તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th December 2025
જિલ્લા પંચાયત કચેરીના ખર્ચનો ‘વચગાળા'નો અહેવાલ રજુઃ જરૂરી કાર્યવાહી માટે ઇજનેરને ડી.ડી.ઓ.ની સૂચના
સ્થળાંતર અને મરામતમાં કંઇક ખોટુ થયાનું પ્રાથમિક તારણ

રાજકોટ, તા. ર૬: જિલ્લા પંચાયતની જુની કચેરીનું કામચલાઉ કચેરી જુની કોર્ટ બિલ્ડીંગ ખાતે સ્થળાંતર કરવામાં અને કોર્ટ બિલ્ડીંગમાં મરામત કરવામાં ૮૪ લાખ જેટલો ખર્ચ થતા હોબાળો મચેલ. વિપક્ષ કોંગ્રેસે આ કામમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરેલ. પદાધિકારીઓની ભલામણ મુજબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદે એ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રિયંક ગલચરની આગેવાનીમાં ત્રણ અધિકારીઓની તપાસ સમિતિ રચેલ. આ સમિતીએ ત્રણ મહિના બાદ હવે ડીડીઓને વચગાળાનો અહેવાલ આપ્યો છે. અંદાજીત ૮૪ લાખના ખર્ચ પૈકી ર૦ લાખ રૂપિયા જેટલી રકમ ચુકવાય ગઇ છે. બાકીના હજુ બીલ રજુ થયા નથી. કામના પ્રમાણ, વહીવટી પ્રક્રિયા અને કામના ભાવમાં કયાંક ખોટુ થયાનો અહેવાલમાં ઉલ્લેખ હોવાનુ જાણવા મળેલ છે. આખરી અહેવાલ બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
તપાસ સમિતીએ વચગાળાનો અહેવાલ આપેલ તે જોઇને ડીડીઓએ પંચાયતના કાર્યપાલક ઇજનેરને તે મોકલી દીધેલ છે. અહેવાલના આધારે આગળની જે કાર્યવાહી કરવાની નથી હોય તે કરવા માટે તેમણે ઇજનેરને સુચના આપી છે.
વિપક્ષી નેતા મનસુખ સાકરીયાએ સોમવાર સુધીમાં અહેવાલ રજુ ન થાય તો ઉપવાસ આંદોલન શરૂ કરવાની ચિમકી આપેલ. હવે વચગાળાના અહેવાલ બાબતે શાસક અને વિપક્ષ શુ કરે છે ? તે જોવાનું રહયું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે તપાસ સમિતીનો વચગાળાનો અહેવાલ મળી ગયો છે. મેં તેનો સંપુર્ણ અભ્યાસ કર્યો નથી. હવે પછીની કામગીરી ઇજનેરના કાર્યક્ષેત્રમાં આવે છે. આ અહેવાલ કાર્યપાલક ઇજનેરને મોકલી અહેવાલના આધારે જે કાર્યવાહી કરવાની થતી હોય તે નિયમોનુસાર કરવા માટે મેં જણાવેલ છે. મારી કક્ષાએ કોઇ કાર્યવાહી કરવાની થતી હશે તો કરશું.(
(3:35 PM IST)










