<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

જંગલેશ્વરમાં ૧ લાખ ચો.મી. જમીન પર દબાણ હોવાનો ધડાકોઃ આજે વધૂ ૪૦૦ને નોટીસ અપાઇ

કલેકટર તંત્ર-કોર્પોરેશનનું તંત્ર ૩૧ ડીસેમ્‍બર બાદ સંયુકત રીતે ઓપરેશન હાથ ધરશે :બે દિવસમાં કુલ ૯૮ર મીલ્‍કત ધારકોને નોટીસોઃ ૧૧૦ કરોડથી વધૂની કિંમતની જમીન

 

રાજકોટ, તા. ૧૯: શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં અંદાજે રપ થી ૩૦ વર્ષથી વધુથી અંદાજે ૧૧૦ કરોડથી વધુની કિંમતની ૧ લાખ ૬ હજાર ચો.મી. જમીન ઉપર દબાણ હોવાનો ધડાકો થયો છે.

શહેરના જંગલેશ્વર વિસ્‍તારમાં સતત બીજા દિવસે પણ પૂર્વ મામલતદાર દ્વારા નોટિસો આપવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે. આજે બીજા દિવસે ૪૦૦ જેટલા ગેરકાયદેસર બાંધકામ માલિકોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પૂર્વ વિભાગના મામલતદાર નિલેશ અજમેરા અને સર્કલ ઓફિસર સત્‍યમ સેરશીયાના નેતળત્‍વમાં મનપાની ટીમ અને તમામ તલાટીઓનો કાફલો જંગલેશ્વર પહોંચ્‍યો હતો. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસ જવાનોનો ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

મહત્‍વનું એ છે કે ગઈકાલે પણ ૫૮૨ જેટલા ગેરકાયદેસર સરકારી જમીન પર બાંધેલા મકાન માલિકોને નોટિસ આપવામાં આવી હતી. અને આજ સતત બીજા દિવસે પણ ૪૦૦ થી વધુ આસામીઓને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જંગલેશ્વર ટીપી નંબર ૬, ફાઈનલ પ્‍લોટ ૧૫૯માં અંદાજે ૪૦ ચોરસ મીટર જમીન ઉપર દબાણ હોવાનું બહાર આવ્‍યુ છે. ગઈકાલે ૮પ હજાર ચોરસ મીટર સરકારી જમીન પર દબાણની નોટિસો આપવામાં આવી હતી. ગઇકાલની મળીને કુલ એક લાખ ચોરસ મીટર સરકારી જમીન પર રહેલ દબાણને અત્‍યાર સુધીમાં નોટિસ આપવા હોય છે. જમીનની કિંમત ૧૧૦ કરોડથી વધુની થવા જાય છે, બે દિવસમાં ૯૮ર મીલ્‍કત ધારકોને કલમ-૬૧ હેઠળ  નોટીસ અપાઇ છે, આ જમીન કલેકટર અને કોર્પોરેશન બન્નેની આવતી હોય ૩૧ ડીસેમ્‍બર બાદ સંયુકત રીતે ઓપરેશન હાથ ધરાશે તેમ સાધનો ઉમેરી રહયા છે. આજે જંગલેશ્વરનું રાધાક્રિષ્‍ણનગર આવરી લેવાયું હતું, બે ફાઇનલ પ્‍લોટો કોર્પોરેશનના તો બે પ્‍લોટ કલેકટરના હોવાનું બહાર આવ્‍યું છે.(૬.૧૬)

(2:54 PM IST)