તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th December 2025
રાજકોટમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ૧૩.૭૧ લાખની છેતરપિંડી
ટૂર ટ્રાવેલ્સના ધંધાર્થી મોહનભાઈ ચાંડપા સાથે મિત્ર હર્ષદીપ ખાચર સહિતે ઠગાઈ કર્યાની પ્ર. નગર પોલીસમાં ફરિયાદ: જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી

રાજકોટ: શહેરના નાના મવા મેઈન રોડ પર રહેતા અને ટુરિઝમનો વ્યવસાય કરતા એક ટૂર ટ્રાવેલ્સ સંચાલક સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપી રૂ. ૧૩.૭૧ લાખની છેતરપિંડી તેના જ મિત્ર દ્વારા આચરવામાં આવી હોવાની ફરિયાદ પ્રદ્યુમન નગર પોલીસ મથકે નોંધાઈ છે.
બનવાની જાણવા મળેલી વિગતો મુજબફરિયાદી મોહનભાઈ લક્ષ્મણભાઈ ચાંડપા (ઉ.વ. ૪૫) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે એક માસ પૂર્વે તેમના મિત્ર મારફતે રાજકોટના હર્ષદીપભાઈ ખાચર (રહે. આસ્થા એવન્યુ, સેટેલાઈટ ચોક) સાથે પરિચય થયો હતો. હર્ષદીપે મોહનભાઈને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાથી ૭% થી ૩૦% સુધીના નફાની લાલચ આપી હતી. બાદ ગત તા. ૦૨/૧૨/૨૦૨૫ ના રોજ હર્ષદીપભાઈ અને ભાવનગરના જયવીરભાઈ એ ફોન પર વાતચીત કરી ૧૫,૦૦૦ USDT ખરીદવા માટે રૂ. ૧૩,૭૧,૦૦૦ ની માંગણી કરી હતી. વિશ્વાસમાં આવીને મોહનભાઈએ યાજ્ઞિક રોડ પર આવેલી એક આંગડિયા પેઢી મારફતે સુરત ખાતે આ રકમ ટ્રાન્સફર કરાવી હતી
સાંજ સુધીમાં નફા સાથે રકમ પરત આપવાનો વાયદો કર્યો હોવા છતાં, જ્યારે મોહનભાઈએ પૈસાની માંગણી કરી ત્યારે હર્ષદીપભાઈ અને તેની સાથે આવેલા ઉકાભાઈ નામના શખ્સે ઉશ્કેરાઈને ગાળો આપી હતી. આરોપીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, "પૈસા ભૂલી જજો, પાછા આપવાના થતા નથી." એટલું જ નહીં, હર્ષદીપભાઈએ મોહનભાઈને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી "તારાથી થાય તે કરી લે" તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે મોહનભાઈ ચાંડપાની ફરિયાદના આધારે પ્રદ્યુમન નગર પોલીસે. હર્ષદીપભાઈ ખાચર (રાજકોટ), જયવીરભાઈ (ભાવનગર) અને ઉકાભાઈ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ વી. આર. વસાવાની રાહબરીમાં હેડકોન્સ. એન.કે. વાળા ચલાવી રહ્યા છે.
(10:00 AM IST)










