તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th December 2025
‘તુ અને તારી દીકરી ઘરમાં પગ મુકતા નહી દહેજ લઇ આવો પછી ઘરમાં પગ મુકજો'કહી મહિલાને ત્રાસ
માધાપર ગામમાં રહેતા પ્રવિણાબેનની ગાંધીગ્રામ પોલીસમાં પતિ વિજય મુછડીયા અને સાસુ સાંતુબેન મુછડીયા સામે ફરિયાદ

રાજકોટ, તા.૧૮: શહેરના જામનગર રોડ સપના ક્લિનિકની સામે ઈશ્વરિયા ગામે રહેતી પરિણીતાએ લાલચુ સાસુ અને પતિની વારંવાર દહેજની માગણી અને શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મળતી વિગત મુજબ શહેરના જામનગર રોડ પર સપના કિલનિકની સામે ઈશ્વરિયા ગામ મેઇન રોડ નજીક રહેતા પ્રવિણાબેન વિજયભાઈ મુછડિયા(ઉં.વ.૩૬) દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ વિજય કાનજીભાઈ મુછડિયા અને સાસુ શાંતુબેન કાનજીભાઈ મુછડિયાના નામ આપ્યા છે.
પ્રવિણાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના લગ્ન સાત વર્ષ પહેલાં વિજયભાઈ મુછડિયા સાથે થયા છે. તને બે સંતાન છે. લગ્ન બાદ થોડા સમયસારી રીતે રાખ્યાં બાદમાં પતિ તને કહેવા લાગ્યો કે, તને તારા માવતરે કાંઈ કરિયાવર આપ્યુ નથી. તારા કરતાં બીજી કોઈ સ્ત્રી ઘરમાં લાવી હોત તો અમારૂં ઘર ભરાઈ જાત. તેમ કહી દહેજની માગણી કરવા લાગ્યા હતા. જે બાદ તેણી અવારનવાર રિસામણે જતી રહેતી હોય બાદમાં ઘર ચલાવવું હોવાથી ફરી સમાધાન કરી ઘરે પરત આવી જતી હતી.ત્યારબાદ દીકરીને જન્મ થતા જે બાબતે સાસુ કહેતા કે, તારા ઘરે દીકરીનો જન્મ થયો પણ તારા માવતરે તને કંઈ જ દહેજ આપ્યું નથી. પતિ પણ દારૂ પીને સાસુની ચઢામણીથી તેની સાથે મારકૂટ કરતો હતો. જેથી તેણી તેના માવતરેથી રૂ.૧ લાખ લઈઆવ્યા હતા. બાદમાં સાસુ અને પતિ બંને સારી રીતે રાખવા લાગ્યા જે બાદ ઘરે દીકરાનો જન્મ થતાં જ ફરી તેઓ દહેજ લઈ આવવા બાબતે દબાણ કરવા લાગ્યા હતા.ઘણી વખત તો સંતાનોની સ્કૂલ ફીના પૈસા પણ તેના માવતરના ઘરેથી આવતા હતા. જે પૈસા વધતા તે સાસુ અને પતિ રાખી લેતા હતા. તેણી પૈસા આપતી તો જ તેને ઘરમાં રહેવા દેતા બાકી સંતાનો સહિત ઘરની બહાર કાઢી મૂકતા હતા. સાસુ તો પતિને એમ પણ કહેતી કે, તું એને ઘરમાંથી કાઢી મૂક તને હું બીજે લગ્ન કરાવી દઈશ. જેથી તેના પતિ દારૂ પીને તેની અને તેની દીકરી સાથે મારકૂટ કરતા હતા. ગત તા.૧૫ના તે તેની દીકરી સાથે પ્રસંગમાંથી આવી ત્યારે ઘરને તાળું લગાવેલું હતું અને અંદરથી સાસુએ કહ્યું કે, માવતરથી દહેજ લઈ આવ તો જ ઘરમાં પગ મૂકજે. જે બાબતે નજીકમાં જ મોટરસાઇકલ લઈને આંટા ફેરા કરતા પતિને પૂછતા તેણે તેને બે ફડાકા મારી દીધા હતા. જેથી કંટાળીને તેણીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતા દીકરીએ ૧૦૮ને જાણ કરી હતી. જે મામલે મહિલાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે.
(2:52 PM IST)










