News of Thursday, 18th December 2025
રિક્ષા ઉભી રાખી મુસાફર ઉતારી રહેલા ઇબ્રાહીમભાઇ માકોડાને બે શખ્સે માથામાં ધૂંબા મારી પતાવી દીધા!
જામનગરના ડીકેવી રોડનો બનાવઃ બેફામ મારને કારણે બેભાન થઇ ગયેલા આધેડને સારવાર માટે રાજકોટ ખસેડાતાં મોતઃ પરિવારમાં માતમઃ બે અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી

રાજકોટ તા. ૧૮: જામનગરમાં રહેતાં મુસ્લિમ આધેડ રિક્ષામાં ભાડા કરતાં હોઇ તેઓ ડીકેવી રોડ પર રિક્ષા ઉભી રાખી મુસાફરને ઉતારતાં હતાં ત્યારે બાઇક પર આવેલા બે શખ્સોએ તેની સાથે ઝઘડો કરી ભુંડી ગાળો દઇ માથા-કપાળે આડેધડ ધુંબા મારતાં તેમની હાલત બગડતાં અને બેભાન થઇ જતાં જામનગર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તેમનું મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો છે.
આ બનાવમાં જામનગર સીટી બી-ડિવીઝન પોલીસે હત્યાનો ભોગ બનનાર ઇબ્રાહીમભાઇ દાઉદભાઇ માકોડા (ઉ.વ.૪૫)ના પત્નિ જામનગર કાલાવડ નાકા બહાર અરબ જમાત ખાના પાસે રહેતાં નફીસાબેન ઇબ્રાહીમભાઇ માકોડા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે હુમલાનો ગુનો નોંધ્યો હતો. સારવાર દરમિયાન રાજકોટમાં ઇબ્રાહીમભાઇનું મોત થતાં હત્યાની કલમ ઉમેરવા તજવીજ કરવામાં આવી છે.
નફીસાબેને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારા પતિ ઇબ્રાહીમભાઇ રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં હતાં. અમારે સંતાનમાં એક દિકરો બાર વર્ષનો છે. ૧૬/૧૨ના રોજ મારા પતિ ઇબ્રાહીમભાઇ નિત્યક્રમ મુજબ સવારે સાડા સાતેક વાગ્યે ઘરેથી રિક્ષા નં. જીજે૧૦ટીઝેડ-૧૯૯૬ લઇને ભાડા કરવા જવા નીકળ્યા હતાં. જતાં જતાં મને કહેલું કે-હું આપણા સગામાં મૈયત થઇ ગયેલ છે ત્યાં પણ જતો આવીશ. આ પછી સવારે સાડા દસેક વાગ્યે મારા પતિ રિક્ષા લઇને પરત ઘરે આવ્યા હતાં ત્યારે મેં તેમને-તમે શા માટે વહેલા આવી ગયા? તેમ પુછતાં તેણે કહેલું કે હું સાડા નવેક વાગ્યે ડીકેવી રોડ પર રિક્ષામાં મુસાફર ભરતો હતો ત્યારે મારી રિક્ષાની પાછળથી એક બાઇક પર આવેલા બે શખ્સોએ મને ભુંડી ગાળો દીધી હતી.
આ પછી આ બંનેએ મને માથા, કપાળ ઉપર ધુંબા મારવા માંડતાં હું નીચે પડી ગયો હતો. માણસો ભેગા થઇ જતાં આ બંને મને મારી નાખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. મને ખુબ દુઃખાવો થતો હોવાથી હું ઘરે આવી ગયો છું તેમ મારા પતિએ કહ્યું હતું. મેં માથામાં હાથ ફેરવી જોતાં લોહી દેખાયુ નહોતું. મારા પતિ થોડીવાર આરામ કરીને ફરી રિક્ષા લઇ સાડા અગીયારેક વાગ્યે ભાડા કરવા નીકળી ગયા હતાં. સાડા બારેક વાગ્યે ફરી તે ઘરે આવ્યા હતાં અને ઘરમાં જઇ સુઇ ગયા હતાં. મેં જમવાનું પુછતાં તેણે મારે જમવું નથી, મને માથામા જમણી બાજુ ખુબ દુઃખાવો થાય છે, મારે સુઇ જવું છે તેમ કહી સુતા હતાં. બાદ સાંજે પોણા પાંચેક વાગ્યે તે જાગ્યા હતાં અને ખુબ ઉલ્ટીઓ કરવા માંડયા હતાં.
આથી હું ગભરાઇ ગઇ હતી અને તેની પાસે જઇ શું થાય છે? તેમ પુછતાં તે બોલી શક્યા નહોતાં અને તેમનું શરીર ખેંચાવા લાગતાં હું રાડારાડ કરવા માંડી હતી. મેં મારી બહેન ફરઝાનાને ફોન કરતાં તે અને તેનો દિકરો જુનેદ આવી ગયા હતાં. અમે ૧૦૮ બોલાવી મારા પતિને જામનગર જી. જી. હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં ડોક્ટરે આઇસીયુમાં દાખલ કર્યા હતાં. તે બેભાન હાલતમાં હતાં. મારા પતિ રિક્ષામાંથી મુસાફર ઉતારતા હતાં ત્યારે પાછળ બાઇક પર આવેલા બે શખ્સોએ પતિને ગાળો દઇ માથામાં કપાળે આડેધડ ધુંબા માર્યા હોઇ તેના કારણે તેની હાલત બગડી હતી. તેમ વધુમાં નફીસાબેને કહેતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે મારામારીનો ગુનો નોંધ્યો હતો.વધુ સારવાર માટે ઇબ્રાહીમભાઇને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે તેમનું મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાઇ જતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. તે પરિવારના એકના એક આધારસ્તંભ હતાં. તેની હત્યાથી પત્નિ અને ૧૨ વર્ષનો દિકરો નોધારા થઇ ગયા છે. જામનગર પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
(3:45 PM IST)










