<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

મુક બધીર બાળાને બગીચામાં લઇ જઇ ફોટા પાડયાઃ બ્‍લેકમેઇલ કરી સગીરા અને તેના બોયફ્રેન્‍ડ ઋત્‍વીકે પડાવ્‍યા ૭.૭૦ લાખ!

રાજકોટનો ચોંકાવનારો બનાવઃ ભક્‍તિનગર પોલીસે પોક્‍સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો : લગ્ન પ્રસંગ માટે ઘરમાં રાખેલા નાણા ગાયબ થતાં ઘરના સભ્‍યોની પુછતાછ થતાં મુક બધીર દિકરીએ સાંકેતિક ભાષામાં ઘટના જણાવીઃ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ ગોહિલ, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. પ્રશાંતસિંહે ગુનો દાખલ કરી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ કરી

રાજકોટ તા. ૨૯: શહેરમાં એક ચોંકાવનારો બનાવ બન્‍યો છે. જેમાં જન્‍મથી જ મુક બધીર એવી ૧૭ વર્ષની સગીરાને એક સગીરાએ પોતાના બોયફ્રેન્‍ડ સાથે મળી કાવત્રામાં ફસાવી બગીચામાં લઇ ગયા બાદ આ મુક બધીર સગીરાના ફોટા પાડી લઇ અડપલા કરી લઇ વાયરલ કરવાની ધમકી દઇ ૭ લાખ ૭૭ હજાર પડાવી લીધા છે. આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ભોગ બનનાર ૧૭ વર્ષની મુક બધીર સગીરાના માતાની ફરિયાદ પરથી એક સગીરા અને ઋત્‍વીક નામના તેના બોયફ્રેનડ  સામે ગુનાહિત કાવત્રુ ઘડી મુકબધીર યુવતિના મોબાઇલમાં ફોટા પાડી લઇ વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવી લઇ તેમજ શારીરિક અડપલા કરી, જાતીય સતામણી કર્યાનો ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

 જાણવા મળેલી વિગતો મુજબ ભક્‍તિનગર પોલીસે આ બનાવમાં નોંધેલી ફરિયાદમાં ફરિયાદી મહિલાએ જણાવ્‍યું છે કે મારા સંતાન પૈકીમાં એક દિકરી જે સત્તર વર્ષની છે તે જન્‍મથી જ મુક-બધીર છે એટલે કે બોલી કે સાંભળી શકતી નથી. તેને અમે કોઇ શાળામાં ભણાવી નથી, પરંતુ હું તેની સાંકેતીક ભાષા સમજી શકુ છું. અમાર લગ્ન પ્રસંગ આવી રહ્યો હોઇ જેથી અમે ઘરમાં રૂા. ૭,૭૦,૦૦૦ રાખ્‍યા હતાં. આ રૂપિયા મેં ઘરમાં પલંગ-સેટીની અંદર મુકી દીધા હતાં. તે વખતે મારી દિકરી પણ હાજર હતી. બાદમાં તા. ૧/૧૨ના રોજ સાંજે પાંચેક વાગ્‍યે વાગ્‍યેઅમારે ઘરેલા લેવા માટે જવું હોઇ જેથી હું સેટીમાં રાખેલા પૈસા કાઢવા જતાં આ પૈસા જોવા મળ્‍યા નહોતાં.

બાદમાં ઘરના બધા સભ્‍યોને આની જાણ કરી હતી અને પૈસાની શોધખોળ કરી હતી. પરંતુ મળ્‍યા નહોતાં. જે તે વખતે લગ્ન પ્રસંગ હોવાથી કામકાજમાં રોકાઇ ગયા હોઇ પોલીસને જાણ કરી નહોતી. બાદમાં પ્રસંગ પુરો થતાં મારી મુક બધીર દિકરીએ મને સાંકેતીક ભાષામાં જણાવ્‍યું હતું કે પાડોશમાં રહેતી સગીરા અને તેનો બોયફ્રેન્‍ડ મિત્ર ઋત્‍વીક મને બગીચામાં લઇ ગયા હતાં. જ્‍યાં સગીરાએ મારા અને ઋત્‍વીકના ફોટા પાડી લીધા હતાં. તે વખતે ઋત્‍વીકે મને શારીરિક અડપલા પણ કર્યા હતાં.

બાદમાં આ વાત કોઇને કહેતી નહિ, નતિર તારા ફોટા તારા માતા-પિતા અને સગા સંબંધીને મોકલી દઇશું તેવી ધમકી આપી હતી. પછી મને બ્‍લેકમેઇલ કરી મારી પાસેથી સગીરા અને ઋત્‍વીકે કટકે કટકે રૂપિયા પડાવી લીધા હતાં. સેટીમાં તમે રાખેલા રૂપિયા મેં આ બંનેને આપી દીધા હતાં. બંનેએ કાવત્રુ રચી મારી પાસેથી આ રકમ પડાવી લીધી હતી.

દિકરીની આ વાત સાંભળી માતા ચોંકી ગયા હતાં અને ઘરના બીજા સદસ્‍યોને જાણ કરી બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. સગીરા અને તેના બોયફ્રેન્‍ડે મળી મારી દિકરીને બગીચામાં લઇ જઇ ઋત્‍વીક મારી દિકરી સાથે બેઠો હોઇ અને અડપલા કરતો હોય તેવા ફોટા પાડી લઇ તે વાયરલ કરવાની ધમકી દઇ ડરાવી ધમકાવી મારી દિકરી પાસેથી નાણા પડાવી લીધા હતાં. તેમ વધુમાં મહિલાએ જણાવતાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, પ્રશાંતસિંહ નટવરસિંહે ગુનો નોંધતાં આગળની તપાસ પીએસઆઇ જે. જે. ગોહિલ ચલાવી રહ્યા છે. આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્‍યું છે. (૧૪.૫)

(2:29 PM IST)