તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
રાજકોટ રહીને નોકરી કરતાં માંગરોળના ૨૧ વર્ષના યુવાનનું બાથરૂમમાં હૃદય બેસી જતાં મોત
માતા-પિતાનો એક જ આધારસ્તંભ દિકરો હતોઃ સતવારા પરિવારમાં ગમગીની : ગાંધીગ્રામ અક્ષરનગરનો બનાવઃ નોકરી પુરી કરી ઘરે આવી ન્હાવા ગયા પછી બહાર જ ન આવ્યોઃ બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો પણ અહિ મૃત જાહેર કરાયો

રાજકોટ તા. ૨૦: હૃદય બેસી જવાથી મૃત્યુની ઘટનાઓમાં વધુ એક યુવાનનું મોત થયું છે. માંગરોળનો વતની ૨૧ વર્ષનો યુવાન રાજકોટ ફઇના દિકરા સાથે રહી નોકરી કરતો હતો. સાંજે નોકરીએથી ઘરે આવી ન્હાવા ગયો ત્યારે બાથરૂમમાં જ હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. તે માતા-પિતાનો એકનો એક આધારસ્તંભ અને બહેનથી નાનો હતો.
જાણવા મળ્યા મુજબ માંગરોળનો વતની રાજદિપ ભુપેન્દ્રભાઇ નકુમ-સતવારા (ઉ.વ.૨૧) હાલ રાજકોટગાંધીગ્રામ લાખના બંગલા પાસે અક્ષરનગરમાં ફઇના દિકરા ભાવીકભાઇ સાથે રહેતો હતો અને અતુલ મોટર્સમાં નોકરી કરતો હતો. ગત સાંજે સાઠા આઠેક વાગ્યે તે નોકરી પુરી કરીને ઘરે આવ્યો હતો અને ન્હાવા માટે બાથરૂમમાં ગયો હતો.
જો કે લાંબો સમય સુધી તે બાથરૂમમાંથી બહાર ન આવતાં પરિવારજનોએ તપાસ કરતાં તે બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રાજદિપ એક બહેનથી મોટો હતો અને માતા-પિતાનો એક જ દિકરો હતો. તેના પિતા ભુપેન્દ્રભાઇ નકુમ માંગરોળમાં ટુવ્હીલરનું ગેરેજ ચલાવે છે. રાજદિપ રાજકોટમાં અતુલ મોટર્સમાં નોકરી કરતો હતો. પોસ્ટમોર્ટમ થતાં હાર્ટએટેક આવી ગયાનો રિપોર્ટ આવ્યાનું સગાએ જણાવ્યું હતું. મૃતદેહને અંતિમવિધી માટે વતન માંગરોળ લઇ જવાયો હતો.
(11:52 AM IST)










