<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

૧૯ વર્ષની યુવતિને સરાજાહેર આંતરી બિભત્‍સ ભાષામાં ફ્રેન્‍ડશીપનો પ્રસ્‍તાવઃ ના પાડતાં ઢગાએ ગાળો ભાંડી!

પુષ્‍કરધામ રોડ પરથી ચાનું પાર્સલ લઇ ઘરે જતી હતી ત્‍યારે રસ્‍તામાં બનાવ ૧૦ વર્ષની બાળા સાથે જાહેરમાં બિભત્‍સ ચાળા કરનાર ૮૨ વર્ષના ડોસા થયા જેલહવાલેઃ પાંચ દિવસ પહેલા પણ બાળા સાથે બિભત્‍સ હરકતો કરી હતીઃ માલવીયાનગર પોલીસની આકરી કાર્યવાહી યુવતિ ગમે તેમ કરીને ત્‍યાંથી નીકળી ઘરે પહોંચીઃ પરિવારજનોને વાત કર્યા બાદ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી

રાજકોટ તા. ૨૨: શહરેના ૧૫૦ ફુટ રીંગ રોડ પર એક ૧૦ વર્ષની બાળા સાથે ૮૨ વર્ષના ડોસાએ જાહેરમાં બિભત્‍સ હરકતો કર્યાની ઘટનામાં પોલીસે આકરી કાર્યવાહી કરી છે ત્‍યાં જ બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુષ્‍કરધામ રોડ પરથી ચાનું પાર્સલ લઇ ટુવ્‍હીલર પર જઇ રહેલી યુવતિનો એક બાઇકચાલકે પીછો કરી અત્‍યંત ખરાબ ભાષામાં ફ્રેન્‍ડશીપ કરવાનું કહેતાં તેણીએ પોતે તેને ઓળખતી ન હોઇ ના પાડતાં તેને બીભત્‍સ ગાળો દેતાં તે ત્‍યાંથી બચીને નીકળી ગઇ હતી. યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી આ શખ્‍સની શોધખોળ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનનાર ૧૯ વર્ષની યુવતિની ફરિયાદ પરથી બ્‍લુ રંગનો શર્ટ પહેરેલા એક શખ્‍સ વિરૂધ્‍ધ  ગુનો દાખલ કર્યો છે. ભોગ બનનાર યુવતિ પ્રાઇવેટ નોકરી કરે છે. તેણે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે હું પરિવાર સાથે રહું છું. રવિવારે સાંજે હું ઘરે સવા આઠેક વાગ્‍યે હતી. મારા માતાને અને મારે ચા પીવી હોઇ જેથી માતાએ મને ચા લઇ આવવાનું કહેતાં  હું મારુ ટુવ્‍હીલર લઇને પુષ્‍કરધામના ગેઇટની સામે જાફર ચાની દૂકાને ચા લેવા ગઇ હતી. ત્‍યાંથી ચા પાર્સલ કરીને ઘરતરફ જતી હતી.

આ વખતે મારા ટુવ્‍હીલરની પાછળ પાછળ એક બ્‍લુ રંગનો શર્ટ પહેરેલો શખ્‍સ તેના બાઇક પર આવ્‍યો હતો અને મારી પાસે આવી ખરાબ ઇશારા કરી ખરાબ ભાષામાં મને ફ્રેન્‍ડશીપ કરવા કહ્યું હતું. પરંતુ હું તેને ઓળખતી ન હોઉ અને મેં ક્‍યારેય તેને જોઇ ન હોઇ જેથી ફ્રેન્‍ડશીપ કરવાની ના પાડતાં તે ઉશકેરાઇ ગયો હતો અને મને બિભત્‍સ ગાળો દેવા માંડી મારી સાથે ગેરવર્તન કરવા માંડયો હતો. જેથી હું ગભરાઇ જતાં ત્‍યાંથી ટુવ્‍હીલર લઇ નીકળી ગઇ હતી અને મારા ઘરે જઇ બનાવની જાણ મારા સગાને કરી હતી. બાદમાં મને પોલીસ ફરિયાદ નોંધાવવાની હિમ્‍મત આપતાં મેં પોલીસને જાણ કરી હતી.

યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના પીઆઇ  એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ જે. એલ. બાળાએ ગુનો દાખલ કર્યો છે. આ શખ્‍સને શોધી કાઢવા ડી. સ્‍ટાફની ટીમ કામે લાગી છે. સીસીટીવી ફૂટેજ ચકાસીને પોલીસે આ શખ્‍સને શોધી કાઢવા પ્રયાસ શરૂ કર્યા છે. સરાજાહેર છેડતીની આ ઘટનાથી યુવતિ ભારે ગભરાઇ ગઇ હતી અને ડઘાઇ ગઇ હતી.

બીજી તરફ શહેરમાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર મવડી ચોકડી પાસે બનેલી શરમજનક ઘટનામા એક ૧૦ વર્ષની બાળકી જેને દાદા કહીને બોલાવતી હતી એ જ બાળકી સાથે જાહેરમાં ૮૨ વર્ષના ડોસા મવડી વિસ્‍તારના વિરમભાઇ ભગાભાઇ બરાડીયા સામે માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. તપાસ થતાં આ વૃધ્‍ધે પાંચ દિવસ અગાઉ પણ આ બાળા સાથે છેડછાડ કરી હોવાનું ખુલતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી.

વૃધ્‍ધ એક બાળા સાથે જાહેરમાં બિભત્‍સ ચાળા કરતો હોવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી વૃધ્‍ધને શોધી કાઢી ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. પોક્‍સો સહિતની કલમો હેઠળ આ બનાવમાં કાર્યવાહી કરવામાં આાવી છે. પોલીસ તપાસમાં ખુલ્‍યું હતું કે પાંચ દિવસ પહેલા પણઆ બાળા સાથે આ વૃધ્‍ધે બિભત્‍સ હરકતો કરી હતી. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે કરવા હુકમ થયો હતો.

 

(3:08 PM IST)