તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th December 2025
પેલેસ રોડ પર શો રૂમમાં ગ્રાહક બનીને આવેલી બે મહિલા નજર ચુકવી સોનાનો પેન્ડલ સેટ ચોરી ગઇ
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇઃ એ-ડિવીઝન પોલીસે કલાકોમાં શકમંદને પકડી લીધી

રાજકોટ તા. ૨૬: શહરેના પેલેસ રોડ પર ભગવતી ફાસ્ટફૂડ સામે આવેલા નિલકંઠ જ્વેલર્સ નામના શો રૂમમાં ગ્રાહક બનીને આવેલી બે અજાણી મહિલાએ દાગીના જોવા માંગ્યા બાદ સ્ટાફની નજર ચુકવી સોનાનું પેન્ડલ સેટ બઠ્ઠાવી લીધું હતું અને ભાવ બાબતે રકઝક કરી આ દાગીનો ચોરી ભાગી ગઇ હતી. વેપારીએ જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી શકમંદ મહિલાને સકંજામાં લઇ લીધી છે.
આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક અક્ષર હાઇટ્સની સામે બંસી રેસીડેન્સી ફલેટ નં. ૪૦૨માં રહેતાં ધ્રુવીતભાઇ કેતનભાઇ ધોળકીયા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે અજાણી મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધ્રુવીતભાઇએ જણાવ્યું છે કે હું પરીવાર સાથે રહુ છુ અને પેલેસ રોડ પર આવેલ ભગવતી ફાસ્ટ ફૂડની સામે, નીલકંઠ જવેલર્સ નામથી સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ચલાવુ છુ અને આ શો રૂમમા મારા સંબંધી કંદર્પભાઇ ધોળકીયા ભાગીદાર છે. ૨૫મીએ બપોરના સમયે હું તથા મારા શો રૂમનો સ્ટાફ અમારા શો રૂમે હા જર હતા ત્યારે આશરે સવા ત્રણ વાગ્યાની આસપાસ બે અજાણી મહિલા અમારા શો રૂમે આવેલ અને તેમને એક સોના ની વાળી તથા એક સોનાનો પેન્ડન્ટ સેટ લેવો છે તેમ કહેતાં મારા સ્ટાફે તેમને વાળી તથા પેન્ડન્ટ સેટ બતાવ્યા હતાં. બાદ આ મહિલાઓએ વાળીનુ કોટેશન કઢાવેલ જેમાં તેમને ભાવ વધારે લાગતો હોઇ જેથી તેઓ બંને રકઝક કરી અને કોઇપણ ઘરેણા લીધા વગર જતી રહી હતી.
અમે તેમના નામ સરનામાની કોઈ નોધ કરી નહોતી. બાદ સાંજના આશરે પાંચ વાગ્યાની આસપાસ અમે અમારા શો રૂમનો સ્ટોક મેળવતા હતા ત્યારે અમારા સ્ટોકમા એક પેન્ડન્ટ સેટ (એક પેન્ડલ તથા એક જોડી બુટી) ઘટતા હોઇ દુકાનના કેમેરા ચેક કરતાં બપોરના સવા ત્રણથી ચાર વાગ્યા દરમ્યાન ગ્રાહક બનીને આવેલી બે અજાણી મહિલાઓ મારો સ્ટાફ તેમને સોનાની વાળી તથા સોના નો પેન્ડન્ટ સેટ બતાવતા હતા ત્યારે એક મહિલાએ અમારા સ્ટાફની નજર ચુકવી ચોરી છુપી રીતે એક પેન્ડન્ટ સેટ લઇ તેમની સાથે રહેલ એક નાના બોક્ષમા રાખી તે બોક્ષ તેના પર્સમાં રાખી બાદ થોડીવાર પછી અમારા શો રૂમમાથી આ બંને મહિલાઓ જતી રહેલ હોવાનુ દેખાયું હતું. આ પછી મેં ભાગીવદારને જાણ કરી પોલીસને જાણ કરી હતી. બંને મહિલા જે પેન્ડલ અને બુટી લઇ ગઇ તેની કિંમત રૂા. ૯૦ હજાર થાય છે.
એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં હેડકોન્સ. એન. બી. શિયાળે ગુનો નોંધતા હેડકોનસ. સંજયભાઇ ચોૈહાણે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ડી. સ્ટાફની ટીમે તપાસ હાથ ધરી શકમંદ મહિલા સોનલ હીરાભાઇ સોલંકી (ઉ.વ.૩૮-રહે. ભાવનગર રોડ ગંજીવાડા શેરી નં. ૨૨)ને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે ચોરી કર્યાનું ખુલતાં ધરપકડની તજવીજ કરવામાં આવી હતી.
(2:37 PM IST)










