News of Tuesday, 23rd December 2025
ઉપલેટાના યોગેશભાઇ સાથે રાજકોટના ચિરાગ-જીતેશે ઠગાઇ કરી કિંમતી પ્લોટ હડપ કરી લીધો
પુત્રના ઉચ્ચ અભ્યાસ માટે લોન મંજુર ન થતાં પરિચીત મારફત લીમડા ચોકમાં ઓફિસ ધરાવતાં ચિરાગ સુદાણીનો સંપર્ક કર્યોઃ તેણે આર્થિક મદદ કરી બદલામાં યોગેશભાઇના પ્લોટનો દસ્તાવેજ નામે કરી લીધોઃ પછી નક્કી થયા મુજબ પાછો જ ન દીધોઃ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૩:રાજકોટ તા. ૨૩: ઉપલેટાના રહેવાસી પ્રોૈઢે પોતાના દિકરાના ઉચ્ચ અભ્યાસ માટે લોન મેળવવા પ્રયાસ કરતાં તેમાં સફળ ન થતા રાજકોટના શખ્સ પાસે આર્થિક મદદ મેળવી હતી. જો કે તેના બદલામાં તેનો કિંમતી પ્લોટ હડપ થઇ ગયો હતો. બે શખ્સોએ મજબુરીનો લાભ લઇ, વિશ્વાસ કેળવી દસ્તાવેજ નામે કરાવી લઇ પરત ન આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ઉપલેટા ખાતે સરદાર પટેલ રોડ પર સરકારી કોટેજ હોસ્પિટલની બાજુમાં હનુમાનજી મંદિર સામે રહેતાં યોગેશભાઇ પોપટભાઇ નગેવાડીયા (ઉ.વ.૫૧) રાજકોટ બેડીપરા સિતારામ રોડ આંબા ભગતની શેરીમાં ચીરાગ પ્રવિણભાઇ સુદાણી અને તેની સાથેના જીતેશ નારણભાઇ સુદાણી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. યોગેશભાઇને દિકરા પ્રીતના ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયાની જરૂર હોઇ રાજકોટમાં અલગ અલગ બેંકોમાં લોન માટે પ્રયાસ કર્યા બાદ પરિચીત મારફત રાજકોટના ચીરાગ અને જીતેશ સાથે સંપર્ક થતાં આ બંનેએ પોતે અભ્યાસ માટે આર્થિક મદદ કરશે, પરંતુ તેના બદલામાં યોગેશભાઇનો રાજકોટમાં આવેલા પ્લોટનો દસ્તાવેજ કરી આપવો પડશે. અભ્યાસ પુર્ણ થયે રકમ પરત આપ્યે ફરી દસ્તાવેજ નામે કરી દેશે તેમ કહી ૧૩ લાખની મદદ કરી તેની સામે અતિ કિંમતી પ્લોટ પરત ન આપી ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદી યોગેશભાઈએ વધુમાં જણાવ્યા મુજબ તેઓનો પુત્ર પ્રીત ઉચ્ચ અભ્યાસ કરવા માંગતો હતો, જેના માટે તેઓને નાણાંની સખત જરૂર હતી. રાજકોટના મોટા મૌવા વિસ્તારમાં સર્વે નંબર ૭૦ પૈકીનો પ્લોટ નં. ૬ (આશરે ૨૩૮ વાર) તેમની માલિકીનો હતો. આ પ્લોટ પર લોન લેવા માટે તેઓ રાજકોટની વિવિધ બેંકોમાં ગયા હતા, પરંતુ ટેકનિકલ કારણોસર લોન મંજૂર થતી નહોતી. આ દરમિયાન તેમની મુલાકાત રવીરાજ ચૌહાણ અને ત્યારબાદ સાગર ચૌહાણ સાથે થઈ હતી. સાગર તેઓને લીમડા ચોક સ્થિત આલાપ બિલ્ડિંગમાં ઓફિસ ચલાવતા ચીરાગપ્રવીણભાઈ સુદાણી પાસે લઈ ગયો હતો.
