<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

વડાપ્રધાનના આગમનથી સમસ્‍યા દુર થતી હોય તો તેમને આખા રાજકોટમાં આંટો મરાવજો

કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણીરીની પદાધિકારીઓને ટકોર

રાજકોટ તા. ૨૦ : મારવાડી યુનિવર્સિટી રાજકોટ ખાતે યોજાયેલ વાયબ્રન્‍ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સંભવતઃ હાજર રહેવાના હોય પીએમ રોડ શો ની તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર હરકતમાં આવી ગયુ છે. ગ્રીનલેન્‍ડ ચોકડીથી મારવાડી યુનિવર્સિટી સુધી નવા રોડ રસ્‍તા અને ડીવાઇડર, ફુટપાથ રીપેરીંગના કામો ફટાફટ થવા લાગ્‍યા છે. ત્‍યારે કોંગ્રેસ પ્રવકતા તુષિત પાણેરીએ જણાવ્‍યુ છે કે જો નરેન્‍દભાઇ મોદીના આવવાથી તંત્ર કામ કરતુ થઇ જતુ હોય તો તેમને આખા રાજકોટમાં ફેરવવા જોઇએ.

જેથી પુરા શહેરમાં દબાણો દુર થઇ જાય અને તંત્ર કામ કરતુ થઇ જાય. ખાસ કરીને યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, સાધુ વાસવાણી રોડ, લાખાજીરાજ રોડ, ઢેબર રોડ, લીંબડા ચોક, જયુબેલી ચોક સહીતના રાજમાર્ગો પર છકડો રીક્ષા, ઓટો રીક્ષા અને ખાનગી ટ્રાવેલ્‍સવાળાઓના બેફામ દબાણો વધ્‍યા છે. રાજકોટના મુખ્‍ય રસ્‍તાની દરેક ફુટપાથો પર લારી ગલ્લાવાળા, ચા-પાનના થડાવાળાઓના દબાણો પણ ખુબ વધી ગયા છે. ત્‍યારે મનપાના ચુંટાયેલા પદાધિકારીઓને ઉદેશીને તુષિત પાણેરીએ જણાવ્‍યુ છે કે વડાપ્રધાન જાન્‍યુઆરીમાં રાજકોટ આવે ત્‍યારે આ તમામ માર્ગો ઉપર આંટો મરાવજો. જેથી એમને પણ સાચી હકીકતનો ખ્‍યાલ આવે અને કદાચ એ રીતે નાગરિકોને જાહેરમાર્ગો પરના દબાણો અને ટ્રાફીક સમસ્‍યામાંથી છુટકારો મળી જાય.

 

(4:01 PM IST)