તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 18th December 2025
જય બાલાજી...૨૭મીથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા
સંકટ તે હનુમાન છુડાવૈ, મન ક્રમ બચન ધ્યાન જો લાવે : વિરાણી હાઇસ્કૂલના મેદાનમાંથી પોથીયાત્રા નિકળશે, હાથી, ઉંટગાડી, બળદગાડી, બુલેટ-બાઇક, બગી, નાસિક ઢોલ આફ્રિકન સદી ધમાલ આકર્ષણનું કેન્દ્ર બનશેઃ કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મન... અને સમાપન વંદેમાતરમ ગીતથી થશેઃ ૩૧મી ડીસેમ્બરે હજારો યુવાનો ‘‘દાદાના''રંગે રંગાશે

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આમંત્રણ આપતા શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ-રાજકોટની ટીમ નજરે પડે છે.(તસ્વીરય અશોક બગથરીયા)
રાજકોટઃ કળીયુગના હાજરાહજુર દેવ શ્રી હનુમાનજી મહારાજની રાજકોટ શહેરમાં ફરી એક વખત શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન તારીખ ૨૭ ડિસેમ્બર, ૨૦૨૫થી તારીખ ૨ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં સાળંગપુરધામના પરમ પૂજ્ય શ્રી હરિ પ્રકાશદાસજી સ્વામી તેમના મુખેથી શ્રોતાગણોને હનુમાન ચાલીસા યુવા કથાનું રસપાન કરાવશે.
રેસકોર્સ ગ્રાઉન્ડમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ થશે. કથાના પ્રારંભ પૂર્વે વિરાણી હાઈસ્કૂલ મેદાનથી બપોરે બે વાગ્યે પોથીયાત્રાનો પ્રારંભ થશે. તેમજ સંતો-મહંતોનું સામૈયું કરવામાં આવશે. ૫૫૧ બહેનો પોથીજી સાથે જોડાશે. હાથી, ઉંટગાડી, બળદગાડી, બુલેટ-બાઇક, બગી, નાસિક ઢોલ, આફ્રિકન સદી ધમાલ આકર્ષણનું કેન્દ્ર બનશે.
૨૭ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાનારી આ શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનો પ્રારંભ સાંજે ૮.૩૦ કલાકથી રાત્રીના ૧૧.૩૦ કલાક સુધીનો રહેશે. જેમાં વ્યાસપીઠે સાળંગપુર ધામના પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી બિરાજી શ્રોતાગણોને કથાનું રસપાન કરાવશે. તેમજ કથા દરમિયાન વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. યુવાનો તથા શ્રોતાગણોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે માટે કથાનો પ્રારંભ રાષ્ટ્રગીત જન ગણ મન... ગાઈને કરવામાં આવશે. તેમજ પૂર્ણાહૂતિમાં વંદે માતરમ ગીત ગાવામાં આવશે આ કથા ર જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ વિરામ લેશે.
શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં રાજકોટની જનતાને લાભ લેવા માટે શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ, રાજકોટ દ્વારા ભાવભર્યું આમંત્રણ અપાયું છે. વધુ માહિતી માટે ૭૦૧૬૨૮૪૫૭૬ અને ૯૦૩૩૯ ૮૨૪૮૯ ઉપર સંપર્ક કરવો.
કથા સ્થળે સાળંગપુરધામની અભિભુતી કરાવશે મંદિર
શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની વિશેષતાની વાત કરીએ તો રેસકોર્સમાં આવેલા કથા સ્થળે મેઈન સ્ટેજ વિશાળ રહેશે. તેમજ સ્ટેજ બે વિશાળ એલઈડી સ્ક્રીન લગાવાશે. સ્ટેજની એક તરફ રાષ્ટ્રધ્વજ અને બીજી તરફ ધર્મધ્વજ રહેશે.
તેમજ કથા સ્થળ ઉપર મધ્યમાં સાળંગપુર હનુમાનજી મંદિરની અભિભૂતી કરાવતું મંદિર બનાવાશે. આ ઉપરાંત શ્રોતાગણો માટે ૧૨:૨૦ ફૂટની ૮ જેટલી વિશાળ એલઈડી સ્ક્રીન મુકવામાં આવશે.
કથા શ્રવણ કરવા આવતા ભક્તોને દરરોજ પ્રસાદી આપશે
શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં દરરોજ ૫૦ હજાર કરતા પણ વધારે શ્રોતાગણો પધારવાના છે. ત્યારે શ્રોતાગણો તથા તેમના સ્વજનોને દરરોજ પ્રસાદ આપવામાં આવશે. કથાના દિવસો દરમિયાન આવનારા તમામ શ્રોતાગણોને આપવામાં આવશે.
(2:55 PM IST)










