News of Wednesday, 24th December 2025
કોઠારીયાના શ્રીજી ઇલેકટ્રીકવાળાએ સોલાર પેનલના નામે ૪ લોકોને છેતર્યા
સબસીડી અપાવવાની લાલચ દઇ અઢી લાખ ખાઇ ગયાનો આરોપઃ આજીડેમ પોલીસે કિશોરભાઇ વસોયાની ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૨૪: કોઠારીયા વિસ્તારમાં ઇલેકટ્રીકની દૂકાન ચલાવતાં શખ્સે સોલાર પેનલ ફીટીંગમાં સબસીડીના નામે ચાર લોકો સાથે ઠગાઇ કરી છે. આ બનાવમાં આજીડેમ પોલીસે કોઠારીયા ગામ ગોવીંદ ગ્રીનસીટી શેરી નં. ૪માં રહેતાં અને શાપરની ખાનગી કંપનીમાં નોકરી કરતાં કિશોરભાઇ ભીખાભાઇ વસોયા (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી કોઠારીયા સાઇબાબા સર્કલ પાસે શ્રીજી ઇલેકટ્રીક નામે દૂકાન ચલાવતાં મંથન દિનેશભાઇ સતાસીયા વિરૂધ્ધ સોલાર પેનલ ફટ કરાવી સબસીડી અપાવવાના નામે રૂ. ૨,૪૭,૦૦૦ની ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે.
દિનેશભાઈ ભીખાભાઈ વસોયાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ઓકટોબર ૨૦૨૪માં તેમણે સોલાર પેનલ નખાવવા માટે મંથન સતાસીયાનો સંપર્ક કર્યો હતો. મંથને ૩.૨૪ કિલોવોટની પેનલ બેસાડવા માટે રૂ. ૧,૫૪,૦૦૦નો ખર્ચ જણાવ્યો હતો અને ખાતરી આપી હતી કે સરકારની યોજના હેઠળ રૂ. ૭૮,૦૦૦ની સબસિડી તે મંજૂર કરાવી આપશે. દિનેશભાઈએ એપેકસ એન્ટરપ્રાઈઝના નામે ચેક આપ્યો હતો, જે વટાવી લેવા છતાં કામ કરવામાં વિલંબ થયો હતો અને અંતે સબસિડીના નાણાં પરત ન આવતા પોતાની સાથે ઠગાઇ થયાની ખબર પડી હતી.
આ પછી દિનેશભાઈએ વધુ તપાસ કરતાં ખબર પડી હતી કે તેમની જ શેરીમાં રહેતા લીલાવંતીબેન ધડુક પાસેથી પણ મંથને રૂ. ૧,૫૮,૦૦૦ લીધા હતા અને તેમને પણ સબસિડીના રૂ. ૭૮,૦૦૦ મળ્યા ન હતા. આ ઉપરાંત, સોલાર પેનલ ફીટ કરવાનું કામ કરતા લાલજીભાઈ રાઠોડ તથા વિશાલ કાળુભાઇ રાઠોડ પાસેથી પણ ઘરે સોલાર લગાવવા રૂ. ૧,૫૫,૦૦૦ ચુકવ્યા હતા પરંતુ સબસિડીથી વંચિત રહ્યા હતા. આ ઉપરાંત વિશાલભાઈ રાઠોડના મામા કાનજીભાઈ સિંધવ પાસેથી સોલાર પેનલ નાખવાના નામે રૂ. ૯૭,૦૦૦ ચેકથી અને તેમના સાળા સુરેશભાઈ ચાવડા પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦ રોકડા મંથન સતાસીયાએ લીધા હતા. આ કિસ્સામાં તો આરોપીએ નાણાં લીધા બાદ સોલાર પેનલ ફિટ પણ કરી ન હતી અને પૈસા પણ પરત આપ્યા ન હતા.
ભોગ બનનાર લોકોએ જ્યારે વારંવાર ઉઘરાણી કરી ત્યારે આરોપી મંથન સતાસીયા અલગ-અલગ બહાના બતાવતો હતો. અંતે તે પોતાની દુકાન બંધ કરી અને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી ગાયબ થઈ ગયો હતો. કુલ મળીને આશરે રૂ. ૨,૪૭,૦૦૦ સબસિડીના નાણાં અને એડવાન્સ રકમ મળીને ચાર લાખ થી વધુની છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી હતી. આજીડેમ એએસઆઇ એચ. વી. મારવાણીયા વધુ તપાસ કરે છે.
(2:47 PM IST)










