<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

રૈયા રોડ શીવપરામાં ધોકા-બેટથી સાળા-બનેવીના પરિવાર વચ્‍ચે ધમાલઃ ૪ને ઇજા

સાહિલ, તેના પત્‍નિ યાસ્‍મીનબેન, સાહિલના બે સાળાઓને ઇજાઃ યાસ્‍મીનબેનને દિકરીની સ્‍કૂલ ફીના પૈસા મામલે માથાકુટ થયા બાદ ધમાલઃ ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી

રાજકોટ તા.૨૯: રૈયા રોડ હનુમાન મઢી પાછળ શીવપરામાં મારામારી થતાં સાહિલ ફિરોઝભાઇ કોચલીયા (ઉ.વ.૨૬) નામના રિક્ષાચાલક યુવાન પર હુમલો કરી ઇજાઓ પહોંચાડવામાં આવતાં સિવિલ હોસ્‍પિટલમાં  દાખલ થયો હતો. પોતાના પર વાવડીથી આવેલા તેના સાળા શાહરૂખ, સાસુ નસીમબેન સહિતે ધોકા-બેટથી હુમલો કર્યાનું તેણે કહેતાં સિવિલ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

સામા પક્ષે સાહિલના પત્‍નિ યાસ્‍મીનબેન કોચલીયા (ઉ.વ.૨૩) પણ સારવાર માટે દાખલ થતાં આ અંગે પોલીસને જાણ કરાઇ હતી. તેણીએ પોતાના પર પતિ સાહિલ, દિયર નદીમ અને સાસુ જોહરાબેને હુમલો કરી ધોકા-ઢીકાપાટુનો માર માર્યાનું કહ્યું હતું. તેણીના ભાઇઓ વાવડી રહેતાં શાહરૂખ હનીફભાઇ કુરેશી (ઉ.વ.૩૬) અને આસીફ હનીફભાઇ કુરેશી (ઉ.વ.૨૩) પણ હોસ્‍પિટલે પહોંચતા પ્રાથમિક સારવાર અપાઇ હતી.

યાસ્‍મીનબેન પારકા ઘરના કામ કરે છે. દિકરીની સ્‍કૂલ ફી ભરવા માટે બસ્‍સો રૂપિયા ઘટતાં હોઇ તેણે માંગતા ઘરમાં બોલાચાલી થઇ હતી. બાદમાં તેણીના ભાઇ સહિતના માવતર પક્ષના લોકો વાવડીથી શીવપરામાં આવતાં બંને પક્ષે બોલાચાલી બાદ મારામારી થઇ હતી. ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી.

(2:56 PM IST)