<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

ડીએસપી બનાવી દેવાના નામે નવાગામના પશુપાલક સાથે ૧ાા કરોડની ઠગાઇમાં ફિલ્‍મ પ્રોડયુસર ઝડપાયો

સરકારમાં મોટા મંત્રી, ગૃહ વિભાગમાં મારી ઓળખાણ છે કહી ૧.૯૮ કરોડ મળવી લઇ ૮૮ લાખ પાછા આપી બીજી રકમ નહિ ચુકવી ઠગાઇ આચરી હતી : ક્રાઇમ બ્રાંચે કહેવાતા ગુજરાતી ફિલ્‍મના પ્રોડયુસર પાલીતાણાના વિક્કી ઉર્ફ વિવેકને સકંજામાં લીધોઃ હરિ ગમારાની શોધખોળ

રાજકોટ તા. ૨૯: નવાગામ રહેતાં પશુપાલકના દિકરાને પીએસઆઇ અને બાદમાં ડીએસપી બનાવી દેવાની લાલચ આપી ૧ કરોડ ૪૮ લાખની ઠગાઇના ગુનામાં ક્રાઇમ બ્રાંચે કહેવાતાં ગુજરાતી ફિલ્‍મના પ્રોડયુસર પાલીતાણામાં રહેતા વિવેક ઉર્ફે વિક્કી નામના શખ્‍સને પકડી લીધો છે. આ કોૈભાંડમાં તેનો સાથ આપનારા શખ્‍સ હરિગમારાની શોધખોળ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ નવાગામમાં રહેતાં જીલુભાઈ ભગાભાઈ ગમારા (ઉ.વ.૫૦)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હરી રાજા ગમારા (રહે. ઘેટી ગામ, પાલીતાણા) અને વિવેક ઉર્ફે વિકી પ્રવીણ (રહે. હરેક્રિષ્‍ના રેસિડેન્‍સી, પાલીતાણા)નું ં નામ આપી જણાવ્‍યું હતું કે તેઓ પશુપાલન તથા ખેતીકામ કરે છે. તેઓને સંતાનમા ત્રણ દિકરાઓ છે.  દસેક વર્ષ પહેલા તેઓ દ્વારકા ખાતે ગયેલ હતા તે વખતે તેમની મુલાકાત જ્ઞાતીના હરી ગમારા સાથે થયેલ હતી. ત્‍યાંથી બન્ને એકબીજાના સંપર્કમા આવેલ હતા. બાદ અવારનવાર મોબાઈલમાં વાતચીત થતી હતી. બાદમાં પારીવારીક સંબંધ બંધાયેલ હતા. આ પછી વર્ષ ૨૦૨૧-૨૨માં તે ઘરે આવેલ હતો તે વખતે તેણે કહેલું કે  હમણા પોલીસ ખાતામાં પીએસઆઈની ભરતી ચાલુ છે, તમારે તમારા દિકરાને પીએસઆઈની ભરતીમાં પાસ કરાવવો હોય તો અમને કહેજો મારી પાસે લાગવગ છે.

જેથી મોટા દિકરા રાહુલ માટે  હરીભાઈ સાથે પીએસઆઈ બનાવવા વાત કરેલ તો તેમણે કહેલ કે, તેમની સોસાયટીમા વિવેક દવે નામના વ્‍યક્‍તી રહે છે અને તે તેમના સારા મીત્ર છે અને તેમની રાજકીય નેતાઓ સાથે ખુબ જ સંપર્ક છે. તેઓના કહેવાથી તમારા દિકરાને પીએસઆઈમાં નોકરી મળી જશે. બાદમાં વિવેક દવે સાથે વાત કરાવેલ અને તેને પીએસઆઈની પરીક્ષામા પાસ કરાવવા માટે રૂ.૫૦ લાખ થશે તેમ કહેલ અને એડવાન્‍સ પેટે રૂ.૧૫ લાખ તાત્‍કાલીક આપવા પડસે અને બાકીના પૈસા પીએસઆઈનો ઓર્ડર આવ્‍યે આપવા પડસે, જેથી હરી ગમારા તથા વિવેક દવે પર ભરોસો આવતા હરી દ્વારા રૂ. ૧૫ લાખ આ વિવેકને રોકડા ઘરે આપેલ હતાં.

આ પછી પીએસઆઈની ભરતીનુ મેરીટ આવતા આ મેરીટમાં તેઓના દિકરાનું નામ આવેલ નહી, જેથી  આ હરીભાઈએ વિવેક સાથે વાત કરાવતા તેમણે કહેલ કે, મારે જેના દ્વારા સેટીંગ કરવાનુ હતુ, તે સાહેબ મરણ ગયેલ છે, પરંતુ તમે ચીંતા ના કરો તમે તમારા પૈસા પરત લઈ જાવ હું કોઈ બીજી નોકરીમા સેટીંગ કરૂ છુ. બાદમા તેઓ ભાવનગર ખાતે ગયેલ અને આ હરીભાઈએ રૂ.૧૪ લાખ પરત આપેલ અને રૂ.૧ લાખ બાબને કહેલ કે તે પૈસા ભલે વિવેકભાઈ પાસે ખર્ચા પેટે રહેલ તે તમારા દિકરા માટે બીજી કોઈ નોકરીમા સેટીંગ કરે છે. બાદમાં હરીભાઈ તથા વિવેક બન્ને ઘરે આવેલ અને  કહેલ કે, ભારત સરકારના મોટા મોટા મંત્રીઓ સાથે સંબંધ છે જેથી હવે તમારા દિકરાને ડાયરેક્‍ટ ડીએસપીનો ઓર્ડર તે કરાવી આપશે.  પરંતુ આ વખતે તમારે રૂ.૨.૩૬ કરોડ રૂપીયા આપવા પડશે અને એડવાન્‍સમા રૂ.૫૦ લાખ આપવા પડશે.

થોડાક દિવસો બાદ અલગ અલગ તારીખે કુલ રૂ.૩૭,૭૬,૩૬૬ તેઓને મોકલેલ હતાં. દરમિયાન હરિ ગમારાનો ફોન આવેલ કે તમારા દિકરાનો ડીએસપીનો ઓર્ડર તૈયાર છે, પરંતુ આપણે બાકીના આપવાના પૈસા તાત્‍કાલીક આપવા પડશે નહીતર ઓર્ડર નહી આવે, જેથી બાકીના રૂ.૧,૯૮,૨૩,૬૩૪ રોકડા રૂપીયા આપેલ અને દિવસો જતા દિકરાનો ડીએસપીનો ઓર્ડર આવેલ નહી.

જેથી બંને આરોપી સાથે વાત કરી અવારનવાર મારા પૈસાની માંગણી કરતા તેમને  રૂ.૮૮ લાખ પરત આપેલ અને બાકીના નિકળતા રૂ.૧.૪૮ કરોડ ન આપી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે ગુનો નોંધી પીઆઈ ચિરાગ જાદવ અને ટીમે તપાસ આદરી પાલીતાણા રહેતાં વિવેક ઉર્ફે વિક્કી પ્રવીણને દબોચી કાર્યવાહી કરી હતી. જ્‍યારે વધું એક આરોપી હરી ગમારાની શોધખોળ યથાવત રાખી છે. પોલીસ સુત્રોના જણાવ્‍યા અનુસાર આરોપી વિક્કી અગાઉ ગુજરાતી ફિલ્‍મ પ્રોડયુસ કરી ચુક્‍યો છે. ચાર જેટલી ફિલ્‍મો તેણે પ્રોડયુસ કરી હતી. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ અને ટીમ વધુ તપાસ કરે છે

(2:57 PM IST)