<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

બ્રહ્માકુમારીઝ ગુજરાતના ‘હીરક જયંતી મહોત્‍સવ' નિમિત્તે અમદાવાદમાં રવિવારે ‘‘શાંતિ અનુભૂતિ દિવ્‍ય સમારોહ''

વર્લ્‍ડ મેડીટેશન ડે ના રોજ વૈશ્‍વિક શાંતિ માટે ૬૦,૦૦૦થી વધુ રાજયોગી બ્રહ્માકુમાર ભાઇ-બહેનોનું એક થીમ પર સામૂહિક મેડિટેશનઃ સમારોહમાં વિવિધ સાત મૂલ્‍યો આધારિત સપ્‍તરંગી ગીત, સંગીત, કલા અને સંસ્‍કૃતિનો સંગમ રચાશે

બ્રહ્મકુમારીના હિરક જયંતિ મહોત્‍સવ અંગે ‘‘અકિલા'' કાર્યાલય ખાતે બ્રહ્માકુમારી ભગવતીબેન, બ્રહ્માકુમારી અંજુબેન, બ્રહ્માકુમારી સ્‍વાતીબેન તથા બ્રહ્માકુમાર હિતેષભાઇએ વિગતો વર્ણવી હતી. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

ર૧ ડિસેમ્‍બર-ર૦રપ રવિવાર વિશ્‍વ ધ્‍યાન દિવસ પર બ્રહ્માકુમારીઝ - ગુજરાત દ્વારા આયોજીત ‘‘શાંતિ અનુભૂતિ દિવ્‍ય સમારોહ''માં મુલ્‍યસભર સાંસ્‍કૃતિક કાર્યક્રમ આપનાર રાજકોટના કલાસાધકોની ટીમ. 

રાજકોટ તા. ૧૭: પ્રજાપતિ બ્રહ્માકુમારી ઇશ્‍વરીય વિશ્‍વ વિદ્યાલય ગુજરાત ઝોનની ઇશ્‍વરીય સેવાઓની ૬૦ વર્ષની સફળ યાત્રા નિમિતે ‘હીરક જયંતિ'ના ઉપલક્ષમાં તારીખ ર૧ ડિસેમ્‍બર ર૦રપ રવિવારે સાંજે ૪ વાગે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના મેદાન ખાતે ભવ્‍યાતિભવ્‍ય ‘‘શાંતિ અનુભૂતિ દિવ્‍ય સમારોહ''નું આયોજન કરવામાં આવેલ છે.

વર્તમાન સમયે દરેક વ્‍યકિતના જીવનમાં શાંતિની પુકાર છે અને આજે માનવ મન શાંતિ ઇચ્‍છે છે, ત્‍યારે મૂલ્‍યોથી મૂલ્‍યવાન જીવન બનાવવાના એક સુંદર અભિગમ સાથે ‘‘શાંતિ અનુભૂતિ દિવ્‍ય સમારોહ'' યોજાઇ રહ્યો છે, તેમ ગુજરાત ઝોનના ડાયરેકટર રાજયોગીની ભારતીદીદીએ જણાવ્‍યું છે.

વિશ્‍વ ધ્‍યાન દિવસે આયોજિત આ સમારોહ બ્રહ્માકુમારીઝ મુખ્‍યાલય માઉન્‍ટ આબુના સહ મુખ્‍ય પ્રશાસિકા રાજયોગીની જયંતીદીદીની અધ્‍યક્ષતામાં યોજાશે. સમારોહનું મુખ્‍ય મહેમાન પદ શ્રીમતી ડો. નીરજા ગુપ્‍તા, કુલપતિ ગુજરાત યુનિવર્સિટી તથા અતિથિ વિશેષ પદ અમદાવાદ શહેરના પોલીસ કમિશ્‍નર ભ્રાતા જી.એસ. મલિક શોભાવશે.

ગરવી ગુજરાતમાં બ્રહ્માકુમારીઝની ઇશ્‍વરીય સેવાઓની ૬૦ વર્ષની સફળ યાત્રા નિમિતે આયોજિત ‘‘હીરક જયંતી સમારોહ''ના મુખ્‍ય આકર્ષણોમાં વિશ્‍વ ધ્‍યાન દિવસે વૈશ્‍વિક શાંતિ માટે ૬૦,૦૦૦ થી વધુ શ્‍વેત વસ્‍ત્રાધારી રાજયોગી બ્રહ્માકુમારી ભાઇ બહેનો શાંતિદૂત બની, શાંતિના એક જ લક્ષ્ય પર, એક સાથે, એક સ્‍થાને, આબેહૂબ રંગોના પ્રકાશમય દિવ્‍ય વાતાવરણમાં ઓમના નાદ સાથે સામૂહિક મેડિટેશન કરશે.

સાત વિવિધ મૂલ્‍યો આધારિત સપ્‍તરંગી થીમ સાથે ગીત, સંગીત, કલા અને સંસ્‍કૃતિના અનોખા સંગમ સાથે ૧૦૦ થી વધુ કલાકારો આધ્‍યાત્‍મિક કલાકૃતિઓ રજૂ થશે. ૬૦ તપસ્‍વી રાજયોગીની બ્રહ્માકુમારી બહેનો પવિત્રતાના સૂચક કમળ આસન પર બેસીને ધ્‍યાન કરશે.

પ્રતિષ્‍ઠિત મહાનુભાવોના શુભેચ્‍છા વિડિઓ સંદેશ તથા બ્રહ્માકુમારીઝ ગુજરાતની ઇશ્‍વરીય સેવાઓની ઝલક પણ રજૂ કરવામાં આવશે. આ વૈશ્‍વિક સમારોહમાં સમસ્‍ત ભારત તથા વિદેશમાં વસતા ગુજરાતી ભાઇ બહેનોની પણ ઉપસ્‍થિતિ હશે. ઉપરાંત સાત મૂલ્‍યો એ માનવ જીવનની શ્રેષ્‍ઠ સંપત્તિ છે. આ સુંદર થીમ પર રાજકોટના બ્રહ્માકુમારી સાથે સંકળાયેલ પ થી પ૦ વર્ષના કલા સાધકો નિરંતર ર કલાકની આબેહૂબ પ્રસ્‍તુતિ રજૂ કરશે

(3:23 PM IST)