તેના ઘરેથી ગાયબ છે. જામનગર રોડ પર મનમોહન મારબલ સામે ઝુપડુ બાંધીને રહેતાં કાનાભાઇના ઘરે ગયા હતાં અને તમારો દિકરી મારી દિકરીને લઇને જતો રહ્યો છે તેમ કહેતાં તેણે પોતાને આ બાબતે ખબર નથી તેમ કહી દીધુ હતું. જો કે તેણે પોતાના સગાવહાલાઓને પોતાના દિકરા અને અમારી દિકરીને શોધવા ભલામણ કરી હતી. અમે આજ સુધી શોધખોળ કરવા છતાં અમારી દિકરી મળી ન હોઇ અંતે અપહરણની ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં ફરિયાદીએ કહેતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એસ. બી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં મુળ દાહોદના અને હાલ કણકોટ રોડ પર રેતીના સટાની પાસે ઝૂપડામાં  રહેતાં પરિવારની ૧૨ વર્ષ ૧૧ મહિનાની ઉમર ધરાવતી દિકરી ગાયબ થતાં તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદી મહિલાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને મજુરી કરુ છું. મારી સાથે ઝૂપડામાં મારા પત્‍નિ, દિકરો, દિકરી રહે છે. તા. ૨૮/૧૨ના સવારે આઠેક વાગ્‍યે હું અને મારા પતિ કડીયા કામ કરવા ગયા હતાં. આ વખતે ઘરે દિકરી-દિકરો એકલા હતાં અને શાળામાં રજા હતી. સાંજે અમે ઘરે આવ્‍યા ત્‍યારે અમારો દિકરો આસપાસ આટાફેરા કરતો હતો. અમે તેને પુછતાં તેણે કહેલું કે બહેન ક્‍યાંય મળતી નથી, હું તેને ગોતુ છું. આ પછી તેણે કહેલું કે સવારે આઠેક વાગ્‍યે તે ભંગાર વીણવા જવાનું કહીને ગયા પછી પાછી આવી નથી.   અમે દિકરીને શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરી હતી. તેમ મહિલાએ કહેતાં પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં એએસઆઇ નીલેષભાઇ ચાવડાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(2:21 PM IST)