News of Tuesday, 23rd December 2025
વેપારીઓનો રોષનો પડધોઃ દબાણકારો ઉપર તુટી પડવાના આદેશો
લાખાજીરાજ રોડના દબાણો ઉપર ખાસ ઝુંબેશની તુષાર સુમેરાને અધિકારીને સુચના અધિકારીઓને સૂચના આપતા મ્યુ.કમિશનરઃ અગાઉ સામસામી રજૂઆત થતી એટલે ડ્રાઇવ ધીમી પડીઃ કોઇપણ પ્રકારનું દબાણ નહીં ચલાવાય તંત્રની સાફ વાત ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો.દર્શિતા શાહ તથા નેહલ શુકલની આગેવાનીમાં વેપારીઓની મ્યુનિ.કમિશનરને કાયમી સમસ્યા હટાવવા માંગ-રજૂઆત

વેપારીઓના આજીવીકા પ્રશ્ને મનપા ગંભીર : ઉકેલની ખાત્રી : રાજકોટ : જયારે પણ શહેરની જુનવાણી બજારનું નામ આવે ત્યારે લાખાજીરાજ રોડ માર્કેટ મોખરે આવે છે. ત્યારે આ બજારમાં આજીવીકાનો પ્રશ્ન ઉભો થતા આજે બપોર સુધી વેપારીઓએ બંધ પાળી, ધરણા કરી મ્યુ. કમિશનરને પાથરણાવાળાઓના ત્રાસમાંથી મુકતી અપાવવા રજુઆત કરી હતી. મ્યુ. કમીશનરને રજુઆત સમયે વેપારી આગેવાનો સાથે ધારાસભ્યો ડો. દર્શીતાબેન શાહ તથા રમેશભાઇ ટીલાળા અને વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર નેહલ શુકલ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત રાજકોટ-૬૮ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડે પણ વેપારીઓને ટેકો જાહેર કર્યો હતો. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા. ર૩: શહેરની ૧૦૦ વર્ષ જૂની લાખાજી રાજ માર્કેટ આજે બપોર ૧ વાગ્યા સુધી બંધ રાખી ૧૫૦૦ જેટલા વેપારીઓએ પોતાના વિરોધ નોંધાવ્યો છે. પાથરણા વાળાઓના દબાણના કારણે છેલ્લા પાંચ વર્ષથી વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે બાદ ધારાસભ્ય રમેશ ટીલાળા, ડો. દર્શિતા શાહ, કોર્પોરેટર નેહલ શુકલ તથા મોટી સંખ્યામાં વેપારીઓએ મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાને આ સમસ્યા કાયમી ઉકેલવાની માંગ સાથે રજુઆત કરી હતી.
વેપારીઓ વધુમાં જણાવ્યું કે, આ પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો એક અઠવાડિયા સુધી માર્કેટ બંધ એવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
આ અંગે મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ વેપારીઓને ખાત્રી આપતા જણાવ્યું હતુ કે, દબાણ હટાવવા મોટી ઝુંબેશ ચાલશે. અને નિયમીત મોટી ઝુંબેશ થશે.
લાખાજીરાજ રોડ વેપારી એસોસીએશનની રજૂઆત બાદ મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ જગ્યા રોકાણ વિભાગના અધિકારીઓને બોલાવી આ મુદ્દે તાત્કાલીક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તેમજ વેપારીઓને પણ દુકાનની બહાર દબાણ ન કરવાની સુચના આપી કોઇ જાતનુ દબાણ ચલાવી લેવામાં નહીં આવે જે પાથરણાવાળાનું હોય કે દુકાનદારનુ તેમ જણાવી રોજેરોજ ચેકિંગ ડ્રાઇવ કરવામાં આવશે અને જરૂર પડ્યે પોલીસ પાસે બંદોબસ્ત માંગી અહીથી ભાગેલા પાથરણાવાળાઓ બીજે ન છુપાઇ જાય એટલા માટે સમગ્ર વિસ્તારમાં ડ્રાઇવ કરવામાં આવશે આ આદેશને ત્રણેય ધારાસભ્યે ટેકો આપી કડક ડ્રાઇવ કરવામાં આવે તેમ જણાવ્યુ હતું.
લાખાજીરાજ રોડના વેપારીઓ દ્વારા પાથરણાના ત્રાસ અંગે મ્યુનિ.કમિશનરને આવદેન પાઠવી દબાણ હટાવવાની રજૂઆત કરવામાં આવેલ તેવી જ રીતે ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેટર સહિતનાએ પણ આ મુદ્દે નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવો શુર વ્યકત કરતા મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ વેપારીઓને જણાવેલ કે, દરેક પ્રકારના દબાણ હવેથી દબાણ જ કહેવાસે જેનુ રોજેરોજ ચેકિંગ કરવામાં આવશે. પાથરણા વાળાઓના દબાણો તો હટાવાશે પરંતુ વેપારીઓ દ્વારા કરવામાં આવેલ એક પણ દબાણો ચલાવી લેવાશે નહીં તેમ જગ્યા રોકાણ વિભાગને આદેશ આપી રોડ ઉપર થતા વેપારીઓ અને પાથરણા વાળાઓના તમામ દબાણો જપ્ત કરવાની સુચના આપી આજથી કાર્યવાહી શરૂ કરવામાં આવે અને રોજેરોજ સવારથી સાંજ સુધી ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.(૬.૧પ)
રોજ પોલીસ બંદોબસ્ત ગોઠવોઃ ખર્ચો હું આપીશઃ નેહલ શુકલ
રાજકોટઃ લાખાજીરાજ રોડ પ્રશ્ને રજુઆતમાં ઉપસ્થિત કોર્પોરેટર નેહલ શુકલે કમિશનર અને ધારાસભ્ય સહિતનાને સંબોધન કરી જણાવેલ કે, લાખાજીરાજ રોડ ઉપર કાયમી બંદોબસ્ત મુકવો જોઇએ પોલીસ વિભાગ પાસે કાયમી બંદોબસ્ત માંગી ન શકીયે પરંતુ રોજેરોજ બંદોબસ્ત મુકવા માટે પોલીસ વિભાગને નિયત ફી ચુકવી પડે છે. ત્યારે લાખાજીરાજ રોડના વેપારીઓનો પ્રશ્ન હલ થતો હોય અને કાયમી પોલીસ બંદોબસ્ત મુકવાની જરૂરીયાત ઉભી થાય તો તમામ ખર્ચ આપવા માટે હું તૈયાર છું.(૨.૧૭)
(3:29 PM IST)










