તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
પાંચાળ પ્રદેશની આધ્યાત્મિક વિરાસત જાળવવા અનોખું અભિયાનઃ માંધાતાસિંહ જાડેજા
કુંવરજીભાઇ બાવળીયાની ‘‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા.... : કેબિનેટ મંત્રીની ર૩૦ કિ.મી.ની પદયાત્રાને બિરદાવતા રાજવી પરિવારના ઠાકોર સાહેબ

રાજકોટઃ તા. ર૦, ગુજરાત સરકારનાં શ્રમ, ગ્રામ વિકાસ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના યશસ્વી કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ સામાજિક સમરસતા, નાગરિકોની સુખાકારી, સાંપ્રદાયિક સદ્વભાવના, રાષ્ટ્રના સર્વાંગી વિકાસ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતો છેવાડાના માનવી સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે સૌરાષ્ટ્ર સ્થિત પાંચાળ પ્રદેશનાં તીર્થધામ ઘેલા સોમનાથ મહાદેવનાં શ્રીચરણોમાં શ્રધ્ધા પૂર્વક શીશ ઝુકાવીને બસ્સો ત્રીસ કિલોમીટરની ‘‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા''નો શુભારંભ કર્યો છે તે કાઠિયાવાડી સંસ્કળતિ અને સૌરાષ્ટ્ર પ્રાન્તના પાંચાળ પ્રદેશની આધ્યાત્મિક વિરાસતની જાળવણી માટેનું એક અનોખું અને અત્યંત ઉપકારક એવું અભિયાન છે તેમ જણાવીને રાજકોટ ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ સોમનાથ અને ઘેલા સોમનાથ મંદિરની એકરૂપતા લક્ષી ઐતિહાસિક વિગતો ઉપર પ્રકાશ પાડતાં વધુમાં જણાવ્યું હતું કે, અલાઉદીન ખિલજીના આક્રમણથી તુટેલા સોમનાથ મંદીરનો મીનળદેવીએ જીર્ણોધાર કરીને મંદીરની મુળ પ્રતિષ્ઠા પુનઃ પ્રદાન કરી એ વખતે ઝફરખાન નામના સરદારે ફરીથી હુમલો કરવાની યોજના બનાવી હતી, જેની પોતાના ગુપ્તચરો મારફત જાણ થતાં જુનાગઢના ચુડાસમા રા'એ સોમનાથ મંદિરના રક્ષણ માટે ક્ષત્રિયોને આહવાન કર્યું એ વખતે અરઠીલાના શ્રી હમીરજી ગોહિલે શિરમોર રહીને સોમનાથ દેવળનાં પ્રાંગણમાં જ સ્થાનિય શૂરવીર ક્ષત્રિય તથા બ્રહ્મ યોદ્ધાઓનું નેતળત્વ કરીને સૌરાષ્ટ્રની રાજપૂતાના શકિતનો અનુભવ કરાવતું ભીષણ યુદ્ધ કર્યું હતું.
કમનસીબે આક્રમણકાર ઝાફરખાનની વિશાળ સેના સામે ઓછી સંખ્યામાં યુદ્ધ કરતા યોદ્ધાઓ શહીદ થવા લાગ્યાં એ વખતે કેટલાક રાજપુતોએ શિવલીંગની રક્ષા માટે તેને ખસેડી લેવાનું નક્કી કર્યુ. પાલખીમાં શિવલિંગ પધરાવી, સાથે ચુડાસમા રા' ના કુંવરી મીનળદેવીને બેસાડી સોમનાથના મંદીર સામે છેલ્લી નજર કરી સૌ ચાલી નીકળ્યા. એક લાંબો પથ કાપીને પાલખી જ્યારે પાંચાળ પ્રદેશમાં વહેતી અને ઉન્મત ગંગા તરીકે ઓળખાતી ધેલો નદીને કાંઠે પહોંચી ત્યારે તે સ્થળ અનુકૂળ જણાતાં ત્યાં શિવલીંગની પ્રતિષ્ઠા કરવામા આવી, જે આજે ઘેલા સોમનાથ તરીકે ઓળખાય છે.
સોમનાથમાં ઝાફરખાનનાં બાકી રહેલા સૈન્યને શિવલીંગની સ્થાપના અન્ય સ્થળે થયાની અને ‘રા ના કુંવારી મીનળદેવી તેની પુજા કરે છે એ હકીકતની જાણ થઈ ત્યારે ઝાફરખાનના સૈનિકોએ ત્યાં પણ હલ્લો કર્યો પરંતુ રાજપૂતોનાં સંગઠીત બળ સામે તેઓની કારી ફાવી નહીં અને ત્યાંથી પાછા હઠવું પડયું. શિવપૂજામાં મગ્ન મીનળદેવીને જ્યારે પોતાના ઉપર સુલતાનનાં સૌનિકોની નજર પડી છે એવી જાણ થઇ ત્યારે તેમણે જીવવા કરતા મોતને વહાલું ગણ્યું અને ઘેલા સોમનાથ મંદિર સામેની ટેકરી ઉપર ચડી જઈને ત્યાં જ સમાધિ લીધી. આજે પણ ઘેલા સોમનાથ મંદિરનાં દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓ મંદિર સામેની ટેકરી ઉપર મીનળદેવીની નાનકડી દેરી સમક્ષ મસ્તક ઝુકાવીને જુહાર કરવાનું ચૂકતા નથી એમ જણાવી ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી ભાઇ બાવળીયાને તેમની ‘‘જનકલ્યાણ શિવવંદના પદયાત્રા''ની ભવ્ય સફળતા માટે રાજકોટ રાજ પરિવાર વતી શુભકામનાઓ પાઠવી હતી.
(3:35 PM IST)