તે વખતે ચીરાગ સુદાણીએ યોગેશભાઈને વિશ્વાસમાં લઇ કહ્યું હતું કે-તમારા પુત્રનો અભ્યાસ પુરો ન થાય ત્યાં સુધી હું આર્થિક મદદ કરીશ અને એડમિશનમાં પણ મદદ કરીશ. બદલામાં યોગેશભાઇને તેનો રાજકોટના પ્લોટનો દસ્તાવેજ ચીરાગના નામે કરવો પડશે. ત્યારપછી જ્યારે યોગેશભાઈ પોતાને ચીરાગ દ્વારા આપવામાં આવેલ રકમ પરત કરે, ત્યારે પ્લોટનો દસ્તાવેજ ફરી યોગેશભાઈના નામે કરી આપવાનું નક્કી થયું હતું. આ પછી યોગેશભાઇએ તા. ૦૨/૦૬/૨૦૨૨ ના રોજ ચીરાગ સુદાણી અને તેના કૌટુંબિક ભાઈ જીતેશ સુદાણીના નામે પ્લોટનો વેચાણ દસ્તાવેજ કરાવી આપ્યો હતો.
દસ્તાવેજમાં દર્શાવેલ રકમ પૈકી એક ચેક રૂ. ૫,૦૦,૦૦૦ આપ્યા બાદ ચીરાગે તે રકમ રોકડમાં પરત લઈ લીધી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ કુલ નક્કી થયેલી રકમમાંથી તેઓને માત્ર રૂ. ૨,૫૦,૦૦૦ જ મળ્યા હતા. ચીરાગે કંપનીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી યોગેશભાઈની ઇ-સાઇન કરાવી લીધી હતી. એટલું જ નહીં, નવું પાનકાર્ડ કઢાવતી વખતે તેમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી રજિસ્ટર કરાવી દીધા હતા. યોગેશભાઇને પુત્રને પોલેન્ડ મોકલવા માટે ક્રેડિટ કાર્ડની જરૂર પડતા ચીરાગે યોગેશભાઈના ખાતામાં ૧.૩૦ લાખ જમા કરાવી એફ.ડી. કરાવી હતી. ત્યારબાદ આ ક્રેડિટ કાર્ડ મેળવી તેના પર દર મહિને એક-એક લાખના ટ્રાન્ઝેક્શન કરી કુલ ૫ લાખનો વ્યવહાર કર્યો હતો.
અંતે ૧ લાખ રૂપિયા જમા ન કરાવતા બેંકે ક્રેડિટ કાર્ડ બ્લોક કર્યું હતું અને યોગેશભાઈએ પોતાની એફ.ડી. તોડાવીને બેંકનું લેણું ભરપાઈ કરવું પડ્યું હતું. એ પછી ઓગસ્ટ ૨૦૨૩થી ચીરાગ સુદાણીએ આર્થિક મદદ બંધ કરી દેતા યોગેશભાઈના પુત્રનો અભ્યાસ અધવચ્ચે જ અટકી ગયો હતો. જ્યારે પ્લોટનો દસ્તાવેજ પરત માંગવામાં આવ્યો, ત્યારે ચીરાગે રૂ. ૨૧,૫૦,૦૦૦ની માંગણી કરી હતી. આ અંગેની વાતચીતના ઓડિયો રેર્કોડિંગ પણ પોલીસને સોંપવામાં આવ્યા હતાં. યોગેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે ચીરાગ સુદાણી અને જીતેશ સુદાણીએ પુર્વયોજીત કાવત્રુ ઘડી, તેમની મજબૂરીનો લાભ લઈ, વિશ્વાસઘાત કરીને પ્લોટ હડપ કરી લીધો છે. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરીપરાની રાહબરીમાં પીએસઆઇ કે. એચ. કારેણાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(2:11 PM IST)










