તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
રાજકોટના કરીમપુરા મેમણ જમાત ટ્રસ્ટમાં ગેરવહીવટ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોઃ મામલો વકફ બોર્ડમાં પહોંચ્યો
૧૦ વર્ષથી ઓડિટ રિપોર્ટ ન આપ્યાની અને ગેરકાયદેસર ચૂંટણી યોજ્યાની રાવ હિસાબ માંગતા સભ્યોને ધમકીઓ અપાતી હોવાનો આક્ષેપઃ વકફ બોર્ડ દ્વારા ૩૦મી ડિસેમ્બરે સુનાવણી

રાજકોટઃ અહીંના કરીમપુરા મેમણ જમાત ટ્રસ્ટના વહીવટકર્તાઓ સામે સમાજના જાગૃત નાગરિકોએ ગુજરાત રાજ્ય વકફ બોર્ડમાં લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. આક્ષેપ છે કે હાલના કબજેદારો દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી કોઈ ઓડિટ રિપોર્ટ જમા કરાવાયો નથી, તેમજ ટ્રસ્ટના બંધારણ વિરુદ્ધ જઈને ચૂંટણી યોજવામાં આવી છે. આ મામલે વકફ બોર્ડે નોટિસ ફટકારી હોવા છતાં જવાબદારો હાજર ન રહેતા તા. હવે ૩૦/૧૨/૨૦૨૫ ના રોજ ફરી સુનાવણી હાથ ધરાશે તેમ એક યાદીમાં જણાવ્યું છે.
રાજકોટ સ્થિત કરીમપુરા મેમણ જમાત ટ્રસ્ટ (રજી. નં. બી-૪૭૮, બી-૪૯૬, બી-૫૬૧) નો વહીવટ હાલ વિવાદોના વમળમાં સપડાયો છે. ટ્રસ્ટમાં ચાલી રહેલા ગેરવહીવટ, ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર રીતે યોજાયેલી ચૂંટણી મુદ્દે મેમણ જમાતના આગેવાનોએ ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય વકફ બોર્ડના ચેરમેન અને મુખ્ય અધિકારીને રૂબરૂ મળીને લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવાનું જણાવ્યું છે.
વકફ બોર્ડમાં કરાયેલી ફરિયાદ મુજબ, ટ્રસ્ટના હાલના આગેવાનોએ છેલ્લા ૧૦ વર્ષનું ઓડિટ રિપોર્ટ વકફ બોર્ડમાં જમા કરાવ્યું નથી. ગત તા. ૩૧/૦૮/૨૦૨૫ ના રોજ બોલાવવામાં આવેલી જનરલ મીટિંગમાં સમાજના સભ્યોએ હિસાબની માંગણી કરી હતી, પરંતુ કોઈ હિસાબ આપવામાં આવ્યો ન હતો. નિયમ મુજબ ટ્રસ્ટનું હિસાબી વર્ષ એપ્રિલથી માર્ચ સુધીનું હોય છે, જે અહીં યોગ્ય રીતે અનુસરવામાં આવતું નથી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૧૨/૧૦/૨૦૨૫ ના રોજ ફરીવાર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ટ્રસ્ટના બંધારણનું પાલન થયું ન હતું કે વકફ બોર્ડની મંજૂરી લેવાઈ ન હતી. ૧૯૮૨ બાદ આજાદિન સુધી કોઈ ફેરફાર રિપોર્ટ પણ વકફ બોર્ડમાં નોંધાયેલ નથી.
અરજદારો દ્વારા મુકવામાં આવેલા મુખ્ય આક્ષેપોમાં..
૧. વકફ સંસ્થાનો ઓડિટ રિપોર્ટ કે ઇન્કમટેક્સ રિટર્ન આજદિન સુધી જમા કરાવેલ નથી.
૨. સંસ્થામાં થતા બાંધકામ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ નથી કે તેનો હિસાબ જાહેર કરાયો નથી.
૩. વકફ એક્ટ મુજબ મિલકતોના ભાડા કરાર કરાયા નથી કે તેની આવક જાહેર કરાઈ નથી.
૪. વકફ ફાળો પણ કચેરીમાં ભરવામાં આવ્યો નથી.
૫. આજીવન સભ્યો જો હિસાબ માંગે તો તેમને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે.
આ રજૂઆતોને પગલે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા ટ્રસ્ટના હાલના કબજેદારોને નોટિસ પાઠવવામાં આવી હતી. ગત તા. ૧૦/૧૨/૨૦૨૫ ના રોજ સુનાવણી હતી, જેમાં તેઓ હાજર રહ્યા ન હતા. જેથી હવે બોર્ડ દ્વારા આગામી તા. ૩૦/૧૨/૨૦૨૫ ના રોજ હાજર રહેવા નોટિસ જારી કરવામાં આવી હોવાનું રજૂઆત કરનારાઓએ જણાવ્યું છે.
રજૂઆત કરનારા આગેવાનોમાં, મોસીન રફીકભાઈ આકબાણી, અસ્લમભાઈ જરીવાલા, ઈમરાન કામદાર, જાહીદ મજીદભાઈ ચામડીયા, સરફરાજ સીદીકભાઈ કુફાર, મહમ્મદસોયબ હનીફભાઈ નાગરીયા, રફીકભાઈ પુંજાણી અને અનશભાઈ ઝવેરી દ્વારા વકફ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી છે. તેમની માંગણી છે કે ગેરકાયદેસર કબજેદારો સામે કાયદાકીય કાર્યવાહી કરી, વકફ બોર્ડની દેખરેખ હેઠળ પારદર્શક ચૂંટણી યોજવામાં આવે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(4:15 PM IST)










