તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd December 2025
અમે મકાન બનાવ્યું તેનો વિરોધ કેમ કરો છો? કહી જમીન મકાનના ધંધાર્થી રામજીભાઇ સાથે માથાકુટ
મોટા મવા લક્ષ્મીના ઢોળે બનાવઃ રામજીભાઇએ તમે જ્યાં મકાન બનાવ્યું તે અમારા સમાજની જમીન છે કહેતાં પાડોશી મિત્ર અને તેના પત્નિે કર્યો ડખ્ખો : એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાયો

રાજકોટ તા. ૨૩: મોટા મવા લક્ષ્મીના ઢોળા પર રહેતાં જમીન મકાનના ધંધાર્થી યુવાનને તેના જ પાડોશમાં રહેતાં તેના જુના મિત્ર અને મિત્રના પત્નિએ ગાળો દઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં ફરિયાદ થઇ છે. આ દંપતિએ જે જમીનમાં મકાન બનાવ્યું તે મામલે ચાલતા વિવાદમાં આ ડખ્ખો થયો હતો. યુનિવર્સિટી પોલીસે આ અંગે મોટા મવા લક્ષ્મીના ઢોળા પર ભૈરવદાદાના મંદિર પાસે રહેતાં અને જમીન-મકાન લે-વેંચનો ધંધો કરતાં રામજીભાઇ ખીમાભાઇ સોલંકી (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી તેના જ પાડોશમાં રહેતાં તેના જુના મિત્ર ભગવાનજીભાઇ પુંજાભાઇ કોળી અને ભગવાનજીભાઇના પત્નિ વિરૂધ્ધ એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
રામજીભાઇ સોલંકીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને જમીન-મકાન લે-વેંચનું કામ કરી ગુજરાન ચલાવુ છું. ગત ૧૫/૧૨ના રોજ બપોરે ત્રણેક વાગ્યે હું અને મારા મિત્ર ગોવિંદભાઇ બાબરીયા ક્રેટા કાર લઇને મારા ઘરે આવ્યા ત્યારે ઘર બહાર મારા જુના મિત્ર ભગવાનજીભાઇ કોળી મને ઓળખતા હોઇ જે ઉભા હોઇ હું ગાડીમાંથી નીચે ઉતરતા તેણે મને કહેલું કે-મેં કરેલા મકાન બાબતે તમે કેમ વિરોધ કરો છો? જેથી મેં કહેલુ કે તે જ્યાં મકાન કર્યુ તે અમારા સમાજ (બાબાસાહેબ)ની જમીન છે, તો તારે ત્યાં મકાન ન બનાવાય ને. આ સાંભળી ભગવાનજીભાઇ ઉશ્કેરાઇ ગયેલ અને મને જેમ ફાવે તેમ ગાળો દેવા માંડતાં અને મને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં મારા મિત્ર ગોવિંદભાઇ વચ્ચે પડયા હતાં.
તેણે ભગવાનજીભાઇને સમજાવતાં અને વાતચીત કરતાં તે વખતે ભગવાનજીભાઇના પત્નિ કે જેને હું બહેન કહુ છું તે આવી ગયા હતાં અને તેણે પણ મને અપમાનીત કરી ગાળો દીધી હતી અને કહ્યું હતું કે અમે જ્યાં મકાન બનાવ્યું છે તે જમીન અમારી છે, અમને ત્યાંથી કોઇ કાઢી ન શકે. આમ કહી આ બંને જતાં રહ્યા હતાં. મેં મારા ઘરની બહાર સીસીટીવી કેમેરો રાખ્યો હોઇ તેમાં આ બંનેનું રેકોર્ડીંગ થઇ ગયું હતું. મારે માથાકુટ વધારવી ન હોઇ જેથી જે તે વખતે ફરિયાદ કરી નહોતી. પણ આ લોકો સમજવા તૈયાર ન થતાં અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં રામજીભાઇએ કહેતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. અન. પટેલની રાહબરીમાં એએસઆઇ મુકેશભાઇ પી. ચરમટાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:13 PM IST)










